૭૦%થી વધુ ઝડપે ફેલાતા કોવિડ-૧૯ના “નવા અવતારથી યુરોપીયન દેશો મોટા જોખમમાં
વિશાળ જનસંખ્યા ધરાવતા ભારતમાં નવો સ્ટ્રેન આવવાથી રોકવો અતિજરૂરી
કોરોના મહામારીને સામે વિશ્ર્વ આખુ જજુમી રહ્યું છે. કોરોનાને નાથી મહામારીના આ કાળમાંથી મૂકત થવા દરેક દેશની સરકારો, વૈજ્ઞાનિકો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો છેલ્લા એક વર્ષથી પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ વાયરસ સામેની ‘સચોટ’ દવા કે રસી શોધાઈ નથી રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા તો આડઅસરની આશંકાને લઈ રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. કોરોના સામે જીતવા દર્દીને કયારે, કેટલા અને કઈ પ્રકરે ડોઝ આપવા તે અંગે હજુ અસ્પષ્ટતા છે.ત્યારે કોરોનાએ તેનું વરવું નવું સ્વરૂપ દેખાડયું છે. કોરોના દરેક તબકકે તેનો ‘કલર’ બદલી રહ્યો છે. જેનું ચિત્ર સ્પષ્ટ કરી ‘સચોટ’ રસી શોધવી વૈજ્ઞાનિકો માટે એક મોટો પડકાર છે. કોરોનાનું જુનુ સ્વરૂપ હજુ ઉકેલાયું નથી ત્યાં વાયરસનું આ નવું ઘાતકી સ્વરૂપ મોટા ખતરાની ઘંટડી સમાન છે.જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે રસીની ‘રસ્સાખેંચ’ને વધુ ગહેરી બનાવી છે.બ્રિટન સહિતના યુરોપીયન દેશો કોરોનાના આ નવા સ્ટ્રેઈનમાં સપડાતા અંધાધુંધી ફેલાઈ ગઈ છે. સ્થિતિ અનિયંત્રીત બની ગઈ હોય, તેમ કોરોના ૭૦ ટકાથી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. જો ભારતમાં આ સ્ટ્રેનની શરૂઆત થશે તો હાહાકાર મચી જશે તેમા કોઈ બેમત નથી.
બ્રિટનમાં કોવિડ ૧૯નું ઘાતક સ્વરૂપ દેખાતા વિશ્ર્વના તમામ દેશો એલર્ટ થઈ ગયા છે.સાવચેતીનાં પગલા રૂપ ભારતે બ્રિટનથી આવતી-જતી તમામ ફલાઈટ પર ૩૧મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લાદી દીધો છે. તેમજ ૨૫મી નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી યુનાઈટેડ કિંગ્ડમથી ભારત આવેલા તમામ મુસાફરોને હોમ કવોરન્ટાઈન થવા આદેશ જારી કરાયા છે. જોકે અત્યાર સુધીમાં ભારત આવેલા ૨૦ જેટલા મુસાફરો પોઝીટવ નોંધાયા છે.
જપેટમાં આવ્યા છતાં ખબર નહિ પડે !!
કોરોનાના નવા સ્ટ્રેનનું સૌથી ઘાતકી લક્ષણ એ છે કે તેની જપેટમાં આવ્યા છતા પણ ખબર નહિ પડે. હાલ યુકેથી આવતી જતી તમામ ફલાઈટ પર પ્રતિબંધ લદાતી મુસાફરો તત્કાલીન પણે વતન પર ફર્યા છે.જેમાંથી વીસેક જેટલા મુસાફરો કોરોના પોઝીટીવ આવતા નવા સ્ટ્રેનનો ખતરો ભારત પર પણ તોળાઈ રહ્યો છે.કોરોનાના આ નવા સ્ટ્રેનનું સૌથી મોટુ જોખમ જ એ છેકે, સંક્રમિત થયાના દિવસો બાદ તે પ્રકારમાં આવે છે. ખબર પડે તે પહેલા તે દર્દી બીજા અનેકો સાથે સંપર્કમાં આવી ચૂકયો હોય છે.
આમ, અજાણ્યે આ નવો સ્ટ્રેન સુપર સ્પ્રેડર બની રહ્યો છે. પાછળથી ‘ઘા’ કરી રહ્યો હોય તેમ કોરોના એકમાંથી બીજા ચાર લોકોમાં ફેલાઈ રહ્યો છે જે જુના ન્યુટેશન કરતા અનેકગણો ઘાતકી સાબિત થયો છે.
પહેલા કરતા પણ હવે, વધુ સાવધ રહેવું પડશે !!
કોરોના મહામારીને કારણે લોકો કાળજી લેતા તો થયા જ છે. પરંતુ કોરોના વાયરસના ‘નવા અવતાર’થી વધુ સાવચેત થઈ જવું પડશે. અનેકગણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો સાર્સ-કોવ-૨ને રોકવા માત્ર ‘રસી’ જ એક ઉપાય છે. એમ માનીને બેસી રહેવું સંપૂર્ણ મુર્ખાઈ ગણાશે. રસીની સાથે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું વગેરે જેવીનાની નાની બાબતોને વધુ ગંભીર ગણી ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી જ બન્યું છે. અન્યથા વિશાળ વસ્તી ધરાવતા ભારતને કોરોનાના નવા સ્ટ્રેનની ઝપેટમાં આવવાથી કોઈ રોકી શકીશું નહિ અને જો એક વખત આમ બની ગયું તો ભરતમાં આ નવો સ્ટ્રેન કાબુમાં લેવો ‘લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.