સાત્ત્વીક સાધનાનું પરિણામ સારૂ અને સુખદ હોય છે જ્યારે મેલી સાધનાનું પરિણામ તો મળે પણ તે દુ:ખ આપનારૂ બને છે
યોગ-સાધના
સામાન્ય રીતે દરેક બુધ્ધિ જીવી અને આમ જનતાને પણ જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેનો ઉકેલ તાળો કે રહસ્ય માણસની સમજણ બહારનો હોય છે ! જે બાબત ઘણી વિચારણા-ચર્ચા અને ક્રોસ વેરીફીકેશન ને અંતે પણ રહસ્યમય અને અગમ્ય જ રહે છે. આવી ઘટનાઓને કોઈ જોગાનું જોગ કે આકસ્મીક ગણે છે તો કોઈ શ્રધ્ધાથી કોઈક ઈશ્ર્વરિય સંકેત ગણે છે.
મારા જીવન દરમ્યાન અને ખાસ કરીને પોલીસ દળની ફરજ દરમ્યાન આવા જે બનાવો બન્યા તેનું મને હજુ પણ આશ્ર્ચર્ય થાય છે ! કયારેક તો કોઈ શકિત કે અદ્રશ્ય હસ્તીનો પણ અહેસાસ થયેલો.
કોઈકે બરાબર જ કહ્યું છે કે ‘યુવાનોનું ગૌરવ તેમની શકિત છે અને વૃધ્ધોનું ગૌરવ તેમનો અનુભવ છે’ જેથી મને થયું કે મારા અગમ્ય અને આધ્યાત્મિક અનુભવો નો રસધરાવનાર વાંચકોને લાભ મળે તે આ લખવાનું પ્રયોજન છે.
પોલીસ ખાતામાંથી નિવૃત્તિ બાદ મેં મારા આધ્યાત્મિક ગુરૂ સાથે મને થયેલા આવા અનુભવો અંગે ચર્ચા કરતા તેમણે જણાવેલું કે જુદાજુદા પ્રકારની સાધનાઓથી જુદી જુદી શકિતઓ પ્રાપ્ત થતી હોય છે. સાધનાઓ પણ જુદાજુદા પ્રકારની હોય છે. સાત્વિક-તામસી-તાંત્રિક-અઘોરી વિગેરે.
ઘણા લાંબા સમય સુધી સતત સાધના કરવામાં આવે તો પરીણામ અને પ્રાપ્તી થાય જ છે, પછી ભલે તે સાત્વિક સાધના હોય કે ભૌતિક પ્રાપ્તી માટેની અન્ય સાધના હોય ! પરંતુ સાત્વિક સાધનામાં દૈહિક, માનસિક અને આધ્યાત્મિક આચરણ પવિત્રતા ઉપર ખાસ લક્ષ આપી આચરણ કરવું પડે છે.
પતંજલી ઋષિએ વર્ણવેલી અષ્ટાંગ યોગ સાધના ખાસતો પરમ પ્રાપ્તિ-જીવનમુકિત અને આત્મદર્શન માટેની જ છે, તે અન્ય કોઈ વૈશ્ર્વિક-ભૌતિક પ્રાપ્તિ માટેની નથી તેમ છતા આ સાધના ને કારણે જુદા જુદા તબ્બકે જુદી જુદી શકિત-સિધ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સાચો સાધક આવી સિધ્ધિ-શકિતની પ્રાપ્તિનો આધાર ખાસ તો ગુરૂની કૃપા અને સાધકની સાધના પ્રત્યેની લગન અને પુરૂષાર્થ મુજબ મળતી હોય છે.
વૈદિક અષ્ટાંગ યોગના આઠ પગથિયા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી છે. આ દરેક પગથિયું ક્રમ બધ્ધ રીતે એક પછી એક ચઢવું સફળતા માટે અનીવાર્ય છે. સાધનાનો હેતુ તો જીવન મુકિત અને આત્મદર્શનનો છે તેમ છતાં દરેક પગથિયું ક્રમબધ્ધ રીતે ખંતપૂર્વક સાધના કરતા જતા દરેક પગથિયું પુરૂ થયે સાધનાની આડપેદાશ રૂપે જુદા જુદા પ્રકારની સિધ્ધિઓ શકિતઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સાચો સાધક આવી સિધ્ધિઓ તરફ ધ્યાન નહી આપી એક પછી એક પગથિયા ચઢતો આગળ વધતો જાય છે.
જે સાધક પુરૂષાર્થ વડે પહેલા સાત પગથિયા બરાબર ચઢી જાય તેને સમાધીરૂપ છેલ્લુ પગથિયું આપો આપ પ્રાપ્ત થાય છે. જેને સમાધી લાગતી હોય તેને જ તે અલૌકિક,અદભૂત આનંદ અને સુખ પ્રાપ્તિનો ખ્યાલ હોય સમાધી લાગતી હોય તેને સમગ્ર વિશ્ર્વનું જ્ઞાન અને ત્રિકાળનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જ્ઞાન અને આનંદ દુનિયામાં ના ભૌતિક સાધનોથી મળતુ નથી !
આ બાબતનો એક જ નાનો એવો દાખલો આપું છું કે પશ્ર્ચિમના વૈજ્ઞાનિકોએ દુરબીનની શોધ પછી નકિક કર્યું કે તમામ ગ્રહો ગોળ છે. જે ગેલેલીયોની શોધ ખગોળ શાસ્ત્રિય ગણે છે. જયારે હજારો વર્ષ પહેલા પૌરાણિક યુગમાં સદીઓ પહેલા ભારતના ઋષિમૂનીઓએ જણાવ્યું છે કે, વરાહ અવતારમાં ભગવાને પૃથ્વી (ગોળ)ને પોતાના મોઢાથી કઈ રીતે બચાવી, જેના ચિત્રો અને શિલ્પો પણ દેશમાં છે, ઉપરાંત આપણા ઋષિમુનીઓએ જે ગ્રહો: નક્ષત્રો: સુર્ય-ચંદ્ર ગ્રહણ તેમની ગતી પૃથ્વિથી અંતર વિગેરે બાબતે સચોટ લખેલ છે. અને પંચાગ બનાવી સૌ પ્રથમ વર્ષ મહિના ઋતુ પરીવર્તન વિગેરેનું વર્ણન પણ પૌરાણિક શાસ્ત્રોમાં જ છે. તો તે સમયે વૈજ્ઞાનિક ઉપકરણો તો હતા નહી તો કેવી રીતે લખ્યા ? તે અંગે હું એવું માનું છું કે આ બધી સચોટ માહિતી તેમની સમાધી અવસ્થામાં પ્રાપ્ત કરીને લોકોને સમાજને શાસ્ત્રો રૂપે આપી હશે!
ટુંકમાં યોગી (સિધ્ધ પુરૂષ)ને અષ્ટ સિધ્ધિની પ્રાપ્તી સાથે કૈવલ્ય જ્ઞાન, પંચમહાભૂત (શરીર) ઉપર વિજય, પરકાયા પ્રવેશ, સિધ્ધ પુરૂષોના દર્શનની સિધ્ધિ, શરીરના તમામ અંગો અને ઈન્દ્રીયોનું જ્ઞાન (સટીક પંચીકરણ), આયુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન, તારાઓ, ગ્રહો અને અવકાશ તથા ખગોળશાસ્ત્રોનું જ્ઞાન, ચૌદભુવન (બ્રહ્માંડનું જ્ઞાન), બળ અને શકિતની પ્રાપ્તી… જીવન-મૃત્યુનું જ્ઞાન, અદ્રશ્ય રહેવાની વિધ્યા, બીજાના મનની વાત જાણવી, પશુ-પક્ષીઓની ભાષાનું જ્ઞાન, પૂર્વ જન્મનું જ્ઞાન અને વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનું જ્ઞાન અષ્ટાંગ યોગ સાધના અને સમાધીને લીધે પ્રાપ્ત થાય છે.
અષ્ટાંગ યોગની માફક બૌધ્ધ ધર્મના લામાઓ પણ સઘન સાધના કરતા કરતા અનેક પ્રકારની શકિત અને સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે. આ ઉપરાંત અન્ય સાધનાઓ તાંત્રિક, અઘોરી અને બીજી તામસી તથા મેલી વિદ્યાઓથી પણ દુન્યવી-ક્ષણજીવી સિધ્ધિઓ મેળવી શકાય છે, પરંતુ તેના પરીણામો વીપરિત પણ આવતા હોય છે.
જયારે કોઈ સાત્વિક સાધક પોતાનું દુન્યવિ સંસારીક કર્મ કરતો હોય ત્યારે આવા સિધ્ધિ યોગીઓ ઘણી વખત તેની ઉપર કૃપા રૂપે અહેતુક મદદ કરતા હોય છે. જેથી તે સમયે આવો સામાન્ય સાધક વ્યકિત અચંબિત થઈ જાય છે કે આમ કેમ બન્યું ? સામાન્ય રીતે મનુષ્ય જીવનમાં લગભગ દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે. પરંતુ કાંતો આકસ્મીક્ ગણી લક્ષ આપતા નથી અથવા ચમત્કાર ગણી ભૂલી જાય છે. મારી દ્રષ્ટિએ તમામને આવા અનુભવો એ માટે થતા હોય છે કે જેને મનુષ્ય દેહ મળ્યો છે તેણે પૂર્વ જન્મમાં કાંઈક તો સાધના કરી જ હશે. તેથી આવા અનુભવ થાય છે. શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે સિધ્ધ લોકો અનાયાસ વિનાકારણ સમગ્ર સૃષ્ટિ ઉપર દયા કરતા હોય છે. તેથી આવી ઘટનાઓ બનતી હશે.
આવી અલૌકિક ઘટનાઓ સમાજમાં બનતી હોય છે. તેના અનેક પુસ્તકો લખાયા છે, ખાસ તો હીમાલય-ગીરનાર ઉપરાંત ઉત્તર ભારત-તીબેટ-લડાખના બૌધ્ધ લામાઓની પણ સિધ્ધિઓ જણાવી છે તે વાસ્તવિક અને અદભૂત છે.
મારા આ પ્રકરણો મને મારી જીંદગી દરમ્યાન ખાસ તો પોલીસદળની ફરજો દરમ્યાન જુદા જુદા શહેરો વિસ્તારોમાં થયેલા અગમ્ય, વિચિત્ર, આધ્યાત્મિક અને અલૌકિક અનુભવો રજૂ કરવાનું કારણ એ છે કે હાલમાં વૈશ્ર્વિકકરણની ઝડપી દોડમાં લોકો ધર્મથી દૂર થતાં જ માનસિક તણાવ, શારીરિક તકલીફો અને કૌટુંબીક તથા સામાજીક વિકરાળ પ્રશ્ર્નો ઉભા થયા છે. આથી જો લોકો દોડતી કે ઉડતી જીંદગીમાં થોડા યોગ ધર્મનું પાલન કરે તો મુશ્કેલીમાં થોડી રાહત થશે. તેવું મારૂ માનવું છે. ફકત સલાહ આપવાથી લોકોને કાંઈ ફેર પડતો નથી પરંતુ કદાચ અનુભવો વાંચીને તેમને સાત્વીકતા અને ધર્મનિયમ પાલનની જો ઈચ્છા જાગૃત થાય તે ઉદેશ મુખ્ય છે. આમ તો આ ઝડપી સોશિયલ મીડીયાના યુગમાં કેટલા લોકો વાંચે અને કેટલા સાધના કરે? અને કયાં સત્ય દર્શન થાય? પરંતુ જોગાનું જોગ કોઈ આવાં અનુભવો વાંચી કોઈકને દિવ્યશકિત પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય તે અપેક્ષાએ પણ આ લખવાનું પ્રયોજન છે.