ગુજરાત સરકાર ગૌ-સંસ્કૃતિની પુન:સ્થાપના માટે કટીબધ્ધ: ડો.વલ્લભભાઇ કથીરીયા
ગુજરાત સરકાર દ્વારા ગૌસંસ્કૃતિની પુન: સ્થાપના હેતુ ગૌરક્ષા, ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત આર્થિક સામાજીક અને આધ્યાત્મિક વિકાસ અર્થે ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌસંવર્ધનને પ્રોત્સાહિત કરવા ખેડૂતો, ગામ લોકો અને ગૌપાલકો ગાયો પાળતા થાય તે જરૂરી છે. ગાય જો આર્થિક રીતે પરવડે તો જ ખેડૂતો, ગૌ પાલકો ગાય સાચવશે.
ઘાસચારો ખૂબજ મોંઘો થયો છે. ખાણ – દાણ મોંઘુ થયું છે. ગાયની નબળી ઓલાદને કારણે દૂધ ઓછું પ્રાપ્ત થાય છે. ઉપરાંત ફેટ આધારિત દૂધના ભાવની પ્રથાને કારણે ગાયના દૂધના ભાવ ઓછા મળે છે. ગૌમૂત્ર અને ગોબરનો સમુચિત ઉપયોગ થતો નથી. બળદ ખેતી માટે વપરાતા નથી. આમ સરવાળે ગાય પાળવાની પોસાતી નથી એવું અર્ધસત્ય પણ સામાન્ય તારણ સમાજમાં પ્રવર્તે છે.
– ગૌચર એટલે શું?
ભારતીય સંસ્કૃતિમાં સુચારૂ અને સુદઢ સમાજ માટે વૈદિક કાળથી સમાજના ભિન્ન ભિન્ન અંગો અને ક્ષેત્રોનો વિચાર કરી સમજપૂર્વકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી જ એક વ્યવસ્થા એટલે ગૌચર જનતા ગાય પાળે અને ગૌપાલન-ગૌસંવર્ધન દ્વારા આર્થિક રીતે સમૃધ્ધ થાય તે માટે ગામડે ગામડે આપણા પૂર્વજોએ ” ગૌચર જમીન” આદર્શ જોગવાઈ કરેલ છે. ગૌશાળા અને પાંજરાપોળોને પણ ગૌચર માટે વીડીઓ ફાળવી છે. ગુજરાતમાં 72000 હજાર એકરથી વધુ ગૌચર જમીન પાંજરાપોળ -ગૌ શાળાની તેમની માલિકીની છે. આ ઉપરાંત દરેક ગામમાં નાના મોટા ગૌચર પણ સરકારી દફતરે નોંધાયેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જમીનનો કુલ વપરાશ 187.7 લાખ હેકટર છે. જેમાં 110 લાખ હેકટર જમીન ખેતી, 11.63 લાખ હેકટર બીન ખેતી વપરાશ હેઠળ, 18.33 લાખ હેકટર વન વિસ્તાર હેઠળ, 8.53 લાખ હેકટર જમીન ગૌચર હેઠળ અને 1.76 લાખ હેકટર જમીન બીન ઉપયોગી વપરાશ હેઠળ આવેલી છે. આમ જોતા ગાયો અને પશુધન માટે ખેતીની જમીનમાં ખેડૂતો દ્વારા ઉગાડાતો ઘાસચારો, વન વિભાગ દ્વારા ઉગાડાતો ઘાસચારો અને ગૌચરચરિયાણ તથા બીનઉપયોગી પડતર જમીનમાં ઉગતુ ઘાસએ ઘાસચારાઅને પશુ આહારના સ્ત્રોત છે.
– ગૌચર શા માટે?
અગાઉ જણાવ્યા મુજબ લીલો અને સૂકો ચારો વાગોળતા પશુઓનો મુખ્ય આહાર છે. ઘાસચારા અને ગૌચરના ચરિયાણ દ્વારા પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, રેષા, ખનીજ તત્વો, વિટામિન્સ અને ઔષધિય તત્વો મળી રહે છે. ગૌચરમાં ધાસની સાથે અનેક કુદરતી ઔષધિય વનસ્પતિઓ ઉગે છે. ચરિયાણના કારણે પશુ તેને ભાવતી વનસ્પતિ સુંધીને સુંધીને ખાય છે. ખુલ્લા ચરિયાણને કારણે પગ મોકળા થાય છે. તંદુરસ્તી જળવાઈ રહે છે. વધુમાં દૂધની ગુણવતામાં વધારો થાય છે. જે માનવ શરીરને તંદુરસ્ત અને નિરોગી – નિરામય આયુષ્ય બક્ષે છે. પર્યાવરણની રક્ષા થાય છે. આ છે ગૌચર-ચરિયાણની ઉપયોગીતા થાય છે.
– ગૌચર સુધારણા માટે શું કરવું?
સૌ પ્રથમ તો ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા “ગૌચર વિકાસ સમિતિ” બનાવવી આવશ્યક છે. જેમાં ધાર્મિક, સામાજીક, રાજકીય આગેવાનો, ખેડૂતો, પશુપાલકો, શિક્ષકો, ગ્રામ સેવકો, ગૌભકતો, દાતાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો, અનુ.જાતિ/ જનજાતિના આગેવાનો વગેરેનો સમાવેશ થાય. ગૌચર સુધારણા સમિતિ નકકી કરે તે મુજબ સમિતિ પોતે યા તો ગામના યુવક/ સખીમંડળ/ ગરબી, ધાર્મિક મંડળો, ગૌશાળા, ગૌસેવા સમિતિ યા તો અન્ય નિશ્ચિત કરેલી સામાજીક સંસ્થાને ગૌચર સુધારણાનું કાર્ય સોંપાયઅને આ સમિતિ ઉપરાંત તાલુકા કક્ષાની સમિતિ કામનું મોનીટરીંગ કરે. ગ્રામ સભા બોલાવી ઉપરોકત કાર્યવાહી કર્યા બાદ સંસ્થાને કામગીરીની સોંપણી કરશે. આ સમિતિ ગામ તળમાં આવેલી પંચાયત હસ્તકની સરકારી જમીન કે જે ગૌચર તરીકે સરકારી દફતરે નિમ થયેલી હશે તેના ઉતારા કાઢી પ્રત્યક્ષ સર્વે કરશે અને જમીનની ખરાઈ કરશે. ગામમાં ઉપલબ્ધ હયાત જમીનમાંથી અનુકૂળતા મુજબ પ્રથમ તબકકે ર0 હેકટર જમીનના એક, બે કે વધુ ટુકડા ગૌચર સુધારણા માટે નકકી કરશે. અને તેની સેટેલાઈટથી માપણી કરી હદ મર્યાદા નિશ્ચિત કરશે.
– ઉદાહરણરૂપ ગોચરો :
ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. ગૌરસેવકો અને ગૌ ભક્તો સ્વયંભૂ ગૌ સેવાના પૂણ્ય કાર્યમાં કાર્યરત છે. અનેક ગામોમાં આવા ગૌ વ્રતી કાર્યકર્તાઓ દ્વારા ગૌચર સુધારણાનું કામ કરવામાં આવેલ છે. ધર્મજ, મંડલીકપુર, બેટ દ્વારકા, રાણા કંડોરણા, ચુડવા, ખડીયા, માલપરા, મોરબી, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, ઉંઝા, ઇડર જેવા અનેક ગામોમાં સ્વયંભૂ કોઠાસૂઝથી શ્રેષ્ઠ ગૌચર સુધારણાના ઉત્તમ પ્રયોગો વિદ્યમાન છે. ધામણ જીંજવોથી માંડી આધુનીક પ્રકારના ઘાસના અનેક બિયારણો, છાંટી ચરિયાણ ઘાસની સુવિધા ઉભી કરી છે. તો ક્યાંક જમીન ખેતી લાયક હોવાથી ખેડ કરી જુવાર, બાજરો, જીંજવો, મકાઇ જેવા ઘાસચારાના પાકો લેવામાં આવે છે. જેનો ઉપયોગ લીલા અને સુકા ઘાસચારા તરીકે કરીને ગાયોનું પાલન પોષણ ઉત્તમ રીતે કરવામાં આવે છે.