ગૂરૂ વિના ‘જ્ઞાન’ ન ઉપજે !!!

ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓમાં શિક્ષકોની ‘ઓનલાઈન’ હાજરીનો નિયમ હોવા છતા આ શિક્ષિકાએ એક સાથે ૨૫ સ્કૂલોમાં કેવી રીતે ‘ઓનલાઈન’ હાજરી પૂરાવી તે તપાસનો વિષય

સરકારી શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી અનેક ગેરરીતિઓ ગોલમાલો ચાલતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આવી જ એક અનોખી ગેરરીતિ ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. જેમાં એક જ શિક્ષિકાએ એકી સાથે ૨૫ સરકારી સ્કુલોમાં નોકરી મેળવીને ૧૩ મહિના સુધી આ તમામ સ્કુલોમાં હાજરી આપીને જ્ઞાન ‘વેંચી’ને રૂા.૧ કરોડ ઉસેડયાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં ચાલતી ઘોર બેદરકારીને ઉજાગર કરતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ યોગી સરકારે તપાસ શરૂ કરીને આ શિક્ષીકા અને દોષિતો સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સમાજન નબળા વર્ગની દીકરીઓ માટે રહેવા સાથે શિક્ષણ આપતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો ચલાવવામાં આવે છે. રાયબરેલીની કસ્તુરબા વિદ્યાલયમાં કુલ ટાઈમના વિજ્ઞાન શિક્ષીકા તરીકે અનામિકા શુકલા ફરજ બજાવે છે. આ શિક્ષીકા અનામિકા શુકલાએ એક સાથે રાજયની આંબેડકરનગર, બાગપત, અલીગઢ, સરહાનપૂર, પ્રયાગરાજ, વગેરે જિલ્લાઓની ૨૫ કસ્તુરબા વિદ્યાલયોમાં પણ નોકરી મેળવી લીધી હતી માત્ર એટલું જ નહી ૧૩ મહિના સુધી આ તમામ વિદ્યાલયોમાં તેમની નિયમિત હાજરી પુરાય હતી એક વિદ્યાલયમાંથી ૩૦ હજાર રૂા. લેખે તેમને ૨૫ વિદ્યાલયમાંથી પગાર પણ ચૂકવાયો હતો. આ શિક્ષિકાએ ૧૩ મહિનમાં આવી રીતે જ્ઞાન વેચીને તેના એક જ બેંક ખાતામાં રૂા.૧ કરોડ પણ મેળવ્યા હતા.

અનામિકા શુકલાનીઅ ગેરરીતિ અંગે ગત માર્ચ માસમાં શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી જે બાદ શિક્ષણ વિભાગની તપાસમાં એક જ નામની શિક્ષીકા અનામિત શુકલા રાજયનાં ૨૫ વિદ્યાલયોમાં એક જ સમયે નોકરી કરીને પગાર ઉસેડયાનું ખૂલવા પામ્યું હતુ. જે બાદ આ ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે ઉત્તર પ્રદેશનાં શાળા શિક્ષણ-વિભાગના ડીરેકટર જનરલ વિજય કિરણ આનંદે જણાવ્યું હતુ કે જયારે રાજયની શાળાઓમાં શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે ત્યારે એક શિક્ષીકા એ એક સાથે ૨૫ સ્કુલોમાં કેવી રીતે ઓનલાઈન હાજરીપૂરાવી તે તપાસનો વિષય છે. આ અંગે ખાસ તપાસ સમિતિ બનાવીને તપાસ કરાવવામાં આવી રહી છે. આ બનાવમાં જે પણ દોષિત સાબિત થશે તેમની સામે ફોજદારી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.