ખારવાથી માનસર 14 કી.મી.ના ખખડધજ માર્ગનું નવીનીકરણ કયારે…?
અબતક, સંજય ડાંગર
ધ્રોલ
જામનગર જીલ્લાના ધ્રોલના ખારવાથી માનસર રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોય આ બાબતે ગ્રામજનોની અનેક રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાની અંગેની ચર્ચા જાગી છે કારણ કે આ માર્ગ માટેની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે.ખારવા-માનસર વચ્ચેનો ખખડધજ અને આબળ ખૂબડ માર્ગ અંગે જે તે વિભાગના અધિકારીઓ, મંત્રીઓ વગેરેને અનેક રજુઆતો કરવા છતાં ન્યાય ન મળતા છેલ્લે સેવાસેતુ કાર્યક્રમનો આસપાસના સાત ગામના ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવતા જે તે સમયે તંત્ર દોડતું થયું હતું અને મંત્રીઓ મુંઝવણમાં મુકાયા હતા. જેથી તાત્કાલીક ના ધોરણે આ માર્ગ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી જેથી ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો અને સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કારના નિર્ણયને પડતો મુકે સહયોગ આપવા જણાવ્યું હતું.પરંતુ એક કહેવત છે કે પાડે પાડા બાજે અને તેમાં ઝાળ નો ખો થાય આ કહેવત ને સાર્થક કરતી ઘટના અહિ બનવા પામી હોવાની સમગ્ર ધ્રોલ પંથકમાં ચર્ચા જાગી છે.સરકાર દ્વારા ધ્રોલ પંથકના સાત ગામોને જોડતા આ માર્ગની મરામત માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી ટેન્ડરો બહાર પડયા પરંતુ હવે આ માર્ગ માટે કોઇ કોન્ટ્રાકટરો ટેન્ડર ભરવા તૈયાર નથી જેનું કારણ જે હોય તે પરંતુ હાલ તો સરકાર અને કોન્ટ્રાકટરો વચ્ચે ચાલતા ટેકનીકલ મુદ્દાઓ અંગેના ગજગ્રાહથી પ્રજાજનો પરેશાન થઇ રહ્યા છે તે હકીકત છે.
તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કોન્ટ્રાકટરો ટેન્ડર ભરતા ન હોવાની ચર્ચા
જો કે, સ્થાનીક સ્વરાજયની ચુંટણી સમયે વિકાસની વાતુના બણગા ફુંકતા તંત્રએ બીસ્માર માર્ગોની મરામત સાથે હમાપર ઘેલ નદી પર બ્રીજ બનાવવાની મોટા ઉપાડે કરેલી વાતોનું સુરસુરીયું થતું દેખાઇ રહ્યું છે. કારણ કે ચુંટણીઓ પુરી થયા બાદ આ બાબતે તંત્ર ના અધિકારીઓ કે પદાધિકારીઓના દર્શન દુર્લભ થઇ ગયા છે. તેમ પણ ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે.સરકાર દ્વારા મોટા મોટા બ્રીજ તેમજ છ માર્ગિય રસ્તાઓના કામની ગતિ લશ્કરી ધોરણે કરાઇ રહી છે. જયારે ખારવાથી માનસરનો માત્ર 14 કીલોમીટરનો માર્ગ કે જેનું કામ વર્ષોથી ખોરંભે ચડયું છે. અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોવા ઉપરાંત ધુળની ડમરીઓ, ચોમાસામાં ગારો, કીચડ વગેરેની સમસ્યાઓથી ધેરાયેલા ગ્રામજનો તંત્ર અને કોન્ટ્રાકટરો વચ્ચેના ગજગ્રાહમાં પીસાઇ રહી છે.ધ્રોલ પંથકના આ 14 કિલોમીટરના માર્ગના કામ અંગે સરકારી કોન્ટ્રાકટરોની વેદના તંત્રએ પણ સાંભળવી જોઇએ અને યોગ્ય કરી વર્ષોથી 14 કી.મી. માર્ગનો પ્રજાનો પ્રશ્ર્ન હલ કરવા પ્રજાલક્ષી નિર્ણય કરવો જોઇએ તેમ સાત ગામના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.