તાજા ઉમેદવારોની લહેરથી કમળને ખીલેલું રાખવાની રણનીતિ
આગામી દાયકાઓ સુધી સત્તાની કમાન હાથમાં રાખવી હોય તો નવા ચહેરાઓ જરૂરી પરંતુ અનુભવીઓને અવગણવા જોખમી
છેલ્લા 22 વર્ષથી સત્તત ગુજરાતની ગાદી પાર આરૂઢ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં એક અભૂતપૂર્વ ફેંસલો લેવાયો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કાર્યકર 3 ટર્મથી ચૂંટાતો હોય, જે ઉમેદવારની ઉંમર 60 વર્ષ થઇ ગઈ હોય તે ઉમેદવારને આવી રહેલી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિ આવે. અધૂરામાં પૂરું એ પણ ખરું કે તે ઉમેદવારના કોઈ પણ સગા-વહાલાને પણ ટિકિટ નહિ આપવામાં આવે. અનેક રીતે જોઈએ તો આ એક ઐતહાસિક નિર્ણય છે. ભાજપ જેવા પક્ષમાં 3-4 ટર્મથી સત્તત ચૂંટાઈ આવતા હોય એવા અસંખ્ય નેતાઓ છે જેના પત્તા આ કારણે કાપવાના છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આ એક તીરથી અનેક નિશાન સાધવાની જે સફળ જાય તો ભાજપને જલસા પડી જાય એમ છે. બીજી તરફ પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોમાં આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે.
પાર્ટીના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે છે આવો નિર્ણય લેવાશે એવી આછી પાતળી જાણકારી ભાજપના વરિષ્ઠ કાર્યકરોને હતી ખરી પરંતુ સાથે સાથે એવી આશા પણ હતી કે કમસેકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો એની અમલવારી નથી જ થાય.
સૂત્રોના કહેવા મુજબ પાર્ટીનો આ નિર્ણય 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાનો એક લિટ્મસ ટેસ્ટ છે.
જેના દ્વારા બે બાબતો સ્પષ્ટ થશે. પ્રથમ વાત એ કે પાર્ટી જો મહદ્દઅંશે નવા ચહેરાઓ સાથે ચૂંટણીમાં ઉતારે અને છતાં પણ 8500થી વધુ કુલ બેઠકોમાંથી 7500 બેઠકો જીતી શકે તો 2022ની વિધાનસભાની ચૂંટણી માટેના “મિશન 182″ના સફળ જવાની ઉમ્મીદ બંધાઈ શકે. બીજી વાત એ કે લોકલ બોડી લેવેલે દાયકાઓથી સ્થાપિત થયેલા પક્ષના સિનિયર આગેવાનોની વિધાનસભા અને સંસદની ચૂંટણી વખતે ભોગવવી પડતી જાત જાત કે ની દખલબાજી અને દબાણોથી મુક્તિ મળી જાય
. આ ઉપરાંત ત્રીજી મહત્વની વાત એ છે કે આગામી દાયકાઓ સુધી જો ભાજપને સત્તાની કમાન પોતાના હાથમાં રાખવી હોય તો સમયાંતરે પ્રજા સમક્ષ નવા ચહેરા રજુ કરવા ખુબ જરૂરી છે. સાથે સાથે એ વાતનું ધ્યાન પણ પ્રદેશની નેતાગીરીએ ચોક્કસપણે રાખવું પડશે કે નવા ચહેરાઓની જરૂરતને પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવવામાં એ ન ભૂલે ભૂલે કે જુના અને અનુભવીઓની સાવ અવગણના કરવી જોખમી સાબિત થઇ શકે છે.