યાર્ડમાં કામ કરતા ૬૦૦ વેપારીઓ, ૯૦૦ મજુરો તેમજ કામકાજ અર્થે આવતા દરરોજ ૫૦૦૦ લોકો મચ્છરોનો ત્રાસ સહન કરી રહ્યા છે
મચ્છરોની સમસ્યા નિવારવા બે દિવસ પુર્વે રાજકોટ મનપાએ ફોગીંગ કરવામાં આવશે તેમ જાહેર કરેલુ પરંતુ આજદિન સુધી માર્કેટીંગ યાર્ડમાં કોઇ અધિકારી પણ ફરકયા નથી
બેડી યાર્ડ પાસેથી પસાર થતી નદીમાં ઠલવાતુ ડ્રેનેજનું ગંદુ પાણી તેમજ ગાંડીવેલના ફેલાવાથી દિન પ્રતિદીન વધી રહ્યો છે મચ્છરોનો ઉપદ્રવ
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ત્રાસ વઘ્યો હોય યાર્ડમાં કામ કરતા વેપારીઓ મજુરછ ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આ અંગે અનેક વખત રજુઆતો કરવાં છતાં તંત્ર દ્વારા કોઇ સક્રિય કામગીરી કરવામાં આવી નથી. માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ એટલી હદે વઘ્યો છે કે માર્કેટીંગ યાર્ડના વેપારીઓ મજુરોએ આ અંગે બે દિવસમાં કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવે તો સોમવારથી હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી આપી છે.
શહેરની ભાગોળે આવેલા બેડી યાર્ડ નજીકથી ખોખળદડ નદી પસાર થતી હોય અને આ નદીમાં શહેરભરની ડ્રૅનેજનું પાણી ઠલવાઇ રહ્યું છે. જેથી આ નદી ગંદકીથી ખદબદતી હોય જયાં મચ્છરોનો દિન પ્રતિદિન ઉપદ્રવ વધી રહ્યો છે. આ મચ્છરોના ઝુંડ સાંજ પડે એટલે આસપાસના વિસ્તારોમાં તેમજ માર્કેટીંગ યાર્ડમાં આક્રમણ કરે છે.
બેડી માર્કેટીંગ યાર્ડ રૂડામાં આવે છે તેમ છતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ સમસ્યા નિવારવા ફીગીંગ કરવાનું તાજેતરમાં જણાવ્યું હતું.
બે ત્રણ દિવસ પહેલા રાજકોટ મનપાએ આ સમસ્યા નિવારવા ફોગીંગ કરવામાં આવશે તેવું જાહેર કર્યુ હતું. પરંતુ બે દિવસ વિતવાં છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી યાર્ડના વેપારીઓ મજુરો સખત નારાજ થયાં છે. ફીગીંગની કાર્યવાહી તો ઠીક પરંતુ કોઇ અધિકારીઓ પણ અહીં ફરકયા નથી.ત્યારે મચ્છરોનો ત્રાસ દુર કરવા જો આજે કોઇ નકકર કામગીરી કરવામાં નહી આવે તો યાર્ડના વેપારીઓ- મજુરો સોમવારથી ચોકકસ હડતાલ પર ઉતરી જશે તેમ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્વારા જણાવાયું છે.
મચ્છરોના ગણગણ અને કરડવાથી અનેક લોકો મેલેરીયા, તાવના ભરડામાં આવી ગયા છે. મચ્છરોના અસહ્ય ત્રાસ સામે માર્કેટીંગ યાર્ડ દ્વારા તંત્રને, મહાનગરપાલિકાને વખતોવખત રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઇ નકકર કામગીરી કરવામાં આવી નથી.
એકબીજા સાથે વાતચીત કરતા પણ મોં માં મચ્છરો ઘૂસી જાય છે
ખુલ્લા યાર્ડમાં વેપારીઓ તેમજ મજુરો કામ કરી રહયા હોય ત્યારે મચ્છરોના ત્રાસથી અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. એકબીજા સાથે વાતચીત કરતા દરમ્યાન મોં મા પણ મચ્છરો ધુસી જાય છે. એટલું જ નહિ અહીં ૬૦૦ વેપારીઓ, ૯૦૦ મજુરો તેમજ દરરોજ ૫૦૦૦ થી વધુ લોકોની આવક જાવક રહે છે. ત્યારે શહેરની ભાગોળે ધમધમતા આ માકેટીંગ યાર્ડમાં હજારો લોકો પોત પોતાના કામકાજ અર્થે આવતા જતા હોય દરેક લોકો મચ્છરનો ત્રાસ સહન કરી રહ્યાં છે.
યાર્ડ પાસેથી પસાર થતી નદીમાં ગાંડી વેલ ઊગી નીકળતાં મચ્છરોનો ઉપદ્રવ
બેડી ખાતે નવું માર્કેટીંગ યાર્ડ બન્યું છે. ત્યારથી ત્યાં મચ્છરોની સમસ્યા છે જેનું મુખ્ય કારણ માર્કેટીંગ યાર્ડ પાસેથી નદી પસાર થાય છે અને આ નદીમાં શહેરની ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેથી આ ગંદકીમાં ગાંડીવેલ ઉગી નીકળી છે.
આ ગાંડીવેલ આખી નદી પર પથરાઇ ગઇ છે અને દિન પ્રતિદિન ચારે બાજુ પુષ્કળ ફેલાઇ રહી છે. આ ગાંડીવેલ અને ડ્રેનેજના ગંદા પાણીથી ત્યાં જ સતત મચ્છરોનો ઉપદ્રવ થાય છે આ મચ્છરોના ઝુંડ સાંજ પડતાં જ આજુબાજુના વિસ્તારો તેમજ માકેટીંગ યાર્ડમાં આક્રમણ કરે છે.
ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નખાય તો જ કાયમી સમસ્યાનો અંત આવે
મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા રાજકોટ મનપાએ ફોગીંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ કે જો ફોગીગથી આ સમસ્યા ઘટશે તો દરરોજ ફોગીંગ કરી યાર્ડના વેપારીઓ- મજુરોને રાહત આપવામાં આવશે. જો કે ફોગીંગથી માત્ર પાંચ-છ કલાક મચ્છરોના ત્રાસથી મુકિત મળી શકે. બેડી યાર્ડ રૂડામાં આવતું હોય ત્યારે રૂડા પાસે ફોગીંગની કોઇ વ્યવસ્થા નથી.
મચછરોનો ઉપદ્રવ નિવારવા, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગંદા ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાખવામાં આવે તો જ ખરેખર મચ્છરોના ત્રાસથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.