ભારે વરસાદથી નવો પાક બળી ગયો: હજુ દિવાળી સુધી નવી આવકની સંભાવના ઓછી
ગત વર્ષે ૩૫૦૦૦ મણ જયારે આ વર્ષે માત્ર ૧૦૦૦૦ મણની આવક: માત્ર રાજકોટમાં ૫૦૦૦ મણની જરૂરીયાત
સમગ્ર દેશમાં વરસાદ પુષ્કળ પડી રહ્યો છે ત્યારે કયાંક ને કયાંક અતિ ભારે વરસાદના લીધે ખેડુતોને મુશ્કેલી પડી રહી છે. ઘણા પાકનો નાશ પામ્યો છે અને ખેડુતો ચિંતામાં મુકાયા છે હજુ પણ વરસાદની આગાહીને લીધે નવા પાકને લીધે ખેડુત ખુબ ચિંતિત થયા છે ત્યારે ડુંગળીના વાવેતરની વાત કરીએ તો ડુંગળીના પાકને ઘણો ખરો નુકસાન થયો છે. અતિભારે વરસાદને લીધે ડુંગળીના પાકને નુકસાન થતા જ આવકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આવક ઘટતા જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડોમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા જ ડુંગળીની સપ્લાય થાય છે ત્યારે આવક ઘટતા જ ભાવ વધી રહ્યો છે. જરૂરીયાત કરતા ઓછી આવક થવાના લીધે ભાવમાં દિવસને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ તરફ વરસાદ વધારે થવાના લીધે પાકમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતો અત્યારે ડુંગળીના નવા પાકની તૈયારી કરી રહ્યા છે ત્યારે હજુ પણ વરસાદની આગાહીને લીધે પાક નિષ્ફળ થવાની શકયતા વધી રહી છે જો પાક નિષ્ફળ ન થાય તો દિવાળી સુધી ડુંગળીની આવકમાં સારો સુધારો થશે. અત્યારે દરરોજ ૪૦૦૦ કટ્ટાની આવક થઈ રહી છે અને ડુંગળીના ભાવ અત્યારે ૧૫૦ થી ૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. રીટેલ ભાવની વાત કરીએ તો ૨૫ રૂપિયાની કિલો ડુંગળી મળી રહી છે જો આવનારા દિવસોમાં આવકમાં વધારો ન થાય તો ૧૦૦ રૂપિયા કિલો સુધી ભાવ પહોંચી જવાની શકયતા રહેશે.
ગત સીઝનમાં ૩૫૦૦૦ મણ સુધીની આવક હતી જયારે અત્યારે ૫૦૦૦ મણની જરૂરીયાત ઉભી થઈ રહી છે. લોકડાઉનના લીધે પણ ડુંગળીના ભાવમાં અસર થઈ છે. કારણકે લોકડાઉનના સમયમાં જ ડુંગળીની આવક થતી હોય છે જે લોકડાઉનના લીધે સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી અને ડુંગળી ખરાબ થઈ ગઈ હતી.
હાલ માત્ર ૨૫૦૦થી ૩૦૦૦ કટ્ટાની આવક: અશોકભાઈ ધામી
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ઈન્સ્પેકટર અશોકભાઈ ધામીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદથી નવો પાક બળી ગયો છે જેથી દોઢ મહિના પહેલા જે ભાવ હતો તેનાથી અત્યારે ભાવમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે બધા રાજયમાં પુષ્કળ વરસાદને લીધેે ડુંગળીનો પાક નાશ પામતા ૧૫૦૦ થી ૨૨૦૦ રૂપિયા ભાવ હતો. હાલમાં એક દિવસની આવક ૨૫૦૦ થી ૩૦૦૦ કટ્ટાની છે જો નવો માલ ઉત્પન્ન થાય તો માર્કેટમાં અસર થશે અને જો માલ નાશ પામે તો હજુ ભાવ વધવાની શકયતા ખુબ જ છે.
હજુ વરસાદ પડશે તો ડુંગળીના ભાવ વધશે: રાજુભાઈ ગજેરા
રાજકોટ માર્કેટીંગ યાર્ડના કલાર્ક રાજુભાઈ ગજેરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડુંગળીની આવક ૪૦૦૦ કટ્ટા છે એટલે ૧૦,૦૦૦ મણ જેટલી આવક થાય. ડુંગળીના ભાવ અત્યારે ૧૫૦ રૂપિયાથી ૪૦૦ રૂપિયા છે. ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ડુંગળીના પાક છે તે તમામ પાકને ભારે નુકસાન થયેલું છે. દીવાળી સુધી નવી ડુંગળીની આવકની શકયતા ખુબ ઓછી છે અત્યારે નવી ડુંગળીનું વાવેતર બધી જગ્યાએ ચાલુ છે. ઓછામાં ઓછા ૨ મહિનાનો સમય નવી ડુંગળી આવતા લાગશે. હાલમાં ડુંગળીના ભાવ ૨૫ રૂપિયા સુધી છે પણ આવનારા સમયમાં ૧૦૦ રૂપિયા સુધી ભાવ પહોંચે તેવી શકયતા છે. ગત સીઝનમાં ૨૦ હજારથી ૩૫ હજાર મણ સુધીની ડુંગળીની આવક હતી જયારે આ સિઝનમાં ૧૦ હજાર મણની જ આવક છે. માત્ર રાજકોટમાં ૫ હજાર મણની જરૂરીયાત છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાંથી જ સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા યાર્ડોમાં ડુંગળીની સપ્લાય થાય છે હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે જો વરસાદ પડે તો હજુ પણ ડુંગળીના ભાવ વધવાની શકયતા રહે.