Abtak Media Google News

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એમ.ફીલ ડિગ્રી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં કેટલીક યુનિવર્સિટીઓ હજુ પણ વિદ્યાર્થીઓને એમ.ફીલમાં પ્રવેશ આપી રહી છે. આ સ્થિતિમાં યુજીસી દ્વારા હવે પછી કોઇપણ વિદ્યાર્થીઓને એમ.ફીલમાં પ્રવેશ ન ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં જો પ્રવેશ ફાળવવામાં આવે ડિગ્રી માન્ય રહેશે નહીં તેવી તાકીદ પણ કરવામાં આવી છે. યુજીસી દ્વારા ગત વર્ષથી એમ.ફીલની ડિગ્રીને અમાન્ય એટલે કે રદ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ પીએચડીમાં પ્રવેશ લેતાં પહેલાં એમ.ફીલ કરતાં હતા.

એમ.ફીલની ડિગ્રી હોય તો તેને કોઇ વિશેષ લાભ પણ મળી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી

એમ.ફીલ કરવાના કારણે પી.એચડીમાં સરળતાથી પ્રવેશ મળી જાય અથવા તો એમ.ફીલમાં જે વિષય પર રિસર્ચ કર્યું હોય તેજ વિષય પીએચડીમાં રાખવાના કારણે વિશેષ સંશોધનમાં સરળતા રહે તે સહિતના કારણોસર એમ.ફીલ કરતા હતા. આ ઉપરાંત અનેક યુનિવર્સિટી સહિતની કેટલીક યુનિવર્સિટીઓ પી.એચડીમાં પ્રવેશ માટે એમ.ફીલ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ આપતી હતી. આમ, પીએચડી કરતાં પહેલા તમામ વિદ્યાર્થીઓ એમ.ફીલ કરતાં હતા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગત વર્ષથી એમ.ફીલની ડિગ્રી રદ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે હવે પછી એમ.ફીલમાં કોઇપણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો રહેશે નહીં.

આ ઉપરાંત એમ.ફીલની ડિગ્રી હોય તો તેને કોઇ વિશેષ લાભ પણ મળી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી હતી. આમ, હવે યુજીસીના આદેશ પ્રમાણે એમ.ફીલનું કોઇ મહત્ત્વ રહ્યું નથી. ગુજરાત સહિત દેશની અનેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને વર્ષ 2024માં એમ.ફીલમાં પ્રવેશ આપવાની તૈયારી કરી રહી છે. જો કે હવે એમ.ફીલ ડિગ્રી માન્ય રહેશે નહિ. યુનિવર્સિટી આ પ્રકારની ડિગ્રી ઓફર કરે તો વિદ્યાર્થીઓએ તેમાં પ્રવેશ લેવા નહીં. કારણ કે યુજીસીએ આ પ્રકારના કોર્સની માન્યતા જ રદ કરી દીધી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને ડિગ્રી મેળવશે તો પણ તેનું કોઇ મુલ્ય રહેશે નહીં તેવી સ્પષ્ટતા પણ યુજીસીએ કરી દીધી છે.

પીએચ.ડી ના કરવું હોય તેના માટે એમ.ફીલ વધુ હિતાવહ: ડો.નિદત બારોટ

જાણીતા શિક્ષણવિદ ડો.નિદત બારોટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, પીએચ.ડીમાં કોર્ષ વર્ક ઉમેરાયા બાદ અઢી વર્ષે પીએચ.ડી પુરૂ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવ્યા બાદ એમફીલ ક્યાંય ઉપયોગી થતું નથી પરંતુ પીએચ.ડી ન કરી શકનારા એમ.ફીલ કરીને સંશોધનમાં કારગત થતા હતું. જો કોઈ વિધાર્થીઓને પીએચ.ડી ના કરવું હોય તો એમ.ફીલ તેના માટે વધુ હિતાવહ છે. એટલે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં ફાયદો પણ છે અને નથી તેમ કહી શકાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.