ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સર્વેમાં તારણ: ૪૬૯ પોલીસ, જયુડિશ્યલ સ્ટાફ અને સરકારી વકીલોનો કરાયો સર્વે: વિકાસશીલ દેશોમાં ૮૫ ટકા ગુના સાબીત થવાની સરખામણીએ ભારતમાં ૪૭ ટકા જ ગુનામાં સજા
રાજયમાં કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવતા પોલીસ સ્ટાફ જ ઈન્વેસ્ટીગેશન કરતા હોવાથી તપાસને પુરતો ન્યાય ન મળવાના કારણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતમાં ઘણુ પાછળ રહ્યું છે. આ અંગે ‘સ્ટડી ઓન ધી ઈમ્પોર્ટન્સ ઓફ પોલીસ એકાઉન્ટીબીલીટી એન્ડ ઈટસ ઈમ્પેકટ ઓન ગવર્નન્સ ઓફ ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ ઈન સ્ટેટ’ દ્વારા કરાયેલા સર્વેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ગુનાની તપાસ કરનાર પોલીસ સ્ટાફની ટીમ અલગ હોવાનું સર્વેનું તારણ રહ્યું છે.
રાજયમાં પોલીસ સ્ટાફ ચૂંટણી બંદોબસ્ત, વીવીઆઈપી બંદોબસ્ત અને ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફરજ બજાવતા હોય છે તે જ પોલીસ સ્ટાફ ગંભીર ગુનાની તપાસ કરતો હોવાથી તપાસને પુરતો ન્યાય આપી શકાતો ન હોવાનું સર્વેમાં જણાવાયું છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેમાં ૧૭૩ પોલીસ કર્મી, ૨૯૬ જયુડીશ્યલ સ્ટાફ અને સરકારી વકીલો મળી ૪૬૯ના લેવાયેલા મંતવ્યમાં બંદોબસ્તની ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને ગુનાની તપાસ કરનાર સ્ટાફ અલગ હોય તો તપાસને પુરતો ન્યાય આપી શકાય તેમ હોવાનું તારણ બહાર આવ્યું છે.
વિવિધ બંદોબસ્તની ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જ લૂંટ, ખૂન, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાની તપાસની જવાબદારી સોંપવામાં આવતી હોવાથી તપાસ દરમિયાન જ પોલીસ સ્ટાફે બંદોબસ્તની કામગીરીમાં વ્યસ્ત બનવું પડતું હોય છે.
કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ સ્ટાફને માત્ર બંદોબસ્તની જ કામગીરી સોંપવામાં આવે અને ઈન્વેસ્ટીગેશન કરતા પોલીસ સ્ટાફ ગુનાને લગતી તપાસ કરે તો અન્ય વિકાસશીલ દેશોની જેમ ભારતમાં પણ ગુનો સાબીત કરવાનું પ્રમાણ વધી જાય તેમ હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે.
ગંભીર ગુનાની ચાલુ તપાસ દરમિયાન જ પોલીસ સ્ટાફને તપાસ પડતી મુકી ચૂંટણી, મહાનુભાવોની સુરક્ષા અને ધાર્મિક તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સોંપવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતો સ્ટાફ અને ઈન્વેસ્ટીગેશન કરતો પોલીસ સ્ટાફ અલગ હોય તો પોલીસને કામનું ભારણ પણ ઓછુ થાય અને તપાસને પુરતો ન્યાય મળી રહે તેમ હોવાનું જણાવાયું છે.
વિકાસશીલ દેશોમાં ગુનો સાબીત કરવાનું પ્રમાણ ૮૫ ટકા જેટલું છે. ત્યારે ભારતમાં ગુનો સાબીત કરવાનું માત્ર ૪૭ ટકા જ પ્રમાણ રહ્યું છે. ગુનો સાબીત કરવાનું પ્રમાણ વધારવા માટે અને તપાસને પુરતો ન્યાય આપવા માટે બંદોબસ્ત અને ઈન્વેસ્ટીગેશન સ્ટાફ અલગ રાખવાની જરૂર હોવાનું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સર્વેમાં જણાવાયું છે.