ભારતમાં આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ ગરીબી સૌથી મોટો પડકાર છે. દેશમાં હાલમાં આશરે 22 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યાં છે. જેમને પોતાની રોજી રોટી ચલાવવા માટે મજૂરી જેવા કાર્યો કરવા પડે છે. હાલમાં સંસદનાં શિયાળુ સત્ર દરમિયાન ગરીબી રેખાની નીચેનાં સ્તરનાં લોકો વિશે સવાલો પૂછવામાં આવ્યાં હતાં જેનો જવાબ આપતાં કેબિનેટ મંત્રી રાવ ઈંદ્રજીત સિંહે ભારતમાં ગરીબીની સ્થિતિ જણાવી હતી.
ગુજરાતની 75 લાખની ગ્રામીણ આબાદી દૈનિક 26 રૂપિયા જ્યારે 26.88 લાખ શહેરી આબાદી 32 રૂપિયા ખર્ચવામાં નિષ્ફળ!!
શિયાળુ સત્રમાં સરકારે આપેલા જવાબ મુજબ દેશમાં ગરીબી રેખાની નીચે લોકોની સંખ્યા જાણવા માટે વર્ષ 2011-12માં સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદથી અત્યાર સુધી આ અંગે કોઈ આંકલન કરવામાં આવ્યું નથી. એ સર્વે અનુસાર ગરીબી રેખાની નીચે રહેનારા લોકોની સંખ્યા 27 કરોડ હતી. જો કે સરકારનું કહેવું છે કે દેશમાં હાલ 21.9 કરોડ આબાદી ગરીબી રેખાની નીચે છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં 21.6% એટલે કે 75 લાખની ગ્રામીણ આબાદી જ્યારે 10.14% 26.88 લાખ શહેરી આબાદી ગરીબી રેખાની નીચે છે. એટલે કે ગુજરાતની કુલ આબાદીમાંથી આશરે 1 કરોડ વસ્તી ગરીબી રેખાની નીચે આવે છે.
સરકાર અનુસાર દેશની 21.9 % વસ્તી આજે પણ ગરીબી રેખાની નીચે જીવન વિતાવે છે. સરકાર માને છે કે ગામડામાં રહેનારો જે વ્યક્તિ દરરોજ 26 રૂપિયા જ્યારે શહેરમાં રહેતો દરેક વ્યક્તિ દરરોજ 32 રૂપિયા ખર્ચ કરવામાં અસમર્થ હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે ગણાય છે. ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરતાં પરિવારો તેમના બાળકોને મૂળભૂત સુવિધાઓ આપવામાં અસમર્થ હોય છે. શિક્ષા અને પોષણયુક્ત ખાવાનું આપવા જેવી મૂળભૂત જરૂરિયાતોની પૂરતી કરવામાં અસમર્થતા ગરીબી રેખાની નીચેનું સ્તર માનવામાં આવે છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નીતિ આયોગે ‘રાષ્ટ્રીય બહુપરિમાણિય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023’ નામક રિપોર્ટ રજૂ કરી હતી જે અનુસાર વર્ષ 2015-16થી 2019-21 દરમિયાન 13.5 કરોડ લોકો બહુપરિમાણિય ગરીબીથી મૂક્ત થયાં છે.