શુઘ્ધ અને અશુઘ્ધ લોહીની નસોમાં લોહી જામી જાય છે આ પ્રક્રિયા હાથ-પગની નળીમાં થાય તો ગેંગરીન અને હૃદયમાં થાય તો હાર્ટ એટક અને મગજમાં થાય તો સ્ટ્રોક અથવા લકવાનો હુમલો આવે છે
સૌરાષ્ટ્ર તથા કચ્છના સીનીયર વાસ્કયુલર સર્જન ડો. દેવેન્દ્ર દેકીવાડીયા સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે. આખી દુનિયા પર કોરોના મહામારીએ ભરડો લીધેલ છે. કોરોનામાંથી સાજા થયા પછી પણ જાતજાતની બીમારીઓ જોવામાં આવે છે. આંખ અને નાકમાં મ્યુકોરમાઇકોસીસ બાદ હવે શરીરની લોહીની નસો ઉપર કોરોનાની ભયંકર અસર જોવામાં આવી છે. તેમાં શુઘ્ધ અને અશુઘ્ધ લોહીની નસોમાં લોહી જામી જાય છે અને જે તે અંગેને લોહી મળતું બંધ થઇ જાય છે. આમ આ પ્રકારની લોહી ગંઠાવાની પ્રક્રિયા હાથ તથા પગની નળીમાં થાય તો ગેંગરીન થઇ જાય છે. આ જ પ્રક્રિયા હ્રદયમાં થાય તો હાર્ટ એટેક આવે, મગજમાં થાય તો સ્ટ્રોક અથવા લકવાનો હુમલો આવે છે.
આ ગેંગરીન શા માટે થાય છે અને તેને અટકાવવા શું કરવું જોઇએ તે સમજીએ? લોહીની નસો પાણીના પાઇપ જેવી હોય છે તેનો અંદરનો ભાગ એકદમ લીસો હોય છે જે એન્ડોથીલીયમ નામે ઓળખાય છે. તેને કોરોનાનો વાયરસ ખરબચડો બનાવી દે છે. જામેલા લોહીને થ્રોમ્બોસીસ કહેવાય છે કુદરતી રીતે શરીર તેને ઓગાળવાની કોશિશ કરે છે. જે નાકામયાબ રહે છે. જયાં હાથ કે પગમાં લોહી પહોંચે નહીં ત્યાં ગેંગરીન થાય છે. અશુઘ્ધ લોહી લઇ જતી (શીરા) માં લોહી જામી જાય તો હાથ કે પગ ઓચિંતો સોજી જાય છે. જામેલા લોહીની માહીતી લેબોરેટરીના ડી.ડીનર રીપોર્ટથી જાણી શકાય છે.
શરીરની લોહીની નસો ઉપર જોવા મળતી કોરોનાની ભયંકર અસર: ડો. દેકીવાડીયા
શુઘ્ધ લોહીની નળી ધમનીમાં લોહી જામી જવાથી હાથ કે પગમાં ઓચીંતો સખત દુ:ખાવો થવો, આંગળા ભૂરા પડવા, તેનું હલનચલન બંધ થઇ જવું આ શરુઆતનના લક્ષણો દેખાય કે તરત જ સારવારથી અંગ બચાવી શકાય છે. સમય જતો રહે અને અંગ કાળુ (કોલસા જેવું) થઇ જાય તો તે ગેંગરીન હોવાથી કાપી નાખવું પડે છે. જો તેમ નહી કરવામાં આવે તો તેનું ઝેર શરીરમાં પ્રસરે છે અને કીડની કે મગજ ઉપર અસર કરી શકે છે. આ બધા લક્ષણો ખૂબ જ ઘ્યાનથી સમજીને સમયસર ડોકટરને મળી રકતવાહીનીનું ઓપરેશન કરી ગાંઠા કાઢી નાખવામાં આવે તો લોહીનું પરિભ્રમણ ફરીથી શરુ થઇ જતાં હાથ કે પગ કાપવામાંથી બચાવી શકાય છે. આમા પ્રથમ ૩૬ કલાક ખુબ જ અગત્યનાં છે અને આ લક્ષણો ગંભીરતાથી ન લેવામાં આવે તો જીવ બચાવવા માટે હાથ કે પગ કાપી નાખવા પડે છે.
અશુઘ્ધ લોહીની નળીના ગાંઠા છુટા પડી હ્રદય તથા ફેંફસાની નળીને બ્લોક કરી દે તો દર્દીનું તાત્કાલીક મૃત્યુ થવાની સંભાવના રહે છે. આ વિનસ થ્રોમ્બોસીસની સારવાર થ્રોમ્બોલાઇસીસથી કરવામાં આવે છે.. તેમાં લોહીની નળીમાં જામેલ ગાંઠા ઉપર લોહી પાતળુ કરવાની દવાને છંટકાવ પાતળી નળી દ્વારા કરવાથી તે ગાંઠા ઓગાળી દેવામાં આવે છે અને ૪૮ કલાકમાં દર્દીના પગ ઉપરનું જોખમ દુર કરી શકાય છે. ત્યારબાદ લોહી પાતળુ રાખવાની ની દવા આપવામાં આવે છે. છેલ્લા એક માસમાં આ પ્રકારના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વઘ્યું છે તે કોરોનાને કારણે છે તેથી આ રોગની યોગ્ય સમયે સારવાર લેવામાં આવે તો દર્દીના હાથ કે પગ જે તેમની આજીવિકાનું સાધન છે તે બચાવી શકાય છે.