અમદાવાદની ગીતાર્થ ગંગા દ્વારા સુપ્રીમમાં થઈ જાહેરહિતની અરજી
દેશમાં કોરોનાના કહેર વચ્ચે ઘણી ખરી છુટછાટો સાથે લોકડાઉન હટાવી લેવાયું છે અને દારૂની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટને વ્યવસાયની શરતોને આધીન વેપાર ધંધાની છુટ અપાઈ છે ત્યારે મંદિર કે ધર્મ સ્થાનો ખોલવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા આ જાહેર હિતની અરજી કરાઈ છે.
આ અંગેની વધુ સુનાવણી સુપ્રીમમાં મંગળવારે થનાર હોવાનું જાણવા મળે છે. જૈનાચાર્ય યુગભુષણસુરીશ્ર્વરજી મહારાજ સાહેબ પંડિત મહારાજ સાહેબ દ્વારા માર્ગદર્શિત ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા આજે સર્વોચ્ચ અદાલતમાં ભારતભરના બધા જ ધર્મોના સર્વે ધાર્મિક સ્થળોને ખોલવા માટે એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. બંધારણના આર્ટીકલ ૩૨માં કરવામાં આવેલી આ જાહેર હિતની અરજીમાં માત્ર મંદિરો કે અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાની જ માંગણી નથી કરવામાં આવી પરંતુ ભારતના પ્રત્યેક નાગરિકની આઘ્યાત્મિકતાની ચિંતાને લઈને તેમજ બંધારણ દ્વારા પ્રત્યેક ધાર્મિક વ્યકિતના મુળભુત ધાર્મિક અધિકારોને લક્ષ્યમાં રાખીને તેઓને યુનિયન ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ હવે કેમ ખોલવામાં ન આવે તેની દાદ માંગવામાં આવી છે.
યુનિયન ઓફ ઈન્ડિયાએ તા.૩૦/૫/૨૦૨૦ના અનલોક-૧માં ક્ધટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ચોકકસ માર્ગદર્શિકાઓના આધારે તા.૮ જુન ૨૦૨૦થી મંદિરો ખોલી નાખવા માટે પરવાનગી આપેલી છે. તેના આધારે આરોગ્ય મંત્રાલયે ૪ જુન ૨૦૨૦ના રોજ આ કાર્ય માટે શું શું સાવચેતી રાખવી તેની પણ વ્યવસ્થિત એસઓપી બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારના આવા આદેશ પછી પણ ઘણી રાજય સરકારોએ મંદિર કે ધાર્મિક સ્થળોને ખોલવા માટેની કોઈ પરવાનગી આપી નથી.
કોવિડ-૧૯ને કારણે આમ પણ ભારતના નાગરીકો આર્થિક સંકડામણમાં અને બેકારી અને મોંઘવારીના ચકકરમાં ફસાયા છે તેથી માનસિક સ્થિતિ પણ ડામાડોળ થઈ છે. ધાર્મિક સ્થળોને ખોલવાથી પ્રાર્થના તેમજ પૂજા-અર્ચના દ્વારા તેઓ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. કોવિડ-૧૯ના જોખમોને લક્ષમાં રાખીને આર્થિક અને અન્ય સામાજીક કાર્યક્રમોમાં રાજય સરકારોએ ખાસી છુટો આપીને આંખ મિચામણા કર્યા છે. જયારે ધાર્મિક સ્થળોને ખોલવા માટે તેના તરફ ઉપેક્ષિત વલણ રાખવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોને યુનિયન ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાકના પાલનપૂર્વક ચાલુ રાખવાથી કોવિડ-૧૯ના જોખમને ચોકકસપણે અંકુશિત કરી શકાય છે.
આ બાબતમાં અરજદારે પોતાની અરજીમાં ખાસ ભાર મુકીને સવોચ્ચ અદાલત પાસે એ સ્પષ્ટતા કરવાનું જણાવ્યું છે કે, રાજયના અધિકારીઓને બંધારણ દ્વારા આપવામાં આવેલા આર્ટીકલ ૧૪, ૧૯, ૨૧, ૨૫ અને ૨૬ બંધારણીય અધિકારીઓની સામે કોવિડ-૧૯ના નામે કેટલી મર્યાદાઓ મુકવાની સતા છે. મેન્યુફેકચરીંગ કે અન્ય ધંધાકીય પ્રવૃતિઓ અને મદીરાની દુકાનો જો ખુલી શકતી હોય તો મંદિરો અને ધર્મસ્થાનકોને શા માટે ખોલી ન દેવા જોઈએ ? ગીતાર્થ ગંગા સંસ્થા પ્રત્યેક આત્માના આઘ્યાત્મિક ઉત્થાન માટે પ્રયત્નશીલ છે અને પંડિત મ.સા. જૈન સંઘના એક વિદ્ધાન આચાર્ય અને મોહજીતવિજયજી સમુદાયના ગચ્છાધિપતિશ્રીજી છે.