સ્થાનિક બજારમાં નીચી આવકને કારણે કાપડ ઉદ્યોગમાં આયાતી કપાસની વધુ માંગ: લગલગાટ ત્રણ મહિના સુધી રાજ્યમાં ઓસ્ટ્રેલિયાથી ડ્યુટી ફ્રી કપાસની આયાત થતી રહેશે

ગુજરાત કપાસનું હબ છે તેમ છતાં ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની અઢી લાખ ગાંસડી ઠલવાશે. સ્થાનિક બજારમાં નીચી આવકને કારણે કાપડ ઉદ્યોગમાં આયાતી કપાસની વધુ માંગ છે. જેને પગલે લગલગાટ ત્રણ મહિના સુધી રાજ્યમાં ઓસ્ટ્રેલિયાથી ડ્યુટી ફ્રી કપાસની આયાત થતી રહેશે.

ભારતીય સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાથી 2.50 લાખ ગાંસડીનો ઓર્ડર આપ્યો છે જે ડ્યૂટી ફ્રી હશે.  આ સ્ટોક ત્રણ મહિનામાં ભારતમાં પહોંચવાની ધારણા છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત, ઘણા સ્પિનરો આફ્રિકાથી કપાસની આયાત કરવાનું વિચારી રહ્યા છે કારણ કે કેન્દ્ર સરકારે અવિકસિત દેશોમાંથી આયાત માટે અડધી આયાત જકાતની યોજના રજૂ કરી છે.

સ્પિનર્સ એસોસિએશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ જયેશ પટેલે જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયામાંથી અમારી કપાસની આયાત ગયા વર્ષે નોંધપાત્ર રીતે વધી છે અને આ વર્ષે પણ, અમે આગામી ત્રણ મહિનામાં લગભગ 2.50 લાખ ગાંસડીની ડ્યુટી ફ્રી આયાતની અપેક્ષા રાખીએ છીએ. આયાતકારોએ ઓર્ડર આપી દીધા છે અને ટૂંક સમયમાં શિપમેન્ટ શરૂ થશે,” પટેલે જણાવ્યું હતું.

ઉદ્યોગના નિષ્ણાતોના મતે ઓસ્ટ્રેલિયન કપાસનો મોટો હિસ્સો ગુજરાત સ્થિત સ્પિનિંગ એકમોમાં આવશે.  ઑસ્ટ્રેલિયામાંથી ભારતની કપાસની આયાત 2022માં 283 મિલિયન ડોલર સુધી પહોંચી છે, જે તેના અગાઉના વર્ષની આયાત કરતાં ચાર ગણી વધારે છે.  ભારતીય કાપડ ઉદ્યોગે ગયા વર્ષે આશરે 4.75 લાખ ગાંસડી કપાસની આયાત કરી હતી જે પાછલા વર્ષની સરખામણીમાં 2.5 ગણી વધારે છે.

પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન ભરત છાજેરે જણાવ્યું હતું કે, “ટેક્સટાઇલ ઉદ્યોગ આફ્રિકન દેશોમાંથી પણ કપાસની આયાત કરવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં અવિકસિત દેશોમાંથી આયાત કરવા પર અડધી આયાત ડ્યુટી કરવાની જાહેરાત કરી છે.  આનો અર્થ એ થયો કે કેટલાક આફ્રિકન દેશોમાંથી કપાસની આયાત લગભગ 5.50% ઈમ્પોર્ટ ડ્યુટી પર થઈ શકે છે. ભારતીય કપાસના ભાવ સ્થિર રહ્યા છે અને એવી શક્યતાઓ છે કે વેપારીઓ આફ્રિકાથી કપાસની આયાત કરે.”  ગયા વર્ષે, ભારતમાં કપાસના ભાવ રૂ. 1.10 લાખ પ્રતિ કેન્ડી (356 કિગ્રા)ના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા જે હવે પ્રતિ કેન્ડી રૂ. 61,500 આસપાસ છે.

ભારતમાં કપાસનો પાક 340 લાખ ગાંસડીથી વધુ થવાનો અંદાજ

સ્પિનર્સ એસોસિએશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ જયેશ પટેલે જણાવ્યું હતું કે, “ભારતમાં કપાસનો પાક 340 લાખ ગાંસડીથી વધુ થવાનો અંદાજ છે. જો કે, આ વર્ષે આવક ધીમી રહી છે કારણ કે ઘણા ખેડૂતોએ તેમનો આખો પાક વેચ્યો નથી.  વધુ સારા ભાવની અપેક્ષાએ તેઓએ અડધો પાક હજુ સાચવી રાખ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય કપાસ કરતા વધુ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન કપાસમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાની સાથે ગુણવત્તામાં પણ શ્રેષ્ઠ

નિષ્ણાંતોના મતે ઓસ્ટ્રેલિયન કપાસમાં ભેજ ઓછો હોય છે અને સ્પિનરો ઓસ્ટ્રેલિયન કપાસમાંથી બનેલા યાર્ન માટે વધુ સારી માંગ મેળવે છે.  સ્પિનરોને ઓસ્ટ્રેલિયન કોટન યાર્ન માટે પ્રીમિયમ ભાવ પણ મળે છે કારણ કે તે દૂષણ મુક્ત છે. જેથી સ્પિનરો ઓસ્ટ્રેલિયન કપાસનો આગ્રહ વધુ રાખતા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.