અરજદાર વાલીઓ પોતે જ કાયદાનો ભંગ કરી રહ્યા હોય ત્યારે તેમણે કોર્ટ કોઇ પણ રાહત આપી શકે નહીં

ધો-૧માં પ્રવેશ માટે છ વર્ષની વયમર્યાદાની જોગવાઇને પડકારતી અરજી ફગાવતાં ચુકાદામાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે એવી ગંભીર નોંધ લીધી છે કે, ‘ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રિ-સ્કૂલમાં ધકેલીને માતા-પિતા ગેરકાયદેસર કૃત્ય કરે છે. પ્રસ્તુત કેસમાં પણ એવા અરજદારો(માતા-પિતા) છે કે જેમણે પોતાના ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલ્યા હતા. આવા વાલીઓ કોર્ટ પાસેથી કોઇ પણ પ્રકારની રાહતની અપેક્ષા રાખી શકે નહીં. કેમ કે, તેઓ રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાની જોગવાઇઓનો જાતે જ ભંગ કરી રહ્યા છે. કાયદા મુજબ પ્રિ-સ્કૂલમાં એવા કોઇ પણ બાળકને પ્રવેશ ન મળી શકે, જેણે વર્ષની ૧લી જૂનના રોજ ત્રણ વર્ષની ઉંમર પૂર્ણ ન કરી હોય.’

ધો-૧માં પ્રવેશ માટેની છ વર્ષની વયમર્યાદાની જોગવાઇઓને પડકારતી ૫૦થી વધુ અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે ગત મહિને રદ કરી હતી. જેમાં ચુકાદો આપતાં નોંધ્યું છે કે,‘ધોરણ-૧માં પ્રેવશ માટેની છ વર્ષની વયમર્યાદા વાજબી છે અને રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાના આશયને પોષે છે. જેના અંતર્ગત પણ યોગ્ય વયે જ બાળકોને શિક્ષણ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નિતિ પ્રમાણે પણ છ વર્ષની નાની વયના બાળકો ‘સ્કૂલ’ માટે ‘રેડી’ નથી. કેમ કે, કુમળી વયના વર્ષો પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસના વર્ષો હોય છે.’ ખંડપીઠે એમ પણ નોંધ્યું છે કે,‘એક વ્યક્તિને પડનારી સંભવિત હાડમારીનું પરિણામ બંધારણના અનુચ્છેદ ૧૪નું ભંગ કરતી હોવાનું કહી શકાય નહીં. તેને મનસ્વી કે ગેરવાજબી પણ કહી શકાય નહીં. ઉક્ત કારણોસર આ રિટ પિટિશન મેરિટ વિનાની જણાય છે અને તમામ અરજીઓ રદબાતલ કરવામાં આવે છે.’

પ્રસ્તુત કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી હાઇકોર્ટમાં ૫૩ રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમની રજૂઆત હતી કે,‘રાજ્ય સરકારે રાઇટ ટુ એજ્યુકેશનના રૂલ ૩(૧) અન્વયે ધો-૧માં પ્રવેશ માટેની પાંચ વર્ષની વયમર્યાદા રદ કરીને તેને છ વર્ષ કરી નાખી છે. જોકે, આ જ કાયદાના રૂલ ૩(૩)માં વયમર્યાદાને છ મહિના સુધી લંબાવવા માટેની જોગવાઇ પણ છે. જેમાં કોઇ પણ જરૂરી સુધારો વધારો કરાયો નથી અને તેને રદ પણ કરવામાં આવ્યો નથી. જો રૂલ ૩(૩)ને સરકારે દૂર ન કર્યો હોય તો દરેક વિદ્યાર્થીને છ મહિનાની છૂટછાટ મળી શકે તેમ છે. એટલે કે, ધો-૧માં પ્રવેશ લેનારા લાખો વિદ્યાર્થીઓને લાભ થઇ શકે તેમ છે. રાઇટ ટુ એક્ટની સેક્શન ૧૫માં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઇ પણ વિદ્યાર્થીને પ્રવેશનો ઇન્કાર કરી શકાય નહીં. આ વયમર્યાદાનો નિયમ સેક્શન ૧૫નો પણ ભંગ કરે છે. કેમ કે, એમાં પણ કોઇ જરૂરી સુધારો-વધારો અથવા તો તેને રદ કરવામાં આવી નથી.’

આ સમગ્ર મામલે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે,‘અમે ૩ વર્ષનો ગ્રેસ પિરિયડ આપ્યો જ છે અને એ અંગે તમામને જાણ જ છે. જો હવે અમે અરજદારોની અરજીને ધ્યાને લઇએ તો એ નિયમોના ભંગ સમાન ગણાશે. સમગ્ર દેશમાં ધો-૧માં પ્રવેશમાં એકરૂપતા જળવાય એ આશયથી કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારો તો કેન્દ્રના નિર્ણયની અમલવારી કરી રહી છે. જો રાઇટ ટુ એજ્યુકેશન કાયદાની જોગવાઇઓનો ભંગ થતો હોય તો અરજદારોએ કેન્દ્ર સરકારને આ રિટમાં પક્ષકાર તરીકે જોડવા જોઇએ, પરંતુ કેન્દ્ર સરકાર પક્ષકાર જ નથી.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.