ટીડીએસ સમયસર ન ભરતા ૨૦ ટકા ઉપર પેનલ્ટી તથા તેનું વ્યાજ પણ ભરવું પડશે !
સરકાર દ્વારા અનેકવિધ રીતે ઘણા ખરા નવા નિયમો મહેસુલ અને નાણા મંત્રાલય માટે બનાવવામાં આવ્યા છે ત્યારે દેશમાં કરચોરી અને કરચોરો ઉપર લાલ આંખ કરતા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે નોકરીયાતોએ હવે પાન કાર્ડ અને આધારકાર્ડ આપવું ફરજીયાત છે જો તેમના દ્વારા આ બંને દસ્તાવેજો નહીં આપવામાં આવે તો સીધા જ તેના પગારમાંથી ૨૦ ટકાનું ટીડીએસ કપાઈ જશે. સરકારે આ નિયમ તમામ કર્મચારીઓ માટે અનિવાર્ય બનાવી દીધો છે. સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકયુલરમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓએ આધારકાર્ડ અથવા તો પાનકાર્ડ આપવું ફરજીયાત બન્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સવલત મળતી રહે તે હેતુસર આધારકાર્ડ મારફતે પાનકાર્ડ જનરેટ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સરકયુલરમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે હવે જો કોઈપણ વ્યકિત તેનું પાનકાર્ડ કે આધારકાર્ડ નહીં આપે તો બેંક તેના નિર્ધારિત દરે ટેકસ કાપી નાખશે. જયારે મોટાભાગનાં કર્મચારીઓ તેમના પાનકાર્ડ તો આપે છે પરંતુ તેમને લગતી વિગતો શેર કરવામાં આવતી નથી. ગત બજેટમાં સરકારે બે ઓળખપત્ર બનાવ્યા હતા જેમ કે વ્યકિત પાસે કોઈ સ્થાન ન હોય અને તે વ્યકિતએ કોઈ જગ્યાએ આધારનું અવતરણ કર્યું હોય તો આધારકાર્ડ માન્ય રખાય છે. ટીડીએસ માટે ગણતરી કરાયેલા કર્મચારીની આવક કરપાત્ર મર્યાદાથી ઓછી હોય તો તેઓનો કર કાપવામાં નહીં આવે પરંતુ જયાં કર્મચારીની ગણતરી કરપાત્ર મર્યાદાથી વધતી હોય છે ત્યારે આવકવેરા વિભાગ તેને કપાત પણ કરે છે જો ગણતરી કર ૨૦ ટકાથી નીચો હોય તો તે કરની કપાત ૨૦ ટકાના દરે કરવામાં આવશે જયારે સરેરાશ દર ૨૦ ટકા કરતા વધુનો હોય તો તે દર સરેરાશ કરતા વધુનો કાપવાનો રહેશે. સરકાર આ સાથે એ વાતની પણ કરદાતાઓને સ્પષ્ટતા કરી છે કે પહેલા કરદાતાઓ તેમનું નાણાકિય વર્ષનો ટીડીએસ ભરવામાં ઘણા પ્રકારે લાલીયાવાડી કરતા હતા પરંતુ હવે જે કોઈ કરદાતા તેનો ટીડીએસ સમયસર નહીં ભરે તો તેઓએ ૨૦ ટકા ઉપર તેને લગતી પેનલ્ટી અને બાકી રહેતા ટીડીએસની આવક પરનું વ્યાજ પણ ભરવું પડશે. આ તમામ પગલાઓ જે લેવામાં આવ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સરકાર દેશભરમાં કરની આવક નિર્ધારીત રીતે થતી રહે જેથી જે તરલતા અને આર્થિક મંદીનો જે સામનો કરવામાં આવે છે તે દેશે ન કરવો પડે અને દેશને આર્થિક સઘ્ધરતા પ્રાપ્ત થાય.