પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ કોર્પોરેશને રૂ. 30 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું
શું તમે ક્યારેય તમારી જાતને એવી પરિસ્થિતિમાં જોયા છે કે જ્યાં તમે કારમાંથી બહાર નીકળતી વખતે આકસ્મિક રીતે ગોબરના ઢગલામાં પગ મુકાઈ ગયો હોય? રોડ રસ્તા પર રખડતા ઢોરના લીધે ગોબરના ઢગ જોવા મળતા હોય છે. જેના લીધે લોકોને ઘણીવાર હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે હાઈકોર્ટ રખડતા ઢોરોના મુદ્દાને ઉકેલવા માટે તંત્ર પર દબાણ કરી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક અનોખો ઉપાય ઘડી કાઢ્યો છે. એએમસીએ તાજેતરમાં પૂર્વ ઝોનમાંથી છાણ એકત્ર કરવા માટે રૂ. 30 લાખના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ટેન્ડરની જાહેરાત કરી છે.
જો પ્રોજેક્ટ અહીં સફળ થશે તો અમે અન્ય છ ઝોનમાં તેની નકલ કરીશું તેવું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે એએમસીના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે શહેરના રસ્તાઓ પરથી ઢોરનું છાણ એકત્રિત કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે, તેવું એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર કરવાનો ઇનકાર કરતા પુષ્ટિ કરી છે. જો સમગ્ર ઝોનમાં આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવે તો આ ટેન્ડરોની કિંમત વાર્ષિક રૂ. 2 કરોડથી વધુ થઈ શકે છે.
ટેન્ડરના દસ્તાવેજ મુજબ કોન્ટ્રાક્ટરે ઝોનના તમામ વોર્ડમાંથી છાણ ઉઝરડા કરવાનું રહેશે. કોન્ટ્રાક્ટમાં છ ટ્રેક્ટર-ટ્રેલર, મજૂરો અને સાધનો હોવા જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર આરોગ્ય નિરીક્ષકે છાણ દૂર કરવામાં આવી રહ્યું છે તેની ખાતરી કરવા માટે નિયમિત રાઉન્ડ લેવા જોઈએ.
એકત્ર કરાયેલા છાણમાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર અથવા અન્ય કચરો જેવી અશુદ્ધિઓ મળી આવશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 1,000નો દંડ ફટકારવામાં આવશે. ગોબરનો નિકાલ ડમ્પસાઇટ અથવા એએમસી ગાર્ડનમાં કરવામાં આવશે. જ્યારે પણ એએમસીને છાણ સપ્લાય કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટરે વજનનું પ્રમાણપત્ર પણ મેળવવું પડશે. ઉલ્લેખનીય છે કે, જો મજૂરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અથવા કોઈ વ્યસન ધરાવતા હોય તો કોન્ટ્રાક્ટરે દંડ ભરવો પડશે.