૨.૨૫ કરોડ રૂપિયાનાં મુલ્યોની સામગ્રી સાથે બેનામી ૬૬.૪૭ લાખ રોકડને સીઝ કરતું જીએસટી ઈન્ટેલીજન્સ
દેશમાં સંગીધ ચીજવસ્તુઓનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે ત્યારે કોઈપણ વ્યકિત પાન-મસાલા, તમાકુ જેવા પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરી શકતા નથી પરંતુ દેશમાં એક એવી ઘટના સામે આવી કે જેમાં પાકિસ્તાની મુળનાં એક વ્યકિતએ ભારતમાં લોંગ ટર્મ વિઝા પર આવી પાન-મસાલા તથા તમાકુનું ગેરકાયદે વેચાણ કરી કરોડો રૂપિયા ઉસેડયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ જીએસટી ઈન્ટેલીજન્સની ટીમ તપાસ હાથ ધરી હતી અને પાકિસ્તાનીને પકડી ૨.૨૫ કરોડ રૂપિયાનાં મુલ્યની સામગ્રી સાથે બેનામી ૬૬.૪૭ લાખ રોકડને પણ સીઝ કરી હતી. આ સમયે ડિરેકટરેટ જનરલ ઓફ ગુડઝ એન્ડ સર્વિસીઝ ઈન્ટેલીજન્સ એટલે કે ડીજીજીઆઈ ઈન્દોર દ્વારા પાંચ ગોડાઉનો ઉપર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી બેનામી રોકડની સાથે સંગીધ પદાર્થોને પણ પકડી પાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાની નાગરીક ગેરકાયદે આ પાન-મસાલા અને તમાકુનું વેચાણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પાડોશી રાજયમાં કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપીની પ્રારંભિક તપાસ દરમિયાન પાકિસ્તાની નાગરિકે સ્વીકારી જણાવ્યું હતું કે, જે બેનામી રોકડ જે મળી આવી છે તે પાન-મસાલા અને તમાકુના વેચાણમાંથી જ ઉપજેલી રકમ છે. પ્રાથમિક તપાસ દરમિયાન ડીજીજીઆઈને માહિતી મળેલી છે કે, કુલ ૧૮.૮૦ કરોડ રૂપિયાની જીએસટીની ચુકવણીમાંથી પણ આરોપી બાકાત રહ્યો હતો અને કરચોરી આચરેલી હતી. ટેકસ ભરવો ન પડે તે માટે રોકડને સાચવવામાં આવી હતી તેને પણ ડીજીજીઆઈ દ્વારા સીઝ કરવામાં આવી છે સાથોસાથ આરોપીની પ્રોપર્ટી અને તેના બેન્ક એકાઉન્ટને પણ હાલ અટેચ કરવામાં આવ્યા છે. જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા આરોપીનાં કુલ ૫ એકાઉન્ટોને સીઝ કરી દીધેલા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે. ઈન્ટેલીજન્સ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને ઈકોનોમી ઓફેન્સ વિંગ એટલે કે ઈઓડબલ્યુ કોર્ટ ઈન્દોર સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે ૧૪ દિવસનાં રિમાન્ડ આપી જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો છે.
ડીજીજીઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આરોપી પાકિસ્તાની પાસપોર્ટ હોલ્ડર છે કે જે લોંગ ટર્મ વિઝા પર ભારત આવેલો છે. જે અંગેની માહિતી મિનીસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ દ્વારા આપવામાં આવી હતી. સાથો સાથ આ ૩૩ વર્ષીય પાકિસ્તાની આરોપી પાકિસ્તાનનાં સિંધ પ્રદેશનાં જકોબાબાદ શહેરનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. ગુટખાનું વેચાણ ભારત દેશનાં અનેક રાજયોમાં અને તેનો વપરાશ પણ બેન્ડ કરવામાં આવેલો છે. જયારે પાન-મસાલાનું વેચાણ અને ચીવીંગ ટોબેકો સંપૂર્ણ દેશમાં બેન્ડ કરી દેવામાં આવેલું છે પરંતુ તેનો ઉપયોગ અને તેનો વપરાશ અને તે અંગેનું વેચાણ પાકિસ્તાની નાગરીક દ્વારા કરવામાં આવ્યું હતું જેનાથી તેને કરોડો રૂપિયા ઉસેડયા હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. ડીજીજીઆઈ હાલ સંપૂર્ણ મામલાની તપાસ કરી પાકિસ્તાની વ્યકિત સાથે સંકળાયેલા ડિલરોને પણ શોધી રહી છે અને આગામી સમયમાં તેના ઉપર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા બેન્ડ કરવામાં આવેલા પાન-મસાલા અને તમાકુનું વેચાણ જે પાકિસ્તાની નાગરીક દ્વારા કરવામાં આવતું હતું તે દેશનાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પાડોશી રાજયમાં તેના ભાવથી ૪ થી ૫ ટકા વધુ ભાવ લેતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ અંગે જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.