ટ્રેન ભયાનક પરિણામોને આરે પહોચી ત્યાં સુધી એટલે કે સમયસર સાંકળ ખેંચવાનું ‘ડહાપણ’ આપણા રાજકર્તાઓએ કેમ ન દાખવ્યું એ સવા લાખનો સવાલ છે હવે આખા દેશે સાથે મળીને કાંતો ચૂંટણીનાં માધ્યમથી અથવા તો આઝાદીની લડત જેવી લડતથી એનો ઘડોલાડવો કર્યે જ છૂટકો !
આપણા દેશને આજની રાક્ષસી બેહાલીમાં ધકેલનાર ખોફનાક આતંકીઓથી ચઢે એવા જે મોટામાં મોટા શત્રુઓ છે તેમાનાં એક ભ્રષ્ટાચાર છે અને બીજો ‘રાજકારણનું અપરાધીકરણ’ છે.
આ બંને ઘણે અંશે આપણા રાજકીય ક્ષેત્રની જ પેદાશ છે.
આ બંનેએ આપણા દેશને છિન્નભિન્ન અને ખોખલો કરવામાં પાછા વળીને જોયું નથી. આ બંનેએ આપણા દેશને બરબાદ કરવામાં કશુંયે બાકી રાખ્યું નથી.
આપણા દેશમાં રાજકારણમાં અપરાધીકરણનો આરંભ આજકાલમાં નથી થયો, અને કોઈ એકલદોકલ રાજકારણીનું આ દુષ્કૃત્ય નથી આમાં કોઈ એકાદ રાજકીય પક્ષની કુબુધ્ધિ જ કારણભૂત બની નથી.
રાજકારણના અપરાધીકરણનાં મૂળમાં રાજકીય સ્વાર્થ અને નિજી સ્વાર્થ એમ બંને છે.
માણસ સારાં અને નરસાં તત્વોનું મિશ્રણ છે. જેમાં સારા તત્વો બહુ ઓછા અને અત્યંત મર્યાદિત છે, એ જગજાહેર છે.
સારામાં સારો માણસ કયારે ન કલ્પ્યો હોય એટલી હદે ખરાબ અને પાપી બની જાય એ નથી કહી શકાતું.
રાજકીય ક્ષેત્રે તો આમાં વધુમાં વધુ ખરાબ નીવડયું છે. અને તે સૌથી વધુમાં વધુ દુષ્ટતા રાજકીય ક્ષેત્રમાં પ્રવર્તે છે ! રાજકારણનું અપરાધીકરણ હવે રાજકીય ક્ષેત્રની આદતમાં ફેરવાઈ ગઈ છે.
અત્યારને તબકકે તો રાજકારણના અપરાધીકરણે આપણા દેશને અજગર ભરડો લીધો છે. અને તેનું ઝેર રાજકીય ક્ષેત્રના તો ઠીક, પણ લગભગ તમામ ક્ષેત્રે કોઈને કોઈ સ્વરૂપમાં પ્રસરી ચૂકયું છે.
આ દુષ્ટતા હવે સુપ્રિમ કોર્ટની આંખે ચડી છે. અને તે આ દેશની સદ્નસીબી લેખાશે.
અત્રે એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસીક અને મહત્વપૂર્ણ આદેશમાં રાજકીય પક્ષશેને પોતાના ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ પ્રજાની સમક્ષ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આઆદેશને રાજનીતિના અપરાધીકરણની સામે એક મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે. રાજનીતિને અપરાધીઓનાં સકંજામાંથી મૂકત કરાવવાની દિશામાં મોટી પહેલ તરીકે આને ગણવામાં આવે છે. રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું છે કે તે ચૂંટણી મેદાનમાં ઉતરનાર ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડને પ્રજાની સમક્ષ રજૂ કરે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, ઉમેદવારોના અપરાધીક રેકોર્ડને સાઈટ ઉપર અપલોડ કરવાની જરૂર રહેશે.
આ બધુ જોતા એવી આશા જન્મે છેકે, આપણા દેશનાં રાજકારણનાં અપરાધીકરણનો જે ભયાનક સડો પેઠો છે. અને દેશની સ્વતંત્રતા ઉપર ખતરાની જેમ લટકે છે, તેમાંથી આ દેશને ઉગારી શકાશે. આમાં સુપ્રિમે કોર્ટ અને રાજનેતાઓ-રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ થવાનો સંભવ છે લોકશાહીના ચાહકો આ લડતને ટેકો આપે એવી આશા રાખીએ, કારણ કે એજ દેશનાં હિતમાં છે.