તમામ પરિવહનોમાં શ્રેષ્ઠ પરિવહન તરીકે ભારતમાં જો કોઈ સ્થાપિત થયું હોય તો તે રેલવે માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલય ભારતીય રેલવેને વધુને વધુ સુચારૂ રૂપથી કેવી રીતે ચાલી શકે અને નવા ઈનોવેશન સાથે દેશનાં રેલવેને ટેકનોલોજીસભર બનાવી શકાય તે દિશામાં તમામ પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
સર્વેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે ગત વર્ષમાં રેલવેમાં એકપણ પ્રકારનો ગંભીર અકસ્માત બન્યો ન હતો તે સુચવે છે કે ભારતીય રેલવેએ ટેકનોલોજીનો સ્વિકાર કર્યો છે અને તે દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે રેલવેમાં નવી વાત સામે આવી છે કે, લોકોને જે વેઈટીંગ લીસ્ટમાં ઉભુ રહેવું પડતુ હતું તે હવે મુસાફરો માટે ભુતકાળ બની જશે ત્યારે આગામી ૧૦ વર્ષમાં રેલવેતંત્ર ૨.૬ લાખ કરોડના ખર્ચે ૩ નવા ફ્રેઈટ કોરિડોર ઉભા કરવા જઈ રહ્યું છે. મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ગુનેગારો અને લુખ્ખા તત્વો પર નજર રાખવા માટે માર્ચ ૨૦૨૨ સુધીમાં બધા ૫૮,૬૦૦ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે યાદવે સોમવારે જણાવ્યું કે, ગુનેગારોને ઓળખવા અને તેમને પકડવા માટે ટ્રેનના કોચમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ફેસ રેકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે.
રેલવે બોર્ડનાં ચેરમેન વી.કે યાદવે જણાવ્યું કે, ચાલું નાણાંકીય વર્ષમાં રેલવે દુર્ઘટનામાં કોઈ પેસેન્જરનું મૃત્યુ થયું નથી. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે રેલવે હાલમાં નાણાંકીય સ્થિતિનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું, રેલવેનો આ વર્ષના નવેમ્બર મહિના સુધીનો ઓપરેટિંગ રેશિયો ૧૨૧ ટકા છે, જે પાછલા વર્ષે આ સમય દરમિયાન ૧૧૩ ટકા હતો. અમે આ કોચ અને દરવાજા પર કોરિડોરમાં સીસીટીવી કેમેરા લગાવીશું. તેનાથી પ્રાઈવસીનું ઉલ્લંઘન નહીં થાય. અમારી પાસે માર્ચ ૨૦૨૨ સુધીમાં બધા ૬૧૦૦ રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરાનું કવરેજ હશે. રેલવે પ્રોટેક્શન બોર્ડ હાલમાં ફેશ રેકગ્નનિશન સિસ્ટમ સાથે ક્રિમિનલના ડેટાને લિંક કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ટ્રેન કે સ્ટેશન પર દેખાતા લુખ્ખા તત્વોને ઓળખી શકાય. રેવલેની ઉપલબ્ધિઓ ગણાવતા યાદવે કહ્યું, આગામી પાંચ વર્ષોમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કલકત્તા રૂટની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ ફ્રી ટિકિટ કરવા પર કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં આ વ્યસ્ત રૂટ પર બે નવા કોરિડોર શરૂ થઈ જતા હાલના કોરિડોરને ફ્રી કરી દેવામાં આવશે. રેલવે આ રૂટ પર ડિમાન્ડ મુજબ પૂરતી પેસેન્જર ટ્રેનો દોડાવી શકશે. આ બે રૂટ પર પેસેન્જરોને આગામી પાંચ વર્ષોમાં વેઈટિંગ લિસ્ટ ફ્રી ટિકિટ મળી શકશે. નેશનલ ટ્રાન્સપોર્ટર પોતાની વીજળીની જરૂરિયાતોનો પૂરી કરવા માટે સોલર પાવરના ઉત્પાદન તરફ ધ્યાન આપી રહી છે. તેમણે ઉમેર્યું કે, રેલવે પોતાની વીજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે ૫૦૦ મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ માટે જમીન આપશે. ૨૦૨૧-૨૨ સુધીમાં રેલવે પોતાના ઝોન્સ અને પ્રોડક્શન યુનિટોમાં સોલર અને વિન્ડ પાવર માટે પ્લાન્ટ નાખશે. રેલવે બોર્ડનાં ચેરમેન વિનોદકુમાર યાદવે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કુલ ૧૯૪ ટ્રેનોને અપગ્રેડ કરવામાં આવી છે જયારે ૭૮ નવી ટ્રેન સર્વિસોને પણ એપ્રિલથી ઓકટોબર માસ દરમિયાન અમલી બનાવાઈ છે.
વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૨૦ આઈસીએફ કોચોને એલએચબી કોચોમાં પાંતરિત પણ કરવામાં આવ્યા છે. એપ્રિલથી નવેમ્બર-૨૦૧૯ દરમિયાન ૩૮,૦૦૦થી પણ વધુ બાયો ટોઈલેટને ૧૧,૦૦૦થી પણ વધુ કોચોમાં ઈનસ્ટોલ કરવામાં આવ્યા છે ત્યારે કુલ બાયોટોયલેટનો આંકડો ૨.૩૪ લાખને પાર કરી કોચની સંખ્યા ૬૫,૬૨૭ થવા પામી છે.