રોજગાર આધારિત ગ્રીનકાર્ડ મેળવવા માટેનો સમયગાળો 134 વર્ષને આંબી ગયો : અભ્યાસ
હાલમાં 10.7 લાખ ભારતીયો રોજગાર ગ્રીન-કાર્ડ બેકલોગ (ઇબી-2 અને ઇબી-3 કેટેગરીઝ)માં ફસાયેલા છે, જેની પ્રક્રિયામાં 134 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. ત્યારે લગભગ 1.34 લાખ બાળકો ગ્રીન કાર્ડ મેળવે તે પહેલા જ વૃદ્ધ થઈ જશે.
વાર્ષિક ધોરણે યુ.એસ. રોજગાર આધારિત અરજદારો માટે માત્ર 1.4 લાખ ગ્રીન કાર્ડને મંજૂરી આપે છે અને દેશ દીઠ આ આંકડો ફકત 7% છે. યુ.એસ.માં કુશળ ભારતીયોના નોંધપાત્ર પ્રવાહને જોતાં, તેમાંના મોટાભાગના એચ-1બી વિઝા ધરાવે છે, આ પ્રતિબંધિત નીતિ પડકારો ઉભી કરે છે. ભારતમાંથી રોજગાર આધારિત ગ્રીન કાર્ડનો બેકલોગ (ઇબી-2 અને ઇબી-3 સ્કીલ્ડ કેટેગરી) માર્ચ 2023માં 10.7 લાખ સુધી પહોંચી ગયો છે. જો મૃત્યુ અને વૃદ્ધાવસ્થા જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ (જે વ્યક્તિઓ બેકલોગમાંથી બહાર નીકળી જશે) ગ્રીન કાર્ડની રાહ જોવાની અવધિ 54 વર્ષની છે અને જો આ પરિબળોને ધ્યાને લેવામાં ન આવે તો તે 134 વર્ષ છે.
કેટો ઇન્સ્ટિટ્યૂટ સાથેના ઇમિગ્રેશન સ્ટડીઝના સહયોગી નિર્દેશક ડેવિડ જે. બિઅર દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસના આ તારણો છે. એકવાર બાળકો 21 વર્ષના થઈ જાય પછી તેઓ તેમના એચ-4 વિઝા સાથે આગળ વધી શકશે નહીં, જે આશ્રિતો માટે છે અને તેમના માતાપિતાના એચ-1બી વર્ક વિઝા સાથે જોડાયેલ છે. 21 વર્ષની ઉંમરે આ યુવાનો કે જેમને દસ્તાવેજી સ્વપ્નદ્રષ્ટા તરીકે ઓળખવામાં આવે છે તેમની પાસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એફ-1 વિઝા મેળવવા સિવાય કોઈ વિકલ્પ નથી, જે વિદ્યાર્થી માટે મર્યાદિત કામની તકો અને ઊંચી ફી જેવા પડકારો ઉભા કરે છે. ત્યારે તેમની પાસે એકમાત્ર અન્ય વિકલ્પ એ છે કે પોતાને ભારત અથવા અન્ય દેશમાં દેશનિકાલ કરવો પડે.