વિકાસ દુબેના બાતમીદાર પીએસઆઇ શર્માએ જાનના જોખમની દહેશત દર્શાવતી સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના બિકરૂના વિકાસ દુબેએ એક સાથે આઠ પોલીસ અધિકારીઓ પર આડેધડ ગોળીબાર કરી કરેલી કરપીણ હત્યાના પગલે ઉત્તર પ્રદેશ પોલીસ ‘ગંગાજળ’ ફિલ્મના અભિનેતા અજય દેવગણની જેમ ગેંગસ્ટર પર તુટી પડી હતી. વિકાસ દુબે સહિત છના એન્કાઉન્ટર કરી બદલો લેવાની સાથે પોલીસની આબરૂ સાચવવા કરેલા પ્રયાસ દરમિયાન વિકાસ દુબેના બાતમીદાર પીએસઆઇ શર્માની ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ શર્માને પોતાના જાનનું જોખમ જણાતા જેલમાં જ સલામત હોવાનું જણાય રહ્યું છે. શર્માએ પોતાની સલામતિ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી તપાસ અર્થે જેલ બહાર ન લઇ જવા અને પૂછપરછ પણ જેલમાં જ કરવા માટે દાદ માગી છે. સામાન્ય રીતે ગુનેગાર એન્કાઉન્ટરથી ડરતા હોય છે. પરંતુ જેલ હવાલે થયેલા દુબેના બાતમીદાર પીએસઆઇ પણ એન્કાઉન્ટરનો ડર લાગતા જેલ છોડવી ગમતી ન હોય તેમ જણાય રહ્યું છે.
સમગ્ર દેશમાં ચકચાર જગાડનાર વિકાસ દુબેએ એક સાથે આઠ પોલીસ અધિકારીઓની હિન્દી ફિલ્મના વિલનની જેમ કરેલી હત્યા બાદ વિકાસ દુબેને ઝડપી લેવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવાનું શરૂ કરી વિકાસ દુબેના પાંચ સાગરિતોના એન્કાઉન્ટર કર્યા હતા. પોલીસ કંઇ રીતે વિકાસ દુબે પર ભીસ વધારી રહી છે અને તેને પકડવા શુ પ્લાન બનાવી રહી છે તે અંગેની બાતમી પીએસઆઇ શર્મા વિકાસ દુબેને આપી રહ્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
વિકાસ દુબે અને તેના સાગરિતોના એન્કાઉન્ટર થતા જેલમાં રહેલા પી.એસ.આઇ. શર્માને પણ પોતાના જીવનનું જોખમ જણાતા તેને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી પોતાને જેલમાં જ રાખવા માટે દાદ માગી છે.
જેલ હવાલે થયેલા પીએસઆઇ શર્માએ પોલીસ તપાસના બહાને પોતાને જેલ બહાર લઇ જઇ પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવે તેમ હોવાની દહેશત વ્યક્ત કરતી સુપ્રિમ કોર્ટમાં અરજી કરી પોતાની પૂછપરછ જેલમાં પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માગણી કરી છે.
પીએસઆઇ શર્માની પત્ની વનિતા શિરોહીએ પણ પોતાના પતિને તપાસ અર્થે જેલની બહાર પોલીસ સ્ટાફ લઇ જઇને એન્કાઉન્ટર કરશે તેવી ભીતી વ્યક્ત કરી છે. પોતાના પતિ અને પોતાના રક્ષણની માગણી કરી છે.
વિકાસ દુબેના સાગરિતોને પોલીસે ઠાર કર્યા તે રીતે પીએસઆઇ શર્માને ઠાર થવાનો ડર સાથે ઉત્તર પ્રદેશ પોલીસ, બંધારણ અને અદાલતમાં વિશ્ર્વાસ ન હોવાનું જણાવી ઉત્તર પ્રદેશ પોલીસ ગેર બંધારણીય રીતે ગુનેગારોને સજા આપી રહી હોવાનો વનિતા શિરોહીએ આક્ષેપ કરી આ અંગે ન્યાયિક તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું છે.
પીએસઆઇ શર્માની પત્ની વનિતા શિરોહીની અરજી પરથી એવું સાબીત થાય છે કે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં સલામત નથી આ રીતે પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી આરોપીઓની હત્યા કરવાથી આરોપીઓ અને સમાન્ય જનતાનો બંધારણ, કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્ર્વાસ ઉઠી જશે, લોક ડાઉનના કારણે વનિતા શિરોહી પોતાના પતિ શર્માનો સંપર્ક કરી શકતી નથી અને તેના જીવનું જોખમ હોવાનું અરજીમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. શર્મા સામે વિકાસ દુબે જેવા કુખ્યાત ગુનેગારને ભગાડવામાં મદદ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે તેનો પરિવાર પોલીસ સ્ટેસનના કવાર્ટરમાં રહે છે.