પબ્લીક અને પ્રાઈવેટ ટ્રાન્સપોટેશનનો અભાવ જોવા મળી રહ્યો છે
હાલ દેશમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તારણ આવ્યું છે કે, અભ્યાસ કરતા ૬૦ ટકા વિદ્યાર્થીઓ હજુ પણ પગપાળા શાળામાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો પ્રાઈમરી અને અપરપ્રાઈમરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ વધુ છે જેમાં ૬૨ ટકા છોકરીઓ પગપાળા શાળાએ અભ્યાસ કરવા જાય છે જયારે ૫૭.૯ ટકાનો આંકડો છોકરાઓનો રહેવા પામ્યો છે. પગપાળા બાદ સૌથી વધુ શાળાએ જવા માટે પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે જેનો આંકડો ૧૨.૪ ટકા જેટલો રહ્યો છે ત્યારબાદ સાયકલ ઉપર અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧.૩ ટકા રહેવા પામી છે. આ આંકડા નેશનલ સ્ટેસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
આંકડાકિય માહિતી મુજબ સેકેન્ડરી અને સિનિયર સેકેન્ડરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ સૌથી વધુ કરતા જોવા મળે છે તો બીજી તરફ પ્રાઈમરી અને અપર પ્રાઈમરીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પગપાળા જવાનું પસંદ કરતા હોય છે. પ્રાઈમરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળાથી ઘરનું ડિસ્ટન્સ સરેરાશ ૨ કિલોમીટર જેટલું જોવા મળે છે. અભ્યાસમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અભ્યાસ અર્થે જનારા ૬૦ ટકા વિદ્યાર્થીઓ પગપાળા અભ્યાસ કરવા જતા હોય છે જયારે ૧૨.૪ ટકા વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નજરે પડે છે એવી જ રીતે સાયકલ મારફતે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે તેઓની સંખ્યા ૧૧.૩ ટકા જેટલી જોવા મળી છે.
આંકડાકિય માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં છોકરાઓ કે જે પગપાળા અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેઓની સંખ્યા ૬૧.૪ ટકા એવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ અભ્યાસ અર્થે પગપાળા જનાર પુરૂષ વિદ્યાર્થીઓની સંખ્યા ૪૯.૪ ટકા જોવા મળે છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં છોકરીઓની સંખ્યા ૬૬.૫ ટકા અને શહેરી વિસ્તારોમાં છોકરીઓની સંખ્યા ૫૦.૮ ટકાની છે કે જે પગપાળા અભ્યાસ અર્થે જતા હોય છે. બીજી તરફ પબ્લીક ટ્રાન્સપોર્ટ અંગે જે અભ્યાસ બહાર આવ્યો છે તેમાં વિદ્યાર્થીઓ બસ, ટ્રેન, મેટ્રો ટ્રેન, ફેરીનો ઉપયોગ કરતા નજરે પડયા છે. શાળાએ અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓ કે જે સાયકલનો ઉપયોગ કરતા હોય તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨.૬ ટકાની છે જેની તુલનામાં શહેરી વિસ્તારમાં ૭.૬ ટકા વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જેમ-જેમ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે જતા હોય તો તેમના ઘરથી તેમની શાળાનું ડિસ્ટન્સ વધુ થતું હોય છે.