સ્થાનિક પ્રશાસન દ્વારા ખેતીવાડી વિભાગને કંટ્રોલરૂમ શરૂ કરવા તાકીદ કરાઈ
ગત થોડા મહિનાઓ પહેલા તીડે આક્રમણ કરી ખેત ઉપજોને તહેસ નહેસ કરી નાખી હતી ત્યારે ફરીથી આવનારા મે માસમાં તીડનાં આક્રમણની શકયતા સેવાઈ રહી છે. આ તકે સૌથી વધુ પ્રભાવિત થનાર જો કોઈ જિલ્લો હોય તો તે જેસલમેર માનવામાં આવે છે. મે માસ પૂર્વે જ હાલ જેસલમેરને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા તીડનું આક્રમણને કેવી રીતે રોકી શકાય તે દિશામાં હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. કહેવાય છે કે એક સાથે તીડનું ઝુંડ ખેત ઉપજો ઉપર જયારે ત્રાટકે છે ત્યારે તમામ ખેતપેદાશોને અને ખેતરોને પૂર્ણત: નુકસાન પહોંચાડે છે અને તેને તહેસ-નહેસ પણ કરી નાખે છે ત્યારે તીડ આક્રમણની શકયતા સેવાતા જેસલમેરના સ્થાનિક પ્રશાસન ચિંતાતુર બન્યું છે. ડિસ્ટ્રિકટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જેસલમેર વિસ્તારને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યું છે.
જેસલમેર જિલ્લા કલેકટર નમિત મહેતાએ તીડનાં આક્રમણથી રાજસ્થાનનાં જેસલમેરને બચાવવા એલસીઓ સંસ્થા પાસેથી પૂર્ણત: વિગતો મંગાવવામાં આવી છે અને તેનો બચાવ કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. આ તકે જિલ્લા કલેકટર નમિત મહેતાએ જણાવતા કહ્યું હતું કે, આગામી મે માસમાં તીડનાં આક્રમણને રોકવા ખેતીવાડી વિભાગને તાકિદ કરી છે અને કંટ્રોલ રૂમ શરૂ કરવાનું જણાવ્યું છે અને તીડનું આક્રમણ શરૂ થાય તે પહેલા જ તે અંગેની માહિતીઓ પુરી પાડવા પણ તાકિદ કરાઈ છે જેથી આક્રમણથી થનાર વિનાશને મુખ્યત્વે રોકી શકાય. કલેકટર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બોર્ડર સિકયોરીટી ફોર્સ એટલે કે બીએસએફને પણ માહિતગાર કરી દેવામાં આવ્યું છે.
જેથી તે પણ જેસલમેરની સુરક્ષા કરી શકે. તીડના આક્રમણને લઈ આવનારા સમયમાં ત્રણ વિભાગોની બેઠક બોલાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે અને તે અંગેનાં પ્રોટોકોલ પણ નિર્ધારીત કરવામાં આવશે. કહેવાય છે કે, તીડના આક્રમણથી સમગ્ર ખેતર તહેસ-નહેસ થઈ જતું હોય છે ત્યારે જેસલમેર દ્વારા આગમચેતીનાં પગલાઓ તીડ આક્રમણને લઈ લેવામાં આવ્યા છે તેનાથી તેનો બચાવ પણ કરી શકાશે. કલેકટર તંત્ર દ્વારા સ્થાનિક પ્રશાસન બીએસએફ અને ખેતીવાડી વિભાગ સાથે મળી બેઠક યોજવામાં આવશે.