સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ: ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા છાત્રો માટે સ્વૈચ્છિક રીતે શાળાઓ આંશિક રીતે ખોલવા માર્ગ મોકળો
ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ઈચ્છશે તો આગામી તા.૨૧મીથી શાળાઓના દરવાજા ખુલી જશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગઈકાલે કેટલીક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ૨ છાત્રો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું, ફેસમાસ્ક પહેરવું, સાબુથી ૬૦ સેક્ધડ હાથ ધોવા, શ્વસન સંબંધીત શિષ્ટાચારનું ચુસ્તપણે પાલન કરવું સહિતની શરતો રખાઈ છે.
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મંત્રાલયે ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૧મી સપ્ટેમ્બરથી કલાસ શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ૨૧મી સપ્ટે.એ પુન: ખુલનારી તમામ શાળાઓને પ્રવેશ દ્વાર પર શિક્ષકો અને વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન ચકાસવા માટે થર્મલગન રાખવી ફરજીયાત છે. શાળાઓ શરૂ કરતા પહેલા શાળાના તમામ વર્ગખંડોને ૧ ટકા હાઈપોકલોરાઈડ અને આલ્કોહોલથી ધોઈને શાળાને સંપૂર્ણપણે સેનીટાઈઝ કરવાની રહેશે. શાળાઓને કોરોનટાઈન સેન્ટર તરીકે લેવાઈ હોય તેમને સંપૂર્ણ ઉંડાણપૂર્વક દ્રઢ રીતે ખુલતા પહેલા આખુ સંકુલ સ્વચ્છ કરવાનું રહેશે. શાળાઓને ૫૦ ટકાની ક્ષમતા અને ઓનલાઈન કલાસીસના માધ્યમથી ચાલુ રખાશે. ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કલાસરૂમમાં જવા અથવા તો ઓનલાઈન શિક્ષણ મેળવવાનો વિકલ્પ રહેશે. વિદ્યાર્થીઓને પોતાના વાલીઓનો સમર્થનપત્ર શાળામાં જવા માટે આપવું જરૂરી બનાવ્યું છે.
મંત્રાલયે એવી સુચનાઓ પણ આપી છે કે જે શાળાઓના વર્ગખંડો બંધ રાખવા હોય તેમને ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની સલામતી માટે શિક્ષણકાર્યની મંજુરી આપવામાં આવશે. શાળા અને સંકુલોના ભોજનાલય અને કેન્ટીનો બંધ રહેશે. શાળામાં કોઈપણ મેળાવડા, રમત-ગમતના કાર્યક્રમો કે ટોળા ભેગા થાય તેવી પ્રવૃતિ નહીં કરી શકાય. દરેક વખતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે માસ્ક ફરજીયાત રહેશે. તમામ સંપર્કમાં આવતી ચીજવસ્તુઓ જેમ કે દરવાજા, આંકડીયા, બટન, ગ્રીલ, ખુરશીઓ, બેન્ચ, વોશરૂમના નવા આંકડીયા, હેન્ડલ જેવી વસ્તુઓને હાઈવોકલોરાઈડ દ્રાવણથી સાફ કરવાનું રહેશે. શૈક્ષણિક સાધનો કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટરને ૭૦ ટકા આલ્કોહોલવાળા દ્રવ્યથી વિષાણુમુકત કરવાનો રહેશે. તમામ પીવાના પાણીના અને હાથ ધોવાના સ્થળો, વોશરૂમ, શૌચાલયોને પૂર્ણ ઉંડાણપૂર્વકની સાફ સફાઈ સુરક્ષિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તમામ જાહેર જગ્યાઓ અને વર્ગખંડોની બહાર મુકવામાં આવેલી કચરાપેટીમાં વપરાયેલા ડ્રેસ કવર અને માસ્કને ડિસ્પ્લોઝ કરવાની સુચના આપવામાં આવી છે.
પ્રવેશદ્વાર માટેના નિયમો
- તમામ પ્રવેશ દ્વાર પર આંકડા, નકુચાઓ અને સંપર્કવસ્તુઓને સેનેટાઈઝ કરી થર્મલ સ્ક્રીનીંગ રાખવાની જોગવાઈ.
- એકથી વધુ દરવાજાઓની સગવડ હોય તો આવક-જાવક માટે અલાયદી રીતે વાપરવા.
- માત્ર તંદુરસ્ત અને સંક્રમણના કોઈપણ લક્ષણ ન ધરાવતા વ્યકિતઓ (શિક્ષકો) કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનેજ સંકુલમાં પ્રવેશ અપાશે.
- જો કોઈપણ શિક્ષક, કર્મચારી વિદ્યાર્થીને સંક્રમણના લક્ષણો દેખાશે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાના રહેશે.
- કોવિડ-૧૯ સામેની સુરક્ષા માટેના માપદંડો અને તકેદારી દર્શાવતા પોસ્ટરો સુચનાઓ પ્રદર્શિત કરવાની રહેશે.
- યોગ્ય ભીડ-વ્યવસ્થાપનના નિયમો, પાર્કિંગ પ્લોટ, સંકુલની ચાવીઓ અને તમામ જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલનો કરવાના રહેશે.