4 વર્ષથી નીચેના બાળકો સાથે ટુ-વ્હીલર 40 કિમિ કલાકથી વધુ ઝડપે ચલાવવાને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન ગણાશે; રૂ.1000ના દંડની જોગવાઈ
વાહનોની અતિઝડપને કારણે અવારનવાર જીવલેણ અકસ્માતોના બનાવ બને છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે લાખો લોકો મોતને ભેટે છે. ત્યારે હવે આગામી વર્ષ 2030 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા 50 ટકા સુધી ઘટાડી દેવા માટે સરકાર સમયાંતરે નવા નવા કડક નિયમો લાગુ કરી રહી છે. ત્યારે હવે વધુ એક નવો નિયમ ઉમેર્યો છે તાજેતરમાં સરકારે ગાઈડલાઈન જારી કરી છે કે વાહનચાલકો જો તેમની સાથે ટુ વ્હીલર પર બાળક હશે તો આવા વાહનચાલકો 40 કિમિ/કલાકથી વધુ ઝડપે વાહન દોડાવી શકશે નહીં…!!
4 વર્ષથી નીચેના બાળકો સાથે ટુ-વ્હીલર 40 કિમિ/કલાકની વધુ ઝડપે ચલાવવાને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલયે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ડ્રાફ્ટ નિયમમાં પ્રસ્તાવ મૂક્યો છે. એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે ડ્રાઈવરે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નવ મહિનાથી ચાર વર્ષની વયના બાળ પિલિયન પેસેન્જરે ક્રેશ હેલ્મેટ અને સેફ્ટી હાર્નેસ પહેરવું જ જોઈએ. મંત્રાલયે સુધારા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં નવીનતમ ફેરફારનું પાલન કરવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ જગવાઈ કરવામાં આવી છે. જો 4 વર્ષ કે તેથી નાનું બાળક સાથે હશે અને ટુ વ્હીલરની ઝડપ 40 કિમિ/કલાકથી વધુ નોંધાશે તો નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તેમ નિર્દેશ અપાયા છે.