પ્રબળઈચ્છા શક્તિથી મનુષ્ય કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કુદરતે મનુષ્યને જ વિચાર અને તેના પર અમલ કરવાની શક્તિ આપી છે. મનુષ્યની ઈચ્છા શક્તિમાં પ્રચંડ તાકાત રહેલી છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ વિદ્વાન બની શકે, એક પગ ન હોય તેવા વ્યક્તિ પહાડ સર કરી જાય, તો જેને એક જ હાથ હોય તે વાહન કેમ ન ચલાવી શકે?
ઈચ્છા શક્તિ અને આત્મવિશ્વાસની કુદરતી કૃપાનું સન્માન કરીને આરટીઓએ એક ક્રાંતિકારી નિર્ણય લઈ વાહનના લાયસન્સ ઈસ્યુ કરવા માટેના શારીરિક માપદંડમાં ફેરફાર કરીને અત્યાર સુધી કોઈ અપંગ વ્યક્તિને ડિસેબિલિટી ગણીને વાહન હંકારવાનું લાયસન્સ આપવામાં આવતું નહીં. હવે એક હાથવાળા વ્યક્તિને ખાસ વ્યવસ્થા ધરાવતા વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે. સરકારના નિર્ણયને ખરા અર્થમાં દિવ્યાંગોની ઈચ્છાશક્તિનો આદર કરાયો ગણાશે.
ખુદી કો કર બુલંદ ઇતના, કે તકદીર બના ને સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી “રઝા” ક્યા હૈ
દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં માનભેર જીવી શકે તે માટે અનેકવિધ યોજનાઓ અને છૂટછાટ આપવામાં આવે છે ત્યારે દિવ્યાંગ વ્યક્તિને અત્યાર સુધી વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું ન હતું. હવે એક હાથ ન હોય તેને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે આરટીઓનો આ નિર્ણય ખરેખર સમાજમાંથી દિવ્યાંગતાનું મેણું નેસ્ત નાબુદ કરવા નિમિત્ત બનશે.
કુદરતનો નિયમ છે કે તેને કોઈ એક અંગમાં અન્યાય કર્યો હોય તો બીજા અંગોને શક્તિશાળી બનાવ્યા જ હોય છે. ઘણા દિવ્યાંગો પોતાના મજબૂત મનોબળથી સફળતાના શિખરો સર કરે છે. ત્યારે ભલે રહી રહીને પણ સરકારને હાથમાં ક્ષતિ ધરાવતા દિવ્યાંગોની વેદના સમજાઈ છે.