આધુનિક વિશ્વમાં ભારતની વિકાસ યાત્રા અત્યારે પુરપાટ ઝડપે આગળ વધી રહી છે ત્યારે આત્મનિર્ભરતાને અસ્પૃશ્યતાનો પ્રયાસ ન બનવા દઈને ચીન જેવા વિકસીત દેશોની સારી બાબતો અપનાવવી જોઈએ
પૌરાણીક યુદ્ધ નીતિ અને રાજનીતિમાં દિગ્વિજય બનવા માટે શત્રુઓના સારા ગુણની સરાહનાની હિંમતને આવડત ગણવામાં આવે છે. રામાયણમાં એક પ્રસંગમાં રામ સૈન્યના બાહુબલી હનુમાનજી અને લંકાપતિ રાવણને જ્યારે દ્વંદ યુદ્ધમાં એકબીજાનો સામનો થયો ત્યારે હનુમાને રાવણને એક જ ઘુસ્તો મારતા તે જમીનમાં અડધે સુધી ખૂંપી ગયો હતો. હનુમાનજીના વારથી વ્યથીત થયા વગર લંકાપતિ રાવણે હનુમાનજીની વિરતાને બિરદાવતા કહ્યું હતું કે, ધન્ય છે તારી જનેતાને હનુમાનજીએ પણ સામે કહ્યું હતું કે, તારી જનનીને પણ ધન્ય છે. હનુમાને પુછ્યું કે, બિરદાવવાનું કારણ શું ત્યારે રાવણે કહ્યું કે, જગતમાં કોઈ એવો નથી કે, રાવણને ભોંય ભેગો કરી શકે પણ તેમે શાના ધન્યવાદ આપ્યા. ત્યારે હનુમાનજીએ કહ્યું હતું કે, હનુમાનનો હાથ પડે અને કોઈ ધરતીમાં ન સમાય એ વિર જ ગણાય, કહેવાનો ભાવાર્થ એ કે દુશ્મનની શક્તિ બિરદાવી તેના કૌશલ્યની કદર કરવી તે સફળ રસ્તાની પહેલી સીડી ગણાય.
વિશ્ર્વમાં અત્યારે ભારતની વિકાસની રફતાર તેજ બની છે અને તેની સીધી હરીફાઈ ચીન સાથે થઈ રહી છે. તેવા સંજોગોમાં ભારતે ચીન સાથેની સ્પર્ધાથી ઉપર ઉઠીને ચીનના ટેકનોલોજી, આવિષ્કાર અને ડિજીટલ ડેટાના ઉપયોગની તૈયારી રાખવી જોઈએ. ઈનોવેશન, ટેકનોલોજી અને વ્યવસાયીક કૌશલ્યનો ભારતે અનુગ્રહ કરતા શિખવું જોઈએ. ભારત પાસે વિશાળ માનવ શક્તિ, પુરતા કુદરતિ સંશાધનોની ઉપલબ્ધી છે ત્યારે ખુબજ કુશળ ઔદ્યોગીક ઉત્પાદન ક્ષમતા ધરાવતા ચીન પાસેથી ઈનોવેશન ટેકનોલોજી શીખવી જોઈએ. ચીન પાસે ઘણી એવી બાબત છે કે જે ભારતના ઔદ્યોગીક વિકાસ માટે આશિર્વાદરૂપ બની શકે તેમ છે. ચીન દરેક ક્ષેત્રમાં સતત નવું સર્જન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની આવડત ધરાવે છે. ઔદ્યોગીક ઉત્પાદન હોય કે કૃષિ ક્ષેત્ર, ફાર્માસ્યુટીકલ ક્ષેત્રની લઈને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ચીન સતતપણે સંશોધનાત્મક ઔદ્યોગીક ઉત્પાદનમાં માને છે. ભારતે પણ ચીનના ઈનોવેશન અને ટેકનોલોજીના અસરકારક ઉપયોગનું કૌશલ્ય અપનાવતા શખવું જોશે. જે શત્રુઓના કૌશલ્યની કદર કરે અને તેના ગુણગાન ગાતા શીખે તે ઈતિહાસમાં સફળ બની રહે છે. આ વાત ભારતે ચીન પાસેથી બૌદ્ધિક અને ઈનોવેશનની આવડત શીખવા માટે બરાબર સિદ્ધ થાય તેમ છે.