જો જંગી મતદાન ન થાય તો શું સમજવું ? સર્વગ્રાહી સમીક્ષા અનિવાર્ય !

લોકસભાની અનેક પડકારો વચ્ચે આરંભાયેલી ચૂંટણીના ત્રીજા તબકકાનું મતદાન આજે (મંગળવારે) ઘણે અંશે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. તાજેતરમાં બનેલી કેટલીક સનસનીખેજ અને સંવેદનશીલ ઘટનાઓ પછીના માહોલને અનુલક્ષીને પ્રજામાં  જે ઉત્તેજના છે તે જોતાં અને ચૂંટણી-પ્રચારની જે બિનશોભાસ્પદ ગુણવત્તા રહી તે નિહાળતાં ‘જંગી મતદાન’ થવાની ધારણા હતી. પરંતુ તે કેટલેક અંશે સાચી પડી નથી.

અહીં એવું નોંધવું પડે તેમ છે કે, રાજકીય લાભા લાભની અને નિજી સ્વાર્થની ગણતરીઓ વિના ભારતના રાજકીય પક્ષો તેમજ રાજકારણીઓ કશું કરે જ નહિ ! ભારતીય રાજકારણનું આ એક સનાતન સત્ય છે.

આપણે સૌ જાણીએ છીએ કે, શ્રેણીબઘ્ધ બોમ્બ વિસ્ફોટો મતિભ્રષ્ટતામાંથી જન્મતા બિહામણાં કૌભાંડો, બેકાબુ  ભ્રષ્ટાચાર, રાજકીય ગુંડાગીરી, હલકટ પક્ષપલટા, આતંકવાદી ભાંગફોડ, કાળજાળ મોંધવારી, બેલગામ વહિવટી ખર્ચાઓ તથા કરબોજ વગરે દુરાચારની યાદી શહેરોમાં તેમજ ગામોમાં લંબાતી જ રહી છે. સૈનિક દળ અને પોલીસ દળ બે પગલાં આગળ જાય છે. તો બે પગલાં પાછળ જાય છે!

આર્થિક ક્ષેત્રે પણ હાકલા પડકારા સિવાય અધોગતિની જ બુમરાણ કિસાનો, વેપારીઓ બેન્કો અને પ્રજાના જુદા જુદા વર્ગોમાં મચ્યા કરે છે. ‘નોટબંધી’થી માંડીને બેન્કોની બેહાલીએ સર્જેલી મુંઝવણો તથા મુશ્કેલીઓ વચ્ચે વેપાર, ધંધા, રોજગાર સારી પેઠે નબળા પડયા હોવાની બળતરા જેમની તેમ રહી છે!

સરકારી કારોબારમાં લગભગ બધે જ ‘જો હુકમી’વધી છે. ગોલમાલ, ગેરરીતિઓ અને ગેરવહિવટે માઝા મૂકિ હોવાનો પોકાર સઘળે ઉઠયો છે. કેન્દ્ર અને રાજયોનાં શાસનમાં રીતસર લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપો થઇ રહ્યાં છે.

રાજકીય પક્ષો અને તેમના જુદા જુદા ફિરકાઓના નેતાઓને હવે દેશનું, નિર્દોષ નાગરીકોનું હિત જો હૈયે વસેલું હોય તો તેમણે એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઇએ. ભાજપ કાંઇક કહે એટલે કોંગ્રેસે વિરોધ કરવો અને કોંગ્રેસ કાંઇક કહે એટલે ભાજપે બમણા જોરથી વિરોધ કરવો, એવી બાલીશ ખેંચતાણ હવે વિલંબ વિના બંધ થવી જોઇએ.

આપણા દેશમાં પ્રજાનું એકધારૂ વિધટન થઇ રહ્યું છે. રાજસત્તા અને ધર્મસત્તા, એમ બન્ને સત્તાનીઅતિ બિહામણી લાલસામાં આવા વિધટનન બળ આપે છે.‘એ સ્ટુપિડ કોમનમેન’(નસીરૂદ્દીન શાહ) ફિલ્મનાં અંતમાં એમ કહેવાયું છે કે, ‘આપણી આ વ્યવસ્થા અત્યારે તદ્દન સડી ગઇ છે’

‘ધ હોલ સિસ્ટમ ઇઝ રોટન’ સ્હેજ ભાર આવતાં સિસ્ટમના કાંગરા ખરવા લાગ્યા છે. એક દેશ તરીકે આપણે ‘લકવાગ્રસ્ત’ બનતા જઇએ છીએ. આપણી શારિરિક અને માનસિક ક્ષમતાને લૂણો લાગવા માંડયો છે. આતંકવાદ સામે આપણી નિ:સહાયતા ઉઘાડી પડી ગયા વિના રહેતી નથી.તમામ ક્ષેત્રે આપણી નિષ્ફળતા ખુલી થઇ છે.દેણાનાં ડુંગર વચ્ચેય આપણી સરકાર ખૂલી પડી ગઇ છે એવા આક્ષેપ સાથે વિપક્ષો ‘બહાના બાજી’બંધ કરવાની ટકોર પણ કરી છે!

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં જંગી મતદાનની જે ધારણા હતી તે ખોટી પડી હોવાના કારણો સંભવત: ઉપર દર્શાવેલ છે તે હોઇ શકે!… હવે પછીની સરકારે એને લક્ષમાં લીધા વગર અને તે અંગે આવશ્યક પગલાં લીધાં વગર નહિ ચાલે !

બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે, આઝાદી સાંપડયા બાદ આપણા દેશે સંસદીય લોકશાહી પઘ્ધતિનું શાસન અપનાવ્યું  હતું. કમનશીબે, આ દેશની પ્રજાને એને લગતું શિક્ષણ આપ્યું ન હોતું. એને લીધે આ દેશના મતદાર – લોકોને ‘મત’નાં મૂલ્ય, મતદાનની મહત્તા, અને લોકશાહી શાસનમાં જે ફરજો- જવાબદારીઓ બજાવવાની રહે તેની સમજણથી તે તદ્દન વંચિત રહી હતી. આટલા વર્ષો પછી પણ એ ઉણપ જેમની તેમ રહી છે !

આપણા દેશનાં બંધારણને લગતું શિક્ષણ પણ આપણા પ્રજાજનોને આપવું પડે તેમ છે.એમનું મતનું મૂલ્ય અને મતદાનની મહત્તાની સમજ આપતી વખતે કદાચ એમ પણ કહેવું પડશે કે, તમે હરિમંદિરે દર્શન કરવા અને પ્રાર્થના કરવા જામ્યો છેો, તે રીતે જ મતદાન કરવા જાઓ એ જરુરી છે, જે ભૂમિ પર આપણે જન્મ્યા, જે ભૂમિનું પોષણ પામ્યા અને ખડા થયા એ માતૃભૂમિનું આપતા સહુ, ઉપર ઋણ છે. મતદાન દ્વારા માતૃભૂમિનું ઋણ અદા કરીએ એ આપણો ધર્મ છે!

જયાં સુધી આ દેશની પ્રજાને ‘મત’ ની કિંમત સાચા અર્થમાં નહિ સમજાઇ જાય, મતદાનની મહત્તા સંપૂર્ણપણે નહિ સમજાઇ જાય,ત્યાં સુધી ચૂંટણીઓમાં જંગી મતદાન નહિ સંભવે ! ગરીબ પ્રજાનુ ભોળપણ મિટાવવાનું અને લાલચોથી ભરમાઇ જવાની નિર્બળતા દૂર કરવાનું શિક્ષણ એને આપ્યે જ છૂટકો છે. નહિતર લોકશાહી મરી પરવારશે અને તાનાશાહી આ દેશની છાતી પર ચડી બેસશે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.