- ‘હું અને રમેશભાઈ ધડુક પાંચ વર્ષ સાથે મળી લોકોની સેવા કરીશું’ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાનું આ નિવેદન ભાજપની શિસ્તબધ્ધતા દર્શાવે છે
- ભાજપ એક-એક મતની ચિંતા કરે છે જેથી સફળતા હાંસલ કરી રહ્યું છે, અન્ય પક્ષો નિષ્ફળતાથી નાસીપાત થઈ જાય છે
- રૂપાલાને જીતાડવાની જવાબદારી મેં લીધી છે: કુંડારીયાનું વચન
- કાર્યકરોના ભરોસે જ ભાજપ કોઈપણ નેતાને કોઈપણ બેઠક પર લડાવવા અને જીતાડવાની હિંમત તાકાત ધરાવે છે
- મતદારોને કેવી રિતે સાચવવા તે નીતિ-રિતી અન્ય રાજકીય પક્ષોને ભાજપ પાસેથી શિખવાની આવશ્યકતા છે
‘ભાજપનો કાર્યકર્તા કયારેય હારતો નથી હંમેશા જીતે છે અથવા શીખે છે’ પૂર્વ વડાપ્રધાન-ભારત રત્ન અટલબિહારી વાજપેયીના સુત્રને ભાજપના કરોડો કાર્યકરોએ ગાંઠે બાંધી લીધી છે. કાર્યકરોની પ્રત્યેની પંચનિષ્ઠાના કારણે પક્ષને નિર્ણય લેવામાં કયારેય પડકારનો સામનો કરવો પડતો નથી. હાલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર ડો. મનસુખભાઈ
માંડવીયા પોતાના મત વિસ્તારના પ્રવાસ પર છે તેઓએ ગઈકાલે એક નિવેદન આપ્યું હતુ કે, ડબલ એન્જિન સરકાર માત્ર સત્તા માટે નહી સેવા માટે પણ કામ કરી રહી છે. હું અને રમેશભાઈ ધડુક પાંચ વષ સુધી ખંભે ખંભા મિલાવી લોકસેવા કરીશું આ વાકય જ ભાજપના કાર્યકરોના સંસ્કારોને ઉજાગર કરે છે.
ભાજપ દ્વારા ગુજરાતની 15 સહિત અલગઅલગ રાજયની 195 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જેની ટિકીટ પર કાતર ફેરવી દેવામાં આવી છે.તેઓએ પણ પક્ષના શિર્ષ નેતૃત્વના આ નિર્ણયને શિરોમાન્ય ગણી સ્વીકારી લીધો રાજયસભાના જે સાંસદોને રિપીટ કરવામાં ન આવ્યા અને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા તેઓએ પણ આ નિર્ણયની સરાહના કરી પક્ષ માટે અમે બધુ કરવા તૈયાર છીએ તેને મૂળભૂત સિધ્ધાંત બનાવી કામે લાગી ગયા છે.
સામા પક્ષે કોંગ્રેસ દ્વારા ગઠબંધનના ભાગરૂપે ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી છે. ત્યાં તણખા ઝરવાનું શરૂ થઈ ગયું છે. ભાજપમાં ચૂંટણી પહેલા ટિકીટ મેળવવા માટે અનેક દાવેદારો હોય છે. પરંતુ ઉમેદવાર નકકી થયા બાદ તમામ દાવેદારો એક શિસ્ત્બધ્ધ સૈનિકની માફક પક્ષે નકકી કરેલા સેનાપતિને મજબુત બનાવવા માટે ચૂંટણીનોજંગ જીતવા માટે કામે લાગી જાય છે.
ભાજપ માસ વોટરની ચિંતા તો કરે છે સાથોસાથ એક એક મત અંકે કરવા માટે પણ આયોજન કરવામાં આવે છે. અલગ અલગ સમાજમાં વર્ચસ્વ ધરાવતા બિન રાજકીય લોકોને પણ ભાજપ હવે પોતાની તરફ આકર્ષિ રહ્યું છે. આવા લોકો ભલે કયારેય ચૂંટણી લડવાના નથી પરંતુ પરિણામ પર તેઓને વિશેષ પ્રભાવ જોવા મળે છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલાનું હોમ ટાઉન ખરેખર અમરેલી જિલ્લો છે જયારે પોરબંદર બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવીયાનો ગઢ ભાવનગર છે છતા માત્રને માત્ર કાર્યકરના ભરોસે ભાજપ કોઈપણ નેતાને ગમે ત્યાંથી ચૂંટણી લડાવી અને જીતાડવાની તાકાત ધરાવે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ ગુજરાતમાંથી રાજયસભામાં મોકલવામાં આવ્યા છે. ચૂંટણી કે ઉમેદવારના નામ જાહેર કરાયાના મહિનાઓ અગાઉ ભાજપ દ્વારા અલગ અલગ પ્રકારના અનેક સર્વ કરાવવામા આવે છે. કોને કાપવાથી કે કોને સાઈડ લાઈન કરવાથી પરિણામ પર શું ફેર પડી શકે છે તેની પણ પૂરેપુરી ચકાસણી કરી લ્યે છે.
ભાજપ એક એવી રાજકીય પાર્ટી છે જેનું મેનેજમેન્ટ કોર્પોરેટ કંપનીથી પણ સવાયું છે. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે. કોંગ્રેસ સહિતની અન્ય એકપણ રાજકીય પાર્ટી પાસે આવું વિજન નથી જેના કારણે સફળતા મળતી નથી ભાજપની વિચારધારા સાથે જોડાનારા નેતા કે વ્યકિતને એક ચોકકસ ‘ગેરંટી’ આપવામાં અવે છે.અને આ ‘ગેરંટી’ પુરી કરવામાં આવશે. તેવી વિશેષ ‘ગેરંટી’ આપવામાં આવતી હોવાના કારણે કદાવર નેતાને પણ ભાજપમાં જોડાવવામાં કોઈ જ વાંધો કે સંકોચ હોતો નથી.
કાર્યકરો અને એક ચોકકસ વિચારધારા ભાજપની સૌથી મોટી મૂડી છે. જેની ટિકિટ કંપાય હોય તે એવું માની કામે લાગી જાય છે કે જયારે અમને ટિકીટ આપવામાં આવી હશે ત્યારે પણ કોઈની ટિકિટ કાપવામાં આવી જ હશે ને આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેના કારણે પક્ષ સામે બાંયો ચડાવવી કોઈ વિકલ્પ નથી કામ કરતા રહીશું તો પક્ષ આ વાતનું ધ્યાન રાખી ભવિષ્યમાં ફળ આપશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને દિલ્હીથી તેડું: 11 બેઠકો માટે નામ કરાશે ફાઇનલ
ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ગત શનિવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં 195 બેઠકો માટે મુરતિયા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની 26 પૈકી 15 લોકસભા બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે રાજધાની દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળનારી છે. જેમાં 200 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવશે. દરમિયાન આજે સવારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અચાનક દિલ્હીથી તેડું આવ્યું હતું. તેઓ બપોર બાદ દિલ્હી જશે. ગુજરાતની લોકસભાની 11 બેઠકો માટે ઉમેદવારના નામ નક્કી કરવાના બાકી હોય જેના માટે ચૂંટણી સમિતિના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સંગઠન કેટલાક હોદ્દેદારોને પણ દિલ્હીથી તાકીદનું તેડૂ આવ્યો હોવાનું
જાણવા મળી રહ્યું છે. બપોર બાદ સીએમ દિલ્હી જવા માટે રવાના થશે સંભવત: કાલે મોડી રાત્રે અથવા સોમવાર ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવે તેવું લાગ્યું રહ્યું છે.