યુજીસીની તપાસમાં બોગસ ઠરેલી યુનિવર્સિટીઓની માત્ર યાદી બહાર પડી, આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી માટે હજુ તંત્ર ગણે છે ગુંદા: દેશના ભાવિ સાથે ચેડા કરનાર સંસ્થાઓને તાકીદની અસરથી સજા આપવામાં શું નડે છે વિઘ્ન? શું છે વિવશતા
કહેવત છે કે, રાજના કામમાં લોલંમલોલ ચાલતા હોય છે. તાજેતરમાં જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા કરવામાં આવેલી રાષ્ટ્ર વ્યાપી તપાસમાં ૨૪ જેટલી સ્વનિર્ભર યુનિવર્સિટીઓને નકલી ઘોષીત કરી યાદી જાહેર કરી હતી. પણ આ સંસ્થાઓને તાકીદની અસરથી બંધ કરી કસુરવારો સામે પગલા લેવાના કોઈ પ્રયોજન થયા નથી ત્યારે સવાલ એ ઉભો થાય કે, દેશમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી આવી સંસ્થાઓ સામે તાત્કાલીક ધોરણે પગલા ભરી તેમને બંધ કરવામાં આપણા તંત્રને કઈ વિવષતા નડે છે, એવી તો કઈ મજબૂરી છે કે તપાસમાં જે સંસ્થાઓ બોગસ હોવાનું પુરવાર થયું છે તેમની માત્ર યાદી જ બહાર પાડી છે. સંસ્થાઓ સામે કોઈ પગલા ભરાયા નથી.
યુજીસીએ બુધવારે ૨૪ સ્વનિર્ભર અવેધ સંસ્થાઓની યાદી બહાર પાડી હતી. જેમાં મોટાભાગે નવીદિલ્હીના કાર્યક્ષેત્ર હેઠળ ચાલતી ઉત્તરપ્રદેશની સંસ્થાઓ હોવાનું બહાર આવ્યું છે. યુજીસીના સચિવ રજનીશ જૈને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જાહેર જનતાને આવી ૨૪ સ્વનિર્ભર અવેધ ગણાયેલી સંસ્થાઓ અંગે જાહેરાત કરવામાં આવી છે અને આ સંસ્થાઓ યુજીસી દ્વારા માન્ય નથી અને તેમના દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓ માન્ય નહીં રહે.
આવી બોગસ જાહેર થયેલી યુનિવર્સિટીઓમાંથી સૌથી વધુ ૮ ઉત્તરપ્રદેશની વર્ણસૈયા સંસ્કૃત વિદ્યાલય વારાણસી, મહિલા ગ્રામ વિદ્યાપીઠ અલ્હાબાદ, ગાંદી હિન્દી વિદ્યાપીઠ અલ્હાબાદ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઈલેકટ્રો કોમ્પલેક્ષ હોમિયોપેથી કાનપુર, નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી અલીગઢ, ઉત્તરપ્રદેશ વિશ્ર્વ વિદ્યાલય મથુરા, મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન વિશ્ર્વ વિદ્યાલય પ્રતાપગઢ અને ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરીષદ નૌયડાનો સમાવેશ થાય છે. જેમાં ભારતીય શિક્ષા પરિષદ લખનઉનો અદાલતમાં મામલો પેન્ડીંગમાં છે.
દિલ્હીમાં ૭ યુનિવર્સિટીઓ બોગસ પુરવાર થઈ છે, ઓરીસ્સા અને પં.બંગાળમાં ૨-૨, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પૌંડીચેરીમાં ૧ યુનિવર્સિટીને યુજીસી એકટ ૧૯૫૬ની જોગવાઈ મુજબ આવી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓને ગેરકાનૂની ઠેરવી છે. અલબત યુજીસી દ્વારા આવી યુનિવર્સિટીને માત્ર યાદી જાહેર કરી છે.
કોઈ પ્રતિબંધ કે, કાનૂની કાર્યવાહી હાથ ધરી નથી. ત્યારે સવાલ એ થાય કે, યુજીસીની ધ્યાને આ સંસ્થાઓ બોગસ હોવાનું પુરવાર થઈ ચૂકયું છે તેમ છતાં તેમણે બંધ કેમ કરવામાં આવતી નથી. જે વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાં ભણતા હોય તેમના ભવિષ્યનું શું, રાજના કામમાં લોલંમલોલ જ હોય તે વાત શિક્ષણ જગત માટે ખુબજ કપરી અને દયાજનક ગણાય.