ગુજરાતની જનતાની ભલાઈની વાત કરૂ છું એટલે બંને પાર્ટીઓ મારો વિરોધ કરે છે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરિંવંદ કેજરીવાલે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા રાજય સરકારના કર્મચારીઓને વચન આપ્યું છે કે જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ વડોદરામાં એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુ:ખી છે, ખૂબ ગુસ્સે છે અને સેક્રેટરીટનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે. તેમની મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.
હું આશ્વાસન આપું છું, ગેરંટી આપું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરીશું. ગઈકાલે જ પંજાબના સીએમએ જાહેર કર્યું કે તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરવાના આદેશ આપી દીધા છે. જેમ અમે પંજાબમાં આનો અમલ કરવા જઈ રહ્યા છીએ તેવી જ રીતે ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરીશું. હું તમામ સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે તમારી લડત ચાલુ રાખો જો આ સરકાર કરી આપે તો સારું છે અને જો આ સરકાર નહીં કરે તો અમારી સરકાર બન્યા પછી અમે તેને લાગુ કરીશું.
વધુ એક બાબત એ જોવામાં મળી રહી છે કે આ બંને પાર્ટી અમારી વિરુદ્ધ ઉભી થઇ ગઇ છે. આ બંને પાર્ટીઓ મને ખૂબ ગાળો આપે છે કે કેજરીવાલ જૂઠો છે, કેજરીવાલ આતંકવાદી છે. બંનેની ભાષા આજે પણ એક જ છે, બંનેના શબ્દો પણ એક જ છે. મારો શું દોષ છે? હું કહું છું કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર કરીશું. આ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર થાય. મેં કહ્યું કે અમે વીજળી ફ્રી કરીશું. પરંતુ આ બંને પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતની જનતાને મફત વીજળી મળે. મેં કહ્યું કે અમે ગુજરાતની સરકારી શાળાઓ અને હોસ્પિટલોને દિલ્હીની જેમ અદ્ભુત બનાવીશું. આ બંને પાર્ટીઓ મળીને મારા પર હુમલો કરે છે, આ લોકો નથી ઇચ્છતા કે ગુજરાતમાં શાળાઓ સારી હોય, ગુજરાતની હોસ્પિટલ સારી હોય. મારી આજ તો ભૂલ છે કે, અમે ગુજરાતની જનતાની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહ્યા છે. અને હવે જો જો કે આવનારા દિવસોમાં આ લોકો તેમના રાષ્ટ્રીય સ્તરના મોટા મોટા નેતાઓને નીચે ઉતારશે અને આ બધા લોકો આવીને મને ગાળો આપશે અને મારો વાંક એટલો જ છે કે હું ગુજરાતની જનતાની ભલાઈ ઈચ્છું છું.
ગુજરાતમાં પૂર્વ સૈનિકો વિરોધ કરી રહ્યા છે, ફોરેસ્ટ ગાર્ડ વિરોધ કરી રહ્યા છે. મેં હમણાં જ એક વિડીયો જોયો જેમાં ખાકી વર્દીવાળાઓ ખાદી વર્દીવાળાઓ સામે લડી રહ્યા છે, તે સારી વાત નથી. નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે, એલઈડી વેટીંગવાળા પ્રદર્શન કરી રહ્યા છે, વીસીઈ પ્રદર્શન કરી રહ્યા છે, શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, એવું લાગે છે જાણે આખું ગુજરાત રસ્તા પર ઉતરી આવ્યું છે. આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું, તેમને આશ્વાસન આપવા માંગુ છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.