છાતીમાં દુ:ખાવો, છાતીમાં બળતરા, હાથમાં કંપન, ડોકમાં સતત દુ:ખાવો સહિતના ચિહ્નો જોવા મળતા તબીબને દેખાડવું જરૂરી
સાઇલેન્ટ હાર્ટ અટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અન્ય ગંભીર અટેક માટે 50થી 80 ટકા જવાબદાર હોવાનું ગણવામાં આવે છે.
જ્યારે હાર્ટ અટેકની આગળ સાયલન્ટ શબ્દ લાગી જાય ત્યારે તેના હળવા લક્ષણો અથવા કોઇ પણ ચિન્હો વગર જ આવે છે, પરિણામે વ્યક્તિ તેને નજરઅંદાજ કરી દે છે અથવા સામાન્ય બીમારી ગણીને તેના તરફ ધ્યાન નથી આપતો. સાયલન્ટ હાર્ટ અટેક જ્યારે હૃદય સુધી પુરતા પ્રમાણમાં ઓક્સિજન ના પહોંચે ત્યારે આવે છે.
ધમનીઓમાં પ્લાક ફોર્મેશન થઇ રહ્યું હોય અથવા હાઇ બ્લડપ્રેશરના કારણે નસોને નુકસાન થઇ રહ્યું હોય કે પછી લોહીના વહનની જે પ્રક્રિયા છે તે થોડીવાર માટે અથવા સંદતર બંધ થઇ જાય ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે.
જો વ્યક્તિને સાયલન્ટ હાર્ટ અટેક આવે અને તેને નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેથી જ સાયલન્ટ અટેકના પ્રારંભિક લક્ષણો જાણવા અને તેની સારવાર ખૂબ જ મહત્વની બની જાય છે. છાતીમાં દુ:ખાવો, છાતીમાં બળતરા, હાથમાં કંપન, ડોકમાં સતત દુખાવો , ચક્કર આવવા માથું દુ:ખવું ઇતિયાદી.
લોકોની જીવનશૈલી સાઇલન્ટ એટેકને નોતરે છે : ડો. રેનીશ બેરા
એચસીજી હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. રેનીશ બેરાએ જણાવ્યું હતું કે લોકોની જીવનશૈલી સાઇલેન્ટ અટેકને નોતરે છે. યોગ્ય વ્યાયામનો અભાવ, સતત ચિંતા તણાવ અને બહારનો ખોરાક જ્યારે કોઈ વ્યક્તિ અતિરેક માત્રામાં લેતો હોય તેને સાઇલેન્ટ અટેક આવવાના ચાન્સ સૌથી પ્રબળ બની જાય છે એટલું જ નહીં કોમોરબીડ દર્દીઓ કે જેને હાય ડાયાબિટીસ તેઓએ આ રોગથી પોતાને બચાવવું ખૂબ જરૂરી છે સાઇલેન્ટ અટેક જ સાઇલેન્ટ રીતે લોકોને જોખમમાં મૂકી દે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના એટેક મુખ્યત્વે મોટા વયના લોકોમાં વધુ જોવા મળતા હોય છે પરંતુ હાલ જે રીતે યુવાનોમાં એટેકનું પ્રમાણ વધ્યું છે તેમની પાછળ તેમની જીવન શૈલી સૌથી મોટું કારણ સાબિત થયું છે. ડોક્ટરે વધુમાં લોકોને અપીલ પણ કરી હતી કે કોઈપણ પ્રકાર ની શરીરમાં તકલીફ અનુભવાય તો સીધો જ તબીબનો સંપર્ક સાધવો જોઈએ જેથી સમયસર તેનું નિદાન શક્ય બની શકે.
છાતીમાં દુ:ખાવો અને અસહજતા
તમને છાતીમાં દુ:ખાવો અન્ય કારણોસરથી પણ થઇ શકે છે, તેમ છતાં આ દુ:ખાવો અને તેના લીધે જો તમે અસહજતા અનુભવી રહ્યા હોવ તો તે વોર્નિંગ સાઇન છે. મોટાંભાગે હૃદયરોગના હુમલામાં વ્યક્તિને છાતીના ડાબા ભાગમાં દુ:ખાવો થાય છે, જે થોડી મિનિટો સુધી રહે છે પછી જતો રહે છે અને ફરીથી દુ:ખાવો શરૂ થઇ જાય છે. આ લક્ષણો છાતીમાં દબાણ, છાતીની આસપાસ ભાર લાદ્યો હોય તેવું લાગવું અથવા દુ:ખાવો થવો તરીકે ઓળખાવ્યા છે.
છાતીમાં બળતરા
શરીરમાં વાયુને લગતી તકલીફ જેમ કે, પેટમાં દુ:ખાવો, કબજિયાત, હાર્ટબર્ન અને ઉબકાં આવવા હૃદયરોગના હુમલાની પ્રારંભિક નિશાનીઓ છે. પેટમાં ઉપરના ભાગે દુ:ખાવાના કારણે પેટ ભારે લાગવું અને આ દુ:ખાવો તીક્ષ્ણ હોય અને દિવસમાં વારંવાર આ પ્રકારના દુ:ખાવાની તકલીફ રહેતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
ચક્કર આવવા, માથું દુ:ખવું
તાપમાં વધારે રહેવાથી અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના કારણે આંખોમાં થાક વર્તાય, ગળાના પાછળના ભાગે દુ:ખાવો રહેતો હોય તો વ્યક્તિમાં ચક્કર આવવા અને માથાના દુ:ખાવાની ફરિયાદ શરૂ થાય છે. જો કે, વારંવાર ચક્કર આવતા હોય તો તે ખાસ કરીને સ્ત્રીઓમાં હૃદયરોગના હુમલાની પ્રારંભિક નિશાનીઓ છે. ચક્કર આવવાની સાથે સાથે ઠંડો પરસેવો થવો, છાતીમાં દબાણ થવું, શ્વાસ ટૂંકા અને ઝડપી થવા, બેભાન થઇ જવું, ચક્કર આવીને પડી જવું જેવી તકલીફ જોવા મળે તો તમારે તત્કાળ ડોક્ટરને મળવું જોઇએ.
શરીરના અન્ય ભાગોમાં દુ:ખાવો
હાર્ટ અટેકના લક્ષણો માત્ર શરીરના એક જ ભાગની ફરતે જોવા મળે છે તેવું નથી, તે શરીરના અન્ય ભાગો સુધી પણ પહોંચે છે. હૃદયરોગનું જોખમ શરૂ થાય તો તમારાં હાથ ખાસ કરીને ડાબા પડખાંના હાથ, જડબાંમાં દુ:ખાવો થવાનું શરૂ થાય છે. છાતીમાં દુ:ખાવાની ફરિયાદ તમારાં હાથ, જડબા, ગળું, પીઠ અને પેટ સુધી પહોંચે તો તેને ગંભીરતાથી લો અને ડોક્ટરનો સંપર્ક કરો.