જીપીએસસી ચીફ ઓફિસરથી લઈ જુનિયર ક્લાર્ક સુધી… દર વખતે સરકારના દાખલા બેસાડવાના દાવા, છતાં પેપર લીક થાય છે!!!
કોણ કોને આશ્વાસન આપે? 2014 થી શરુ થયેલો પેપરલીકનો સીલ સીલો કેમ બંધ નથી થતો?
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. જો કે આ પ્રથમવાર નથી બન્યું કે પેપર લીક થયા હોય, દેશની કરન્સી કે જે પુરી ગુપ્તતા સાથે છપાય છે ત્યારે પેપરલીક થવાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જે રીતે ચલણી નોટમાં ગ્રાહકને રૂપિયા દેવાનું વચન આપવામાં આવે છે અને તેને તે રૂપિયાનું પૂરું વળતર મળે છે ત્યારે આ તો વિધાર્થી એટલે કે દેશના ભાવિનો સવાલ છે. વિધાર્થીઓ વર્ષ આખું મેહનત કરતા હોય છે ત્યારે આવા પેપર લિકની ઘટના થાય તો વિધાર્થીઓને ક્યાંનો ન્યાય?પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.
પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. ધો.10-12ની બોર્ડ પરીક્ષાથી માંડી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના પેપરો સુરક્ષાને લઈને રાજ્ય બહારની એજન્સી-પ્રિન્ટીંગ પ્રેસ પાસે પ્રિન્ટીંગ કરાવાય છે છતાં ભરતી પરીક્ષાના પેપરો ફુટી જતા હોય સરકાર પાસે રાજ્યમાં જ પ્રિન્ટીંગની કે ઓનલાઈન ફુલ પ્રુફ સીસ્ટમ નથી. ભરતી તો દૂર સરકાર પરીક્ષા જ લઈ શકતી ન હોવાનો બળાપો હાલમાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. રાજ્ય બહાર ઘણા પેપરોનું પ્રિન્ટિંગ થાય છે.
લાખો પેપરોનું પ્રિન્ટીંગ રાજ્ય બહાર પેપરો પ્રિન્ટિંગ કરવા કરવાનું હોય છે ત્યારે મોટા ભાગે પ્રિન્ટીંગ સુધીની કામગીરીમાં ભરતી પરીક્ષાઓમાં પ્રિન્ટીંગ પ્રેસમાંથી 200થી300 માણસો પ્રત્યક્ષ રીતે જોડાતા હોવાથી પેપરફુટવાનો પ્રશ્ન હોય છે. કેન્દ્ર સરકાર બજેટ છાપે તો પણ છાપનારને 15 દિવસ સુધી બહાર જવા દેતી નથી અને ગુજરાત સરકાર પરીક્ષાના પેપરો ગુજરાત બહાર પ્રિન્ટીંગ કરાવે છે. જેમાં તે સફળ રહેતી નથી. દર વર્ષે 17 લાખથી વધુ પેપરો છપાય છે. પેપરો ત્યારે જ ફૂટે છે જ્યારે પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ પૈસા માટે ફૂટી જાય… રાજ્ય બહાર એટલા માટે મોકલાય છે કે ત્યાંના કર્મચારીઓ ગુજરાતી ભાષા સમજી ન શકે ખરેખર આ તર્ક સરકારનો ખોટો છે.
હાલમાં ટેકનોલોજીનો જમાનો છે. એક સેક્ધડમાં કોઈ પણ ભાષા ટ્રાન્સલેટ થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે, પેપર હૈદરાબાદના કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવા માટે જવાનું છે એ આ કૌભાંડીઓને કેવી રીતે ખબર પડી એ સૌથી મોટો સવાલ છે. હૈદરાબાદમાં એક પ્રિન્ટીંગ પ્રેસ થોડો છે કે ત્યાંથી પેપર આસાનાથી લીક થાય આ કૌભાડમાં પંચાયત સેવા પસંદગી મંડળના કોઈ સભ્યે પણ ટિપ આપી હોય તેવી પણ સંભાવના છે. આ બાબતે પણ ગુજરાત પોલસે તપાસ કરવાની જરૂર છે. હાલમાં ઇસકી ટોપી ઉસકે સરની જેમ પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડી દેવાયું છે.
છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 14થી વધારે ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે. આ મામલે કેમ કૌભાડીઓ સુધી પોલીસના તાર પહોંચતા નથી. પોલીસ એ કેમ તપાસ કરતી નથી કે દેશમાં ક્યાં પેપર છપાવવા ગયા છે એ પસંદગી મંડળના સભ્યો સિવાય કોઈ જાણતું નથી. અત્યારસુધીમાં 14 ભરતીના પેપર ફૂટી ગયા છે પણ આ મામલે તપાસ કરાતી નથી. કોચિંગના સંચાલકો તો આ પ્રકારના ધંધા કરી રોકડા કમાશે પણ ઘરના ભેદી સુધી કેમ તપાસ અટકી જાય છે. આ કેસમાં પણ હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસની માહિતી આ પેપર ફોડનારાઓને કોને આપી એ પણ તપાસ કરવાની જરૂર છે.
જુનિયર કલાર્કની 1100 જગ્યાઓ પર પાસ થવા માટે લાખો વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી. જે પાણીમાં ગઈ છે. હવે 3 મહિને પરીક્ષા લેવાશે. એટલુ જ નહીં, સતત પેપરો લીક થતાં વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ઉઠ્યો છે. સ્પર્ધાત્મક ક્લાસ, હોસ્ટેલમાં રહીને અભ્યાસનો ખર્ચ છાત્રોને માથે પડ્યો છે. અત્યારસુધી ગુજરાતમાંથી 12 પરીક્ષાના પેપરો ફૂટી ગયા છે.
જે મામલે તંત્ર બકરાઓને શોધે છે પણ આ મામલે કડક કાર્યવાહી ન કરી શકતાં આ ઘટનાઓ સતત રિપિટ થઈ રહી છે.
સરકારી પ્રેસ પ્રશ્નપત્ર પ્રિન્ટ કરવા સક્ષમ
રાજકોટના સરકારી પ્રેસ ખાતે રાજ્યની કચેરીઓના ઉપયોગી ફોર્મ, સ્ટેશનરી, સરકારી પ્રકાશનો, જાહેર પ્રજાના ઉપયોગ માટે ગેઝેટ્સ કે જેમાં નામ સુધારણા, અટક સુધારણા, જન્મ તારીખની સુધારણાની કામગીરી કરવામાં આવે છે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જે આદેશો આપવામાં આવે તથા ગુપ્ત પ્રકારની કામગીરીઓ પણ કરવામાં આવતી હોય છે. હાલ રાજકોટના સરકારી પ્રેસ ખાતે 375 કર્મચારીઓનું મંજુર થયેલું મહેકમ છે જેની સામે ફક્ત 78 કર્મચારીઓ જ છે. જો રાજ્ય સરકાર ધારે તો સરકારી પ્રેસ ખાતે જ પ્રશ્નપત્રો પ્રિન્ટિંગ કરી શકાય છે. રાજ્ય સરકાર અનેકવાર ગુપ્ત કામગીરી પણ સરકારી પ્રેસને સોંપતિ હોય છે ત્યારે પ્રશ્નપત્રોનું પ્રિન્ટિંગ પણ અહીં જ કરાવી શકાય છે. જો સરકારી પ્રેસ ખાતે પ્રશ્નપત્રનું પ્રિન્ટીંગ કરવામાં આવે તો ગુપ્તતા પણ જળવાશે અને પેપર લીક સહિતના કૌભાંડ પર પણ અંકુશ મેળવી શકાશે.
સરકાર પોતે જ પેપેર પ્રિન્ટિગ કરે તો આવી ઘટના ના બને: ડી.વી.મેહતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના છેવાડાના ગામડાના ઉમેદવારો જ્યારે પરીક્ષા સેન્ટર પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે એમના ચહેરાપર નિરાશા જોવા મળી રહી હતી. જે રીતે બોર્ડના પેપર સીબીએસઈમાં કાઢવામાં આવે છે કે પરીક્ષાના અળધો કલાક પહેલા જ જે તે સ્કૂલમાં મેઈલ મારફતે પેપર મોકલવામાં આવે છે. તે રીતે સ્પર્ધાત્મક પરીક્ષા પણ લેવામાં આવે તો આવી પેપર ફૂટવાની ઘટના ન બને. ઉપરાંત જો ખાનગી ને બદલે સરકારી એજન્સી પેપર કાઢે તો આવી ઘટના પ્રકાશમાં આવે જ નહિ.
કરન્સીની જેમ પેપરોની પણ ગુપ્તતા જળવાય તે જરૂરી: ડો.પ્રિયવદન કોરાટ
ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમદાવાદમાં આંતરરાષ્ટીય કક્ષાના પ્રિન્ટિગ પ્રેસ હોવા છતાં અન્ય રાજ્યની ખાનગી એજન્સીને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો છપાવા દેતા લીક થવાની ઘટના સામે આવે છે. નાસિકમાં કરન્સી છપાય છે ત્યાં જો આટલી ગુપ્તતા જળવાતી હોય તો, પેપરોમાં કેમ નહિ? સરકાર બોર્ડના પ્રશ્નપત્રો પણ બહારની એજન્સીને છાપવા મોકલે છે ત્યારે સરકારી પ્રેસ પોતે જો આ કામ કરે તો ઘણાબધા પ્રશ્નો દૂર થઇ શકે તેમ છે.
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષા લેવી જોઈએ: પરેશ રબારી
રાજકોટના યુવા આગેવાન ડો.પરેશ રબારીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવું જોઈએ તેમજ વધુ ને વધુ ઓનલાઇન પરીક્ષા લેવાય તે માટે યુનિવર્સિટી કેમ્પસમા આયોજન કરવું જોઈએ.
ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેઈલ મારફતે પ્રશ્નપત્રો પહોંચાડવા જોઈએ: જતીન ભરાડ
જાણીતા શિક્ષણવિદ જતીન ભરાડે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ટેક્નોલોજીના યુગમાં ટેક્નોલોજીની સાથે રહીને તેનો સદુપયોગ થાય તો પેપરલિકની ઘટના બને જ નહિ. મેઈલ મારફતે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થયાની 45 મિનિટ પહેલા પ્રશ્નપત્ર પહોંચે તેવું સુચારુ આયોજન કરવાની તાતી જરૂરિયાત છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને અને દેશનું ભાવિ કે જે આગળ વધી શકે.
સ્ટેટ ટેસ્ટિંગ એજન્સી મારફતે પરીક્ષા લેવામાં આવે: કુલપતિ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતી ડો.ગિરિશ ભીમાણીએ ’અબતક’ સાથેની વાતચીતના જણાવ્યુ હતું કે, જયારે આવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે ત્યારે ખાસ તો એક સ્ટેટ ટેસ્ટિંગ એજન્સી બનાવવી જોઈએ અને તેના મારફતે જ આ તમામ પરીક્ષા લેવાવી જોઈએ. જેથી પેપર લીક થવાની કોઈ ઘટનાઓ પ્રકાશમાં ન આવે.