અબતક-રાજકોટ
સંવત્સરી એટલે વર્ષ. વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.જૈન તિથી પંચાંગના અભાવે ઘણીવાર મૂર્તિપૂજક સમાજ અને સ્થાનકવાસી સમાજની સંવત્સરી એક દિવસ આગળ-પાછળ આવતી હોય છે.
જીવનમાં ચાર પ્રકારના મિત્રો હોય છે. થાલી મિત્ર, તાલી મિત્ર, પ્યાલી મિત્ર અને કલ્યાણ મિત્ર. જ્યાં સુધી બીજાને જમાડતાં રહો અને તે ખુશ રહે તે થાલી મિત્ર. જ્યાં સુધી બીજાના ખિસ્સા ભરતા રહો ત્યારે તાલી પાડતા રહે તે તાલી મિત્ર. જે વ્યસની બનાવી દે તે પ્યાલી મિત્ર. પરંતુ એક એવો કલ્યાણમિત્ર રાખો કે તમારી ભૂલ થાય ત્યારે તમને કહી શકે. પાછા વાળી શકે તે જ સાચો મિત્ર કહેવાય છે.
આજના દિવસે હજારો જૈન સાધુ-સાધ્વીજીઓ ચૌવિહાર ઉપવાસ (નિર્જલા) કરશે. દરેક સાધુ-સાધ્વીજી કેશલુંચન કરેલા જોવા મળશે. હજારો ઉપાસકો નાના-મોટા વ્રત સ્વીકારને વ્રતધારી બનશે. ક્રોધ અને અભિમાનથી કે આવેશમાં કોઇ પણ વ્યક્તિની સાથે ચાહે તે માતા-પિતા હોય કે પત્ની-પુત્ર કે નોકર-ચાકર જોડે વૈર-વિરોધ અને ક્લેશ-કંકાશ થઇ ગયો હોય તો સાચા અંત:કરણથી નમ્રભાવે ક્ષમા માંગવાની છે.
કદાચ એવું બને કે ભૂલ સામેવાળાની હોય અને તમે મોટા હો તો પણ ક્ષમા માંગનાર આરાધક બને છે. અપરાધીના અપરાધને ભૂલીને પ્રેમ અને મૈત્રીનો હાથ લંબાવવાનો છે.
સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે ક્ષમાયાચના કરવાની છે.
અતિક્રમણ ઘણાં કર્યા હવે આજે પ્રતિક્રમણ કરવું જરી છે. આમ તો બોલવામાં મુશ્કેલી પડે તેવા ત્રણ શબ્દ છે. “મારી ભૂલ થઇ ! જેને આટલું બોલતાં આવડી જાય તેને જીવનમાં કોઇ તકલીફ પડવાની નથી. સજા માણસના શરીરને સ્પર્શે છે. ક્ષમા માણસના હૃદ્યને સ્પર્શે છે. ક્ષમા રાખો, ક્ષમા માંગો, ક્ષમા આપો. વેરમાં વિનાશ, પ્રેમમાં વિકાસ છે. વેરમાં વાંધો છે પ્રેમમાં સાંધો છે. બાકી તો ઘણાં ઘરમાં પોપટને બોલતાં શીખવાડાય છે અને પેરેન્ટ્સને મૂંગા રહેવાનું કહેવાય છે. આ પણ આશ્ર્ચર્ય જ છે ને !
‘તુ કરલે સભી જીવો સે કરાર, કરુંગા કિસીસે ન તકરાર : સભી જીવો સે કરુંગા પ્યાર, યહી હૈ સંવત્સરી સમાચાર.’