કચ્છ યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સમારોહ મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજ ખાતે યોજાયો હતો . ગુજરાતના રાજયપાલ અને યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૪૯૬૫ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. તે સાથે જ ૨૨ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલથી પ્રોત્સાહિત કરાયા હતા.

મહિલાને ઉડવા માટે આકાશ મળે તો તે પોતાનું સ્થાન જરૂર હાંસલ કરે: રાજ્યપાલ

kutch

આ દિક્ષાંત સમારોહમાં રાજયપાલે યુવાઓને ઉભરતા ભારતની તસવીર ગણાવતા જણાવ્યું હતું કે, યુવાનો દેશની તાકાત છે. તેમાં પણ દિકરીઓને પ્રોત્સાહન મળતા દરેક ક્ષેત્રમાં તેઓ કીર્તિમાન સ્થાપી રહી છે. આજના દિવસે ૨૨ ગોલ્ડમેડાલિસ્ટ છાત્રોમાંથી ૨૧ દિકરીઓએ મેદાન માર્યું છે. જે દર્શાવે છે કે, મહિલાઓને જો ઉડવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવે તો તે પોતાનું સ્થાન જરૂર હાંસલ કરે છે. મહિલાઓ સશક્ત થશે તો જ સમાજ, રાજય અને દેશ આગળ વધશે. તેમણે નારીની ઉન્નતિ માટે કામ કરનાર ગુજરાતના સપુત મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરીને તેમના જીવનના કેટલાક પ્રસંગો યુવાઓને વર્ણવ્યા હતા.

કેવી રીતે પડ્યું કચ્છ યુનિર્વસીટીનું નામ??

kutch 4

આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને કચ્છ યુનિર્વસીટીનું નામ જે ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્માના નામે પડ્યું છે તે વીરસપુતની જીવનગાથા વાંચીને તેમના પરથી પ્રેરણા લેવા તથા માંડવીના ક્રાંતિતીર્થની મુલાકાત લેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરીને મેળવેલી ડિગ્રીનો હેતું માત્ર ધન કમાવવા ન કરવા પરંતુ ખરાઅર્થમાં માનવીય અભિગમ સાથે પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાઓને પોતાના કર્તવ્ય, સમર્પણ અને પોતાના વ્યકિતત્વથી પરીવાર, સમાજ , રાજય અને દેશના ઉત્કર્ષ માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

ક્યાં છે યુવાઓને જીવનના ચાર પડાવ ??

kutch 2

રાજયપાલએ યુવાઓને જીવનના ચાર પડાવ એવા બહ્મચર્યઆશ્રમ, ગૃહસ્થઆશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસ્થઆશ્રમ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપતા જણાવ્યું હતું કે, હવે આવનારા સમયમાં તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશો તો સ્વહિત છોડીને આત્માના વિકાસને વધારતા સમગ્ર પરીવારની ચિંતા સેવજો.

કાર્યક્રમમાં ૨૨ ગોલ્ડમેડાલીસ્ટ સાથે માનદપદવી મેળનાર પદ્મ નારાયણ જોશી તથા ઇતિહાસવિદ ઉમીયાશંકર અજાણી સહિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે અતિથિપદે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સંયુકત સચિવ ડો.રાજેશ વર્માએ વિદ્યાર્થીઓને સમાજને ઉપયોગી બનીને દેશના નિર્માણમાં યોગદાન આપવા પોતાના પ્રાસંગિક ઉદબોદનમાં શીખ આપી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ યુનિવર્સીટીના વિકાસકામોની છણાવટ સાથે આગામી આયોજન જણાવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો.જી.એમ.બુટાણી, ગુજરાતના વિવિધ યુનિવર્સીટીના કુલપતિ, ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યઓ, અધ્યાપકો, કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.