ઈરાનથી આવેલા સ્થળાંતરિતોના કારણે અફઘાનિસ્તાનમાં કોરોનાનો કાળો કહેર: આંકડા મુજબ અમેરિકા કરતા પણ અફઘાનિસ્તાનમાં કેસ વધુ
કોરોના મહામારીના ભરડામાં વિશ્ર્વના કરોડો લોકો આવી ગયા છે. અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, ભારત, બ્રાઝીલ સહિતના દેશમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. પરંતુ એવા પણ કેટલાક સ્થળો છે જ્યાં કોરોના વાયરસે વધુ કહેર વરસાવ્યો છે. જેમાં એક સ્થળ અફઘાનિસ્તાન પણ છે. આંકડા મુજબ અફઘાનિસ્તાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧ કરોડ જેટલી તોતીંગ છે. એમ કહી શકાય કે, અફઘાનિસ્તાનની ૩૧.૫ ટકા જેટલી વસ્તી કોરોના વાયરસના સંપર્કમાં આવી ગઈ છે.
કાબુલની વાત કરીએ તો ત્યાં ૫૦ લાખની વસ્તીમાંથી અડધો અડધ લોકોને કોરોના થઈ ચૂકયો છે. દેશની કુલ વસ્તી ૩.૨ કરોડની છે. જેમાંથી ત્રીજા ભાગના લોકો કોરોનાની ઝપટે ચડી ચૂકયા છે. સત્તાવાર રીતે દેશમાં હજુ ૩૬ હજાર કેસ નોંધાયા છે અને ૧૨૦૦ લોકોના મોત થયા છે પરંતુ દેશમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ ન થતું હોવાથી સાચા આંકડા સામે આવી શકયા નથી. વિશ્ર્વભરમાં કોરોનાની મહામારીનો બીજો તબક્કો શરૂ પણ થઈ ચૂકયો છે. આવા સમયે અફઘાનિસ્તાનમાં કોરોનાએ મચાવેલો કહેર વિશ્વ આખાનું ધ્યાન ખેંચી રહ્યું છે.
ચીનથી શરૂ થયેલી કોરોના મહામારીએ આખા વિશ્વને બાનમાં લીધુ હોય તેવી સ્થિતિ છે. અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પ્રવેશ ફેબ્રુઆરી મહિનામાં થઈ ગયો હતો. ઈરાનથી આવેલા સ્થળાંતરીતોએ કોરોના વાયરસનો ફેલાવો વધુ પ્રમાણમાં કર્યો હતો. ઈરાનમાં કોરોનાએ કાળો કહેર મચાવતા હજારોની સંખ્યામાં લોકો અફઘાનિસ્તાનમાં ઘુસી ગયા હતા અને અફઘાનિસ્તાન હવે કોરોના તબાહી મચાવી રહ્યો છે.
વિશ્વમાં કોરોના વાયરસના ૧.૮ કરોડ કેસ સત્તાવાર છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી છે. અલબત અફઘાનિસ્તાનમાંથી પ્રાપ્ત થયેલા બિનસત્તાવાર આંકડા પરથી જણાય આવે છે કે, અફઘાનિસ્તાનમાં અમેરિકા કરતા પણ વધુ કેસ છે. જો આવી જ સ્થિતિ રહી તો અફઘાનિસ્તાનમાં કોરોનાના કારણે લાખો લોકોના મોત થઈ શકે છે.