વાહન રજિસ્ટ્રેશન બાદ સ્માર્ટ કાર્ડ કાઢી આપવા વાહનધારકો પાસે વધારાના ચાર્જ વસુલાતાં હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો
કેગ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીમાં આરટીઓ દ્વારા આશરે ૩ લાખ લોકો પાસે ગેરકાયદેસર સ્માર્ટ કાર્ડ કાઢી આપવા માટે રૂપિયા ૨૦૦ વસુલ કરાયાં હોવાનું સામે આવ્યું છે.
વાહન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્માર્ટ કાર્ડ માટે રાજ્યના આરટીઓ વાહનધારકો પાસેથી વધારાનો રૂપિયા ૨૦૦ વસુલ્યા હોય તેવું કેગના અવલોકનમાં સામે આવ્યું છે. કેગ દ્વારા રાજ્યના ૧૩ જેટલા આરટીઓને કેન્દ્રમાં રાખી વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ના નાણાંકીય વર્ષમાં ૨.૯૩ લાખ વાહનધારકો પાસેથી વાહન રજિસ્ટ્રેશનના સ્માર્ટ કાર્ડ અને હાઇપોથીકેશન કરાર માટે પ્રતિ વાહન રૂપિયા ૨૦૦ નો વધારાનો ચાર્જ વસુલ્યો હોય તેવું સામે આવ્યું છે. કેગના અહેવાલ અનુસાર આરટીઓ દ્વારા વસુલવામાં આવેલી રકમ મુજબ આશરે ૩ લાખ વાહનધારકો પાસેથી વધારાના ચાર્જ સ્વરૂપે બે વર્ષમાં રૂપિયા ૫.૮૬ કરોડ વસુલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય હેઠળ આવતા આરટીઓ અને એઆરટીઓમાં નવા વાહનના રજીસ્ટ્રેશન તેમજ કોઈ વાહનના રજિસ્ટ્રેશનમાં ભૂલ હોવાને કારણે કેંસેલેશન માટે વધારાના ચાર્જ વસુલવામાં આવ્યો હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અગાઉથી જ લોકો આરટીઓને ભ્રષ્ટાચારનું કેન્દ્ર ગણે છે. વર્ષોથી આરટીઓમાં ચાલી આવતી એજન્ટ પ્રથા હજુ પણ નાબૂદ થઈ નથી. લોકોનું માનવું છે કે એજન્ટ સિવાય આરટીઓમાં કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા તેમાં અધૂરામાં પૂરું આરટીઓ તંત્ર પર વધુ એક કલંક લાગ્યું છે.