- આજના યુવાવર્ગે ટાઇમ મેનેજમેન્ટ સાથે પેઇન મેનેજમેન્ટ પણ શીખવું પડશે: દુ:ખ અને દુ:ખાવો અલગ છે, પણ એને યોગ્ય રીતે ટેકલ કરવું જ પડે છે
- આજના યુગમાં દરેક માનવીએ નવું કાંઇ ન મળે તો ચાલશે પણ, મળેલું ખોવાય ન જાય તે જોવાની જરૂર છે: જીંદગીના રસ્તા સીધા અને સરળ જ હોય છે પણ મનનાં વળાંકો ખુબ નડે છે
સંસાર યાત્રા આપણાં જીવનમાં ઘણા વણાંકો આવે છે, તેમાંથી આપણી સમજદારી મુજબ હલ કાઢીને આપણે જીવતાં હોય છીએ. કોઇ ગમે તેટલું બોલે પણ પોતાને શાંત રાખી શકે એ સૌથી શ્રેષ્ઠ બાબત ગણી શકાય. તડકો ગમે તેટલો તેજ હોય પણ દરીયાને સુકવી શકતો નથી. આજના યુગમાં ભણેલા કે અભણ હોય પણ સલાહ આપવામાં પહેલા હોય છે. દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ સલાહ જ છે. આપણી મુશ્કેલીમાં મદદ કરનારા બહુ ઓછા મળે છે, પહેલા કરતાં આજના યુગમાં જીવન જીવવા કે નિર્વાહમાં ઘણો બદલાવ આવ્યો છે.
આપણાં દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ યુવાવર્ગ છે જેને જીવનશૈલી સાથે તેને શ્રેષ્ઠ રીતે કેમ જીવાય તે શીખવાની જરૂર છે. શ્રધ્ધાવાન અને પોતાની ક્ષમતાને જાણનાર યુવાન સારી પ્રગતિ કરી શકે છે. શ્રધ્ધા એક્સપાયર થાય તો અંધશ્રધ્ધા જન્મે છે અને વિશ્ર્વાસ અપગ્રેડ થાય તો આત્મવિશ્ર્વાસ વધે છે. આજના યુવાનોએ ઘણું શીખવાની જરૂર છે. એક સારો કાઉન્સિલર તેની જીંદગી બદલી શકે છે. સતત નવું-નવું શીખતું રહેવાથી જ યુવાવર્ગનું ડેવલપમેન્ટ થાય છે. દરેક યુવાનમાં અફાટ શક્તિ પડેલી છે તેને જાણીને સતત પરિશ્રમથી કંઇક નોખું અને અનોખું જીવન જીવવું પડે છે.
આજના યુવાવર્ગે ટાઇમ મેનેજમેન્ટ સાથે પેઇન મેનેજમેન્ટ પણ શીખવું પડશે. જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીમાં નાસીપાસ ન થઇને ધીરજ અને સમજદારી સાથે વડીલોના માર્ગદર્શનથી સતત આગળ વધતા રહેવાનું નક્કી કરવું જ પડશે. દુ:ખ અને દુ:ખાવો બન્ને અલગ છે, આપણે ઘણીવાર કોઇકને કહીએ છીએ તને કેમ પેટમાં દુ:ખ્યું? પરિસ્થિતિ, ગરીબી, મજબૂરી, લાચારીને કારણે કે કોઇ આફતને કારણે દુ:ખ આવે છે જ્યારે દુ:ખાવો શરીરનો હોય છે. જેમાં ડોક્ટરની જરૂર પડે છે. એક વાત નક્કી છે કે ઘણીવાર વિચારો મગજ સાથે કનેક્ટ હોવાથી બેચેની કે ઊંઘ ન આવે તેવું બની શકે છે.
ઘણાં દિવ્યાંગો જન્મજાત કે અકસ્માતે શરીરનાં અંગોની ખામી આવે ત્યારે તેની સાથે આનંદથી કેમ જીવી શકાય તે શીખી લેતા તેનું જીવન બીજા માટે પ્રેરણારૂપ બને છે. આજના યુગમાં ઘણાં દિવ્યાંગો સારા માણસ કરતાં ઘણું સારૂ કાર્ય કરતા જોવા મળે છે. આજ તેના પેઇન મેનેજમેન્ટની સફળતા ગણી શકાય છે. ઇશ્ર્વર તરફથી મળેલા સુંદર શરીરની જાળવણી કરવી અતી જરૂરી છે તેને સારી રીતે જીવીને મહાજીવન સાથે જોડવું જોઇએ. આજના યુગમાં યુવાનોએ પોતાની શરીર ફિટનેશ ઉપર પણ ધ્યાન આપવું પડશે. કારણ કે અત્યારની જીવનશૈલીથી ઘણા રોગો સામે શરીર સ્વસ્થતા સારી હશે તો બચી શકશે. સારી તંદુરસ્તી જ સારા વિચારો આપી શકે છે.
આજે સૌ કોઇ પોતાને જે મળ્યું છે તેનાથી સંતુષ્ટ ન હોવાથી તેને ઘણી બધી ઇચ્છાઓ તે વસ્તુ મેળવવા તે સતત ઝખતો જોવા મળે છે. મળેલામાં જ આનંદ માણનારા લોકો આજે પણ સુખી રહી શકે છે. ઝુપડપટ્ટીમાં રહેતા લોકો પાસે તો કશુ ન હોવા છતાં તે તેની સ્થિતિમાં પણ આનંદ માણી શકતા હોય તો આપણી પાસે તો બધુ જ છે તેનાંથી સંતોષ માણવો જરૂરી છે. આપણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ હાથે ઉભી કરીએ છીએ.
આજના યુવાવર્ગમાં જીવન કૌશલ્યોની ખીલવણીનો અભાવ હોવાથી તે તેનો સંર્વાગી વિકાસ કરી શકતો નથી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તરૂણો, કિશોરો અને યુવાવર્ગ માટે સ્વ.વિકાસ, નિર્ણયશક્તિ, સમસ્યા ઉકેલ, સમાનુભૂતિ જેવી વિવિધ 10 લાઇફ સ્કીલ આપી છે. જેને હસ્તગત કરીને યુવાવર્ગ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. મળેલામાં આનંદ માણવો, જીંદગીનો રસ્તો સરળ અને સિધો જ હોય છે પણ આપણાં મનના વણાંકો જ તેને નડી રહ્યા છે.
આજના યુગમાં જે દેખાય છે તે ક્યારેય સાચુ હોતું નથી ફરક માત્ર આપણે તેને જોવાની દ્રષ્ટિ પર છે. હકારાત્મક વલણ અર્થાત પોઝિટીવીટી જીવનમાં સૌથી અગત્યની છે. નેગેટીવીટીથી પણ કુવિચારોને કારણે ઘણી સમસ્યાઓને સામેથી આમંત્રણ આપીએ છીએ.
જીવનમાં શ્રધ્ધા, વિશ્ર્વાસ, પ્રેમ, હુંફ અને લાગણીઓનું વિશેષ મહત્વ છે. આજના યુગમાં માનસિક સ્વાસ્થ્યનું વિશેષ મહત્વ છે. ભૂતકાળની યાદો વાગોડીને વર્તમાનને પણ ખરાબ કરનારા હજારો લોકો પોતાનો આનંદ માણી શકતા નથી. રાત્રે ઇશ્ર્વરનો આભાર અને સવારે ઉઠતાવત નવજીવન મળ્યાનું સ્વાગત જ જીવન છે. જે જોઇતું હતું તે મેળવી લો એટલે સફળતા મળી કહેવાય, પણ જેટલું છે તેમાં આનંદ માણો તેને સાચુ સુખ કહી શકાય. બધી જ આંકાક્ષાઓનો અંત એટલે પરમશાંતિ કહેવાય. આપણાં દુ:ખનું કારણ આપણી પાસે ભવિષ્યના સારા આયોજન કરતાં ભૂતકાળનું અધકચરૂ જ્ઞાન વધારે જવાબદાર છે.
આજની સવાર એટલે બાકી રહેલ જીંદગીનો પહેલો દિવસ !!
જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ ક્યાં હો કિસને જાના. જીવનમાં ઇચ્છાઓ ક્યારેય મરતી જ નથી, જીવનને માણવુંએ કલા છે જેને સૌએ સમજવાની જરૂર છે. સતત હસતા ચહેરા સાથે ટ્રેસ મુક્ત જીવન જ શ્રેષ્ઠ જીવન ગણી શકાય. સારી રીતે જીવન જીવવાના ઘણા મંત્રો છે તે પાળવા જોઇએ. આજની સવાર એટલે બાકી રહેલ જીંદગીનો પ્રથમ દિવસ ગણી શકાય અને આ વાત જેને સમજાઇ ગઇ તેનો બેડો પાર થઇ જાય.
સમગ્ર વિશ્ર્વમાં મળવું, છુટ્ટા પડવું, જન્મ, મૃત્યું, વિકસવું કે સંકુચિત થવા જેવી વિવિધ ઘટના સંસારી જીવનમાં સતત બનતી જ રહેવાની છે, આપણે તેની આસપાસ ફરતા રહેવાની ભૂલ કરીએ છીએ. જીવનમાં બદલાવ લાવીને વિકાસ કરવો અને સતત વિસ્તરતું રહેવુ એક કલા છે, જીવન કલા છે, આર્ટ ઓફ લીવીંગ છે. કોઇકના જીવનમાં રંગો બનીને જીવો અંધકાર બનીને નહીં. આજે એકબીજાને નીચા દેખાડવાના યુગમાં માનવી પોતે જ મળેલા સુખને દુ:ખમાં પરિવર્તિત કરે છે.