લખનૌ રેલવે ડિવિઝને બે વર્ષમાં ઉંદર પકડવા માટે ખર્ચ્યા અધધ રૂ.69.5 લાખ
એક ઉંદર પકડવા માટેનો ખર્ચ શું હોઈ શકે? જો કોઈ આ પ્રશ્નના જવાબમાં રૂ. 41 હજાર કહે તો આશ્ચર્ય થાય પણ એવું ખરેખર બન્યું છે. એક આરટીઆઈના જવાબમાં લખનૌ રેલવે ડિવિઝને એક ઉંદર પકડવા માટે રૂ. 41 હજાર ખર્ચ્યાનું સામે આવ્યું છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં લખનૌ વિભાગે 168 ઉંદરોને પકડવા માટે 2020 અને 2022 ની વચ્ચે 69.5 લાખ રૂપિયા ખર્ચ્યાનું જણાવ્યું છે. ગણતરી કરીએ તો આ આંકડા મુજબ પ્રતિ વર્ષ રૂ. 23.2 લાખ ફકત ઉંદર પકડવા માટે ખર્ચવામાં આવ્યા છે અને એક ઉંદર પકડવા માટે રૂ. 41000થી વધુનો ખર્ચ થયો છે.
રેલવેમાં જંતુ અને ઉંદર નિયંત્રણ પ્રાથમિક જાળવણીના ખર્ચના વડા હેઠળ આવે છે. ડિવિઝનની માલિકીની ટ્રેનોમાં પ્રાથમિક જાળવણી કરવામાં આવે છે. ઉત્તર રેલ્વેના પાંચ વિભાગો છે જેમાં દિલ્હી, અંબાલા, લખનૌ, ફિરોઝપુર અને મુરાદાબાદનો સમાવેશ થાય છે. ગૌરની આરટીઆઈ ક્વેરી ઉત્તર રેલવેમાં નિર્દેશિત કરવામાં આવી હતી પરંતુ માત્ર લખનૌએ જ જવાબ આપ્યો હતો. હજુ સુધી ફિરોઝપુર અને મુરાદાબાદ વિભાગે જવાબ આપ્યો નથી. જો કે, લખનૌ પણ ઉંદરોએ કરેલા નુકસાનની કિંમત અંગે ગૌરના પ્રશ્નનો જવાબ આપી શક્યું નથી. વિભાગના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ લખ્યું કે, ક્ષતિગ્રસ્ત માલ અને વસ્તુઓની વિગતો ઉપલબ્ધ નથી. નુકસાનનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.
અંબાલા વિભાગે જણાવ્યું હતું કે એપ્રિલ 2020 થી માર્ચ 2023 ની વચ્ચે તેણે જંતુ નિયંત્રણ, ઉંદર નિયંત્રણ માટે 39.3 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ઉંદરો પર અલગથી ખર્ચ કરવામાં આવ્યો ન હતો.દિલ્હી ડિવિઝનનો જવાબ વધુ કઠોર હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પેસેન્જર ટ્રેનોમાં જંતુ અને ઉંદર નિયંત્રણ માટેનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. અન્ય કોઈ વિગતો આપવામાં આવી નથી.