ત્રણ ઇ-મેમો થઇ જવા છતા વાહન ચાલકો દંડ ન ભરતા જૂનાગઢ જિલ્લા એસપીએ નિયમોનું પાલન કરાવવા લીધો નિર્ણય
જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ઇં ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા મોકલાયેલા ઈ મેમોનો દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીના આકરા પગલાંઓ ભરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલનની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે, પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇં મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાથી જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાને આવતા આવા ઇશમો સામે કાર્યવાહી કરવા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
જૂનાગઢ વાસીઓ, નાગરિકો પોતાના વાહનને ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે https://echallanpayment.gujarat.gov.in/ ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. અથવા ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે “નેત્રમ” કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ ખાતે રૂબરૂ ભરી શકાશે.
આવા ઈ ચલન દ્વારા આપવામાં આવતા ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન પણ ડીટેઈન કરવાની કાર્યવાહી તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ થવાની કાર્યવાહી થઈ શકે છે. જેથી જે જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.