સતા સાથે જવાબદારી મળે છે. પણ માત્ર સતા જ ભોગવીને જવાબદારીમાંથી પીછેહટ કરવી વ્યાજબી નથી. નેતાઓએ એક જવાબદારી નિભાવવાની સાથે એક જવાબદાર વ્યક્તિ તરીકે વર્તવું પણ જરૂરી છે. જો કે એક કેન્દ્રીય મંત્રીએ તો હદ કરી નાખી છે. તેને ફિલ્મોની જેમ એક અધિકારીઓને મિટિંગમાં માર માર્યો છે.

ઓડિશામાં કેન્દ્રીય મંત્રીએ એક અધિકારીને બંધ બારણે માર માર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના કેન્દ્રીય મંત્રી વિશ્વેશ્વર ટુડુના ગૃહનગર ઓડિશાના બારીપદા ખાતેની છે.કેન્દ્રીય મંત્રીએ પોતાની ઓફિસમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ મોનિટરીંગ યુનિટના નાયબ નિયામક અશ્વિની કુમાર મલિક અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર દેબાશીષ મહાપાત્રાને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના શુક્રવારની છે.

પીડિતોના કહેવા પ્રમાણે રીવ્યુ મીટિંગ દરમિયાન કોઈ વાતને લઈ મંત્રી ખૂબ જ ઉગ્ર થઈ ગયા હતા અને તેમણે દરવાજો અંદરથી બંધ કરીને બંને અધિકારીઓ પર ખુરશી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દેબાશીષ મહાપાત્રાનો હાથ તૂટી ગયો છે જ્યારે અશ્વિની કુમાર મલિકને ઈજાઓ પહોંચી છે. બંને અધિકારીઓને બારીપદાની પીઆરએમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જાહેર કર્યું છે કે કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદના આધાર પર બારીપદા ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દેબાશીષ મહાપાત્રના કહેવા પ્રમાણે ’મંત્રી પહેલા અમને એમ કહીને વઢ્યા કે અમે પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. અમે તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, જો આદર્શ આચારસંહિતાના સમયે અમે ફાઈલો સાથે તેમના કાર્યાલયમાં જાત તો તે અનુચિત ગણાત. પરંતુ તેમણે નારાજ થઈને મારપીટ શરૂ કરી દીધી.’આ તરફ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે પંચાયતની ચૂંટણી પહેલા તેમની છબિ ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

વિશ્વેશ્વર ટુડુ કેન્દ્રમાં આદિવાસી મામલાઓના અને જળશક્તિ રાજ્ય મંત્રી છે. વિશ્વેશ્વર ટુડુ મયૂરભંજ ખાતેથી ભાજપના સાંસદ છે અને ગત વર્ષે જુલાઈમાં કેબિનેટ પુનર્ગઠન દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને રાજ્ય મંત્રી બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.