શું ઊમર ના એક પડાવ પછી દરેક સ્ત્રી એકલતા અનુભવતી હશે? હર્યા ભર્યા કુટુંબ થી ઘેરાયેલી છતાં પણ એકલી. આમ તો જવાબદારીઓ નો કોઇ અંત જ નથી પણ સામાન્ય જવાબદારી સિવાય બધી જ જવાબદારી માથી નિવૃતિ મળી ગઇ હોય. હા, નિવૃતિ એવી કે સંતાનો હવે પોતાની સંભાળ જાતે રાખતા થઇ ગયા , પોતાના નિર્ણયો જાતે લેતા થઇ ગયા. પાંખો ફુટતા હવે ઊડતા થઈ ગયા. હા, આ જ તો ઈચ્છયુ હતુ એને પગભર કરવા. અને પતિ પ્રેમ તો કરે છે , કદાચ કાળજી પણ. પણ, વ્યક્તતા નથી, હૂંફ નથી કેમકે સમય જ નથી. એ સંબંધ પણ કદાચ જરૂરિયાત ના સંબંધ જેવો થઇ ગયો છે.
પાછુ વળી ને જોઇએ તો એવુ લાગે છે કે શું હું એ જ છુ જે વર્ષો પહેલા હતી. મારૂ અસ્તિત્વ, મારો સ્વભાવ, મારી ઈચ્છાઓ, મારા સપનાઓ શું હવે બધુ બદલી ગયું? હા, આ બધું જ હું મારી મરજી થી જ છોડતી ગઇ અને એનો કોઇ અફસોસ પણ નથી. જે પણ કર્યુ એ પણ મે મારા પરિવાર, સંતાનો માટે જ તો કર્યુ છે જેના થી વિશેષ જીંદગી માં કંઈ નથી. અને દરેક પત્નિ, પૂત્રવધુ કે માતા આમ જ કરે છે. પણ આટલા વર્ષો પછી જ્યારે બધુ બદલી ગયુ છે ત્યારે ફરી થી પહેલા જેવુ થવાની ઈચ્છા થવી શું એ કોઈ અપરાધ છે? અધૂરા રહી ગયેલા સપના કે કોઈ અતૃપ્ત એવી ઝંખનાઓ શું ફરી થી પૂરી કરવા એક કોશિષ પણ ન કરી શકાય?
હવે કોઇ carrier oriented woman નથી બનવું કોઈ મને ફક્ત મારા નામ થી ઓળખે, મારા અસ્તિત્વ ને માને, મારી પોતાની પણ એક ઓળખ હોય . ઊડવા માટે આખુ આકાશ નથી જોતુ બસ, પાંખો ફેલાવી મુક્ત મને વિહરી શકુ એટલુ ઘણું છે. એમા થોડી હળવાશ ના, થોડા આઝાદી ના શ્વાસ લેવા છે. એમ જ મિત્રો ને મળી ખડખડાટ હસવુ છે. પણ શું નિર્દોષ ગમ્મત અને એ નિખાલસ હાસ્ય એવા જ રહ્યા હશે કે એ પણ બધા ની જેમ બદલી ગયા હશે? હજી પણ નવા મિત્રો બનાવા ગમશે, અને કોઇ પણ ચિંતા કે ટેન્શન વગર કલાકો કોલેજ ની કેન્ટિન મા બેસી જીંદગી નો એક ક્લાસ બંક કર્યા નો આનંદ માણવો છે.
સુંદર દેખાવુ તો દરેક સ્ત્રી ને કોઇ પણ ઊંમરે ગમે પણ હવે ફરક એટલો પડ્યો કે કોઇ બીજા ને સારા લાગીએ કે ગમીએ એના માટે નહીં પણ પોતાની માટે સુંદર લાગવુ છે..હા, વાળ માં થોડી સફેદી ઝળકે છે તો ચહેરા પર થોડી wrinkles.. આ બધુ તો આટલા વર્ષો જીવ્યા ની સાબિતી જ તો છે. સોળ વર્ષ ના નહી પણ જેટલું જીવ્યા એવડુ જ દેખાવુ છે. Figure maintained રાખવા ની પુરી કોશિષ છતાં પણ જો કપડા tight થાય તો ક્ષોભ નથી … સારી health માટે maintained રહેવુ છે નહી કે કોઈ ને પ્રભાવિત કરવા.
ઊંમર સાથે ના કેટલાય બદલાવ સ્વિકાર્યા છે.. અનુભવો એ પરિપક્વ બનાવ્યા પણ એવી તો પરિપક્વતા આવી ગઇ કે નિખાલસતા, નિર્દોષતા, નિઃસ્વાર્થતા બધુ ક્યારે ગુમાવી દીધા એ તો ખબર જ ન પડી. કાશ! બધુ ન ગુમાવ્યુ હોત, અહમ ને થોડો બાજુ પર રાખી શકતા હોત તો સંબંધો કેટલા સરળ બની જાત. ખડખડાટ હસવું છે પણ એવા સંબંધો ન રહ્યા. અને આ બદલાવ કાયમ હ્રદય મા આંખ ના કણા ની જેમ ખૂંચે છે
ફરી થી પહેલા જેવુ થવુ છે તો અનુભવો ના અભિગ્રહ ની ગાંઠ છોડવા ની કોશિષ કરી તો જોઇએ… કદાચ એકલતા ઓછી થતી હોય તો……
જીંદગી ના એ વળાંક પર છીએ કે જો અત્યારે નહીં જીવી લઇએ તો કદાચ ક્યારેય નહીં જીવી શકીએ… એક સંતોષ તો મળશે કે બધી ઈચ્છાઓ નહી તો કંઈ નહી પણ થોડી ઘણી જે પૂરી થઇ તે…અને આ તૃપ્તિ કદાચ એકલતા ને ઓછી કરી શકે……