હીરાની ‘પરખ’ બદલાઈ !!!
વિશ્વભરમાં ઘટેલી માંગના કારણે સુરતમાંથી પોલીશ થઈને જતા ઓરીજીનલ હીરાની નિકાસમાં એક જ વર્ષમાં ૪૧ ટકાનો ઘટાડો નોંધાયો
હાલની ૨૧મી સદીનો યુગ ટેકનોલોજીનો યુગ મનાય છે. ટેકનોલોજીમાં સતત થઈ રહેલા સંશોધનો કારણે મોટાભાગ વસ્તુઆ મશીનમાં બનવા લાગી છે. જેના કારણે કારીગરોની રોજગારી ધીમેધીમે છીનવાઈ જવા પામી રહી છે. બીજી તરફ, મશીનરીમાં ઉત્પાદન થવાના કારણે તેની ઉત્પાદન કિમંતમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી આવી ચીજ વસ્તુ સસ્તામાં મળવા લાગી છે. એક સમયે શ્રીમંત લોકો ઓરીજીનલ ચીજવસ્તુઓ પહેરતા કે ઉપયોગમાં લેતા હતા તેના સ્થાને પ્રમાણમાં સસ્તી ઉપરાંત અનેક રીતે ફાયદાકારક એવી આવી આર્ટીફીશીયલ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. લોકોની બદલાયેલી આ પરખ હવે હીરાના વ્યવસાયમાં જોવા મળી છે. વિશ્ર્વભરમાં ઓરીજીનલ કરતા કૃત્રિમ હીરાના ઉપયોગ વધ્યો છે. સુરતમાંથી હીરાની થતી નિકાસમાં અસલી હીરાની નિકાસ ઘટાડો જયારે કૃત્રિમ હીરાની નિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
સુરતનો હીરા ઉદ્યોગ વિશ્ર્વભરમાં ખ્યાતી ધરાવે છે. વિશ્ર્વભરમાંથી ઓરીજીનલ હીરા પોલીસ કરવા માટે સુરતમાઆવે છે. ઉપરાંત દાયકાઓથી સુરતના ઉદ્યોગપતિઓ ઓરીજીનલ રફ હીરાને ખરીદી લઈને તેને પોલીસ કરીને વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. જેના કારણે સુરતનો હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા એકાદ દાયકાથી ચીન અને પૂર્વ એશિયાના અનેક દેશોએ હીરાના પોલીસીંગ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેની સસ્તી મજુરીના કારણે સુરતનાં હીરા પોલીસીંગના વ્યવસાયને થોડો ફટકો પડવા પામ્યો છે.
ઉપરાંત, વિશ્ર્વભરમાં ઓરીજીનલ હીરાના સ્થાને કૃત્રિમ હીરાની માંગ વધી રહી છે. જેથીક સિન્થેટીકસ ડાયમંડ બનાવવાનો ઉદ્યોગ પણ સુરતમાં વિકસી રહ્યો છે. પરંતુ, સિન્થેટીકસ ડાયમંડ બનાવવામાં ચીન અવ્વલ નંબરે રહેવા પામ્યું છે. ચીન વિશ્ર્વભરની સિન્થેટીકસ ડાયમંડની માર્કેટનું ૫૦ ટકા ઉત્પાદન કરે છે. જયારે ભારતમાં ૨૦ ટકા સિન્થેટીકસ ડાયમંડનું ઉત્પાદન થાય છે.
વિશ્ર્વભરમાં વિવિધ કારણોસર ઓરીજીનલ હીરાની માંગ સતત ઓછી થઈ રહી છે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના આંકડાઓ મુજબ સુરતમાં પોલીસ થઈને જતી ઓરીજીનલ હીરાની નિકાસમાં એક જ વર્ષમાં ૪૧ ટકાનો ઘટાડો થવા પામ્યો છે.
ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમા ઓરીજીનલ પોલીસ થયેલા હીરાની નિકાસ ૧૬,૬૦૦ કરોડ રૂા.ની હતી. જે આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૯,૮૦૦ કરોડ રૂા.એ પહોચી જવા પામી છે.
જયારે, પોલીસ થઈને જતા સિન્થેટીકસ હીરાની નિકાસમાં એક જ વર્ષમાં વધીને ૬૦ ટકાનો ઉછાળો આવવા પામ્યો છે. વર્ષ ૨૦૧૯ના ફેબ્રુઆરી માસમાં પોલીસ સિન્થેટીકસ હીરાની નિકાસ રૂા ૧૬૬ કરોડની હતી જે આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૦માં ૬૦ ટકાના વધારા સાથે ૨૬૫ કરોડ રૂા.નિકાસે પહોચી જવા પામી છે.
સિન્થેટીકસ હીરાની પોલીસ થયેલ નિકાસમાં સતત વધારો થવા પામી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ના એપ્રીલથી ફેબ્રુઆરી વચ્ચેના સમયગાળામાં સિન્થેટીકસ હીરાની નિકાસ રૂા.૧,૩૭૦ કરોડની હતી. જેમાં વર્ષ ૨૦૨૦માં એપ્રીલ-ફેબ્રુઆરીનાં સમયગાળામાં ૧૦૨ ટકાનો વધારો થઈને રૂા.૨,૮૦૦ કરોડએ પહોચી જવા પામ્યો છે. સુરતમાંથી પોલીસ થઈને જતા સિન્થેટીકસ હીરાની નિકાસમાં વધારે થઈ રહ્યો છે. જયારે ઓરીજીનલ હીરાની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે સુરતમાંથી પોલીસ થઈને વિદેશમાં નિકાસ થતા હીરામાં ૧૯ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. વર્ષ ૨૦૧૯માં એપ્રિલથી ફેબ્રુઆરી માસમાં રૂા.૧.૫૩ લાખ કરોડની પોલીસ હીરાની નિકાસ થઈ હતી તે વર્ષ ૨૦૨૦નાં એપ્રીલથી ફેબ્રુઆરી વચ્ચેના સમયગાળામાં ઘટીને રૂા.૧.૨૪ લાખ કરોડે પહોચી જવા પામી છે.
અમેરિકા, દુબઈ જેવા અમીર દેશોમાં પણ સિન્થેટીક હીરાની માંગ વધી
ઓરિજીનલ હીરાની માંગ અમેરિકા, દુબઈ, યુરોપ, ઓસ્ટ્રેલીયા જેવા અમીર દેશોમાં વધારે હતી. પરંતુ હવે આ દેશોના લોકો પણ સિન્થેટીકસ હીરા જડીત આભુષણો ખરીદવા લાગ્યા હોય આ દેશોમાં સિન્થેટીકસ હીરાની માંગ વધવા પામી છે. હીરાજડીત આભુષણો માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત ઝેલસ કે, જેહાદ સિગનેટ જેવી કંપનીઓ પણ હવે ઓરીજીનલ હીરાની સાથે સીન્થેટીકસ હીરાની જડીત આભુષણો તેમના શો રૂમો અને ઓનલાઈન વેચવા લાગ્યા છે. જેથી આ કંપનીઓ મોટાપ્રમાણમાં સિન્થેટીકસ હીરાનીખરીદી સુરતમાંકરી રહી છે. સિન્થેટીકસ હીરા મોટાભાગે ચીન અને સિંગાપૂરમાં બને છે. અને તેના કટીંગ અને પોલીસીંગ કામ સુરતમાં આવે છે.
સિન્થેટીક હીરા પ્રમાણમાં સસ્તા અને ઓરીજનલ જેવા હોય લોકોમાં માંગ વધી રહી છે
એક સમયે વિશ્ર્વભરના લોકોમાં ઓરીજીનલ હીરાની ભારે માંગ હતી પરંતુ, મોંઘા એવા ઓરીજીનલ હીરાને પહેરવા, સાચવવા વગેરમાં ભારે મુશ્કેલી પડે છે. જેની સામે સિન્થેટીકસ હીરા પ્રમાણમાં સાવ સસ્તા હોય અને દેખાવમાં ઓરીજીનલ જેવા દેખાતા હોય છે. હીરાના શોખીન લોકો આવા એક કરતા વધારે સીન્થેટીકસ હીરા જડીત આભુષણો ખરીદીને તેને પહેરી સમાજમાં પોતાના માભો રાખી શકે છે. આવા સિન્થેટીકસ હીરા જડીત આભુષણો ખોવાઈ જાય. ચોરાઈ જાય તો પણ તેના માલીકને વધારે નુકશાન ન થતું હોય લોકોમાં તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરતમાંથી નિકાસ થતા પોલીશ હીરામાં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો
વિશ્ર્વભરમાં હીરાના કટીંગ અને પોલીસીંગ માટે પ્રખ્યાત સુરતમાં દર વર્ષે આ વ્યવસાય અબજો રૂા.નું વિદેશી હુંડીયામણ રળી આવે છે. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી હીરા કટીંગ અને પોલીસીંગના વ્યવસાયમાં ચીને ઝંપલાવ્યુંછે. જ ચીનની સસ્તી મજુરીના કારણે સુરતનો હીરા પોલીસીંગનો વ્યવસાય ધીમેધીમે ચીનમાં ધસડાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૯ માં એપ્રીલથી ફેબ્રુઆરી વચ્ચે સુરતમાંથી પોલીસ થયેલા હીરાની નિકાસ રૂા.૧.૫૩ લાખ કરોડની હતી તે વર્ષ ૨૦૨૦માં એપ્રીલથી ફેબ્રૂઆરી વચ્ચે હીરાની નિકાસ ૧૯ ટકા ઘટીને રૂા.૧.૨૪ લાખ કરોડે પહોચી જવા પામી છે. જોકે, ચીનમાં કોરોના વાઈરસના ભયે છેલ્લા બે ત્રણ માસથી સુરતમાં પોલીસીંગના કામમાં થોડો વધારો થવા પામ્યો છે.
એક સમયે સોનાના દાગીના માટે જગવિખ્યાત રાજકોટ, હવે ઈમીટેશન દાગીનાનું હબ બન્યું
સોનાના દાગીનામાં અવનવી ડીઝાઈન અને અતિ ઝીણવટ ભરી બારીક કામગીરીના કારણે રાજકોટના સોનાના દાગીના વિશ્ર્વભરમાં ભારે પ્રસિધ્ધિ પામ્યા હતા જેના કારણે રાજકોટનો સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો હતો. આ વ્યવસાયમાં હજારો બંગાળી કારીગરો જોડાયા હતા અને રાજકોટમાં સ્થાઈ થયા હતા રાજકોટમાં બનતા સોનાના આભુષણો વિશ્ર્વના અનેક દેશોમાં નિકાસ થતા હતા. પરંતુ સોનાના સતત વધી રહેલા ભાવો, સોનાના આભુષણો પહેરવામાં વધી રહેલા જોખમ વગેરે કારણોસર રાજકોટના સોનાના આભુષણોના વ્યવસાયને મંદીનુંગ્રહણ લાગ્યું હતુ દરમ્યાન રાજકોટના કારીગરો પોતાની કલા ઈમીટેશનના આભુષણો બનાવવામાં વાપરવા લાગ્યા હતા. સોનાના બનતા તમામ આભુષણો હવે ઈમીટેશનમાં બનવા લાગ્યા છે. આવા ઈમીટેશન આભુષણો અસલ જેવા લાગતા હોય તે સસ્તી કિંમતના હોય તથા આવા ઈમીટેશન આભુષણો ચોરાઉ કે ખોવાય જાય તો વધુ નુકશાન થતું ન હોય લોકોમાં ઈમીટેશન જવેલરી ભારે માંગ જોવા મળી રહી છે. જેના કારણે રાજકોટનો ઈમીટેશન ઉદ્યોગ હવે દેશભરમાં પ્રસિધ્ધિ પામ્યો છે. જેથી હવે રાજકોટ ઈમીટેશન ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે.
ઓરીજીનલ હીરાની માંગમાં ૪૦ ટકાનો ઘટાડો જયારે, સિન્થેટીકસ હીરાની માંગમાં ૬૧ ટકાનો વધારો
વિશ્ર્વભરમાં ઓરીજીનલ હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બદલાવેલ પરખને ધ્યાનમાં લઈને હીરાઝરીન આભુષણો બનાવની વિશ્ર્વ વિખ્યાત કંપનીઓ પણ સિન્થેટીકસ હીરા જડીત આભુષણો બનાવવા લાગ્યા છે. જેના કારણે અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલીયા, જર્મની વગેરે જેવા અમી દેશોમાં થતીઓરીજનીલ હીરાની માંગમાં ૪૦ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. જયારે આ દેશોમાં સિન્થેટીકસ હીરાની માંગમાં ૬૧ ટકાનો વધારો થવા પામ્યો છે. સિન્થેટીકસ હીરાની વધેલી માંગના કારણો સુરતમાંથી પોલીસીંગ થઈને જતા સિન્થેટીકસ હીરાના વ્યવસાયમા એક જ વર્ષમાં ૧૦૨ ટકાનો અધધ વધારો થવા પામ્યો છે.