કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાનો મહત્વપૂર્ણ નિર્ણય
જો ગ્રામ પંચાયતને જાણ નહિ કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી હાથ ધરાશે
ગ્રામ્ય વિસ્તારમાં સુરતથી ૭૫૦૦ , અમદાવાદથી ૨૫૦૦, બરોડાથી ૧૫૦ અને મુંબઇથી ૧૦ લોકો આવ્યા, કોરોનાના કુલ ૧૮ પોઝિટિવ કેસોમાં ૧૩ હજુ એક્ટિવ, ૪ ડિસ્ચાર્જ અને એકનું મોત
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં તેઓએ જાહેર કર્યું છે કે હવે જે પરિવારમાં કોઈ સદસ્ય બીમાર પડે તો ફરજીયાતપણે ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. જો જાણ કરવામાં નહિ આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર કોરોનાથી મૂકત રહ્યો હતો. પરંતુ અચાનક છેલ્લા થોડા દિવસોથી ઘણા કોરોનાના કેસો નોંધાયા છે. આમ કેસોની સંખ્યા વધતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે જિલ્લાના કોઈ પણ ગામમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તે વ્યક્તિના પરિવારજનોએ ફરજીયાત પણે તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. જો પરિવારજનો ગ્રામ પંચાયતને જાણ નહિ કરે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.તેવું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જિલ્લાવાસી જોગ જાહેર કર્યું છે.
તાજેતરમાં રાજ્યના કોઈ પણ જિલ્લામાં જવા માટે મંજૂરી લેવામાંથી છૂટ આપવામાં આવી છે. જેથી હવે નાગરિકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કોઇ પણ પ્રકારની પરમિશન લીધા વગર જઈ શકે છે. સરકારના આ નિર્ણયને કારણે છેલ્લા અઠવાડિયામાં રાજકોટ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો બહારથી આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં સુરતથી ૭૫૦૦ , અમદાવાદથી ૨૫૦૦, બરોડાથી ૧૫૦ અને મુંબઇથી ૧૦ લોકો આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ ૧૮ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૩ હજુ એક્ટિવ છે અને ૪ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી એકનું મોત પણ નીપજ્યું છે. કોરોનાથી સુરક્ષિત રહેલો રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર અચાનક ખૂબ ટૂંકા ગાળામાં કોરોનાની ઝપેટમાં આવી જતા જિલ્લા વિકાસ અધિકારીએ આજે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયને કારણે કોઈ વ્યક્તિ લાંબો સમય સુધી બીમાર નહિ રહી શકે. એટલે કે બીમાર થયાને તુરંત જ તંત્રને જાણ થઈ જશે અને તંત્ર જરૂર પડ્યે તાત્કાલિક કોરોનાનો રીપોર્ટ પણ કરાવશે.
ઉલ્લેખનીય છે કે હવે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોઈ વ્યક્તિ લાંબો સમય સુધી બીમાર રહે અને બેદરકારી દાખવીને તંત્રને જાણ ન કરે બાદમાં તે કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થાય તો ત્યાં સુધીમાં તે અનેક લોકોને સંક્રમિત કરી ચુક્યો હોવાનું બને. આવુ ન થાય તે માટે જિલ્લા વીકાસ અધિકારીએ બીમારી અંગે ફરજીયાત ગ્રામ પંચાયતને જાણ કરવાનો નિયમ જાહેર કર્યો છે.જેની અમલવારી સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવાની રહેશે.