0 થી 3 વર્ષને બાળપણ ગણ્યા બાદ ત્રણથી છ વર્ષ સુધીના બાળકો માટે ચાલતા નર્સરી, લોઅર કે.જી. કે હાયર કે.જી. સરકારી દાયરામાં ક્યારે આવશે: નવી શિક્ષણનિતી-2020માં પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ અંતર્ગત નવી પ્રથાનો અમલ ક્યારે થશે?
બંધારણની જોગવાઇ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ છે ત્યારે અર્લીચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમ આજનો પક્ષ પ્રશ્ન: બાળ માનસના અભ્યાસુ શિક્ષકો જ તેને ભણતા કરે તે સૌથી જરૂરી
આજકાલના બાળક 3 વર્ષનું થાય એટલે બાલ મંદિર કે પ્લે હાઉસમાં બેસાડવાનો ટ્રેન્ડ છે પણ આપણે ત્યાં તેને સરકારે કે શિક્ષણ વિભાગે માન્યતાને લાયક ગણ્યું નથી, હા આંગણવાડી ચાલે છે જે સરકારના ઈંઈઉજ વિભાગ અંતર્ગત ચાલી રહી છે. નર્સરી-લોઅર કે.જી. કે હાયર કે.જી. જેવા ત્રણ વર્ષના અભ્યાસક્રમ બધા પોતાની રીતે ચલાવે છે તેનો સિલેબસ કે ફી ઉપર સરકારનું કોઇ નિયંત્રણ નથી. વર્ષોથી આપણી શિક્ષણ પ્રથામાં બાળક પાંચ વર્ષ પૂર્ણ કરે એટલે ધો.1માં પ્રવેશ આપીને વયપત્ર રજીસ્ટરમાં નામ નોંધાય છે. સમગ્ર શિક્ષા અભિયાન મુજબ તેને યુ.આઇ.ડી. નંબર પણ ફાળવાય છે, પણ પ્લે હાઉસમાં ભણતા બાળકો માટે આવો કોઇ નિયમ નથી. પ્લે હાઉસ ચલાવતા સંચાલકોને મંજૂરી મેળવવી છે પણ જોગવાઇ ક્યાં છે કેની પાસે મંજૂરી માંગે !!
પાયાનું શિક્ષણ પાકુ થાય તો જ ઇમારત અર્થાત આગળના ધોરણમાં વાંચન, ગણન, લેખનમાં હોંશિયાર થાય. આપણાં બંધારણમાં પણ મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વય 6 થી 14 વર્ષ છે. 0 થી 3 બાળપણના વર્ષો બાદ આજે વાલીઓ 3 થી 6 વર્ષના બાળકોને ઘર આસપાસ ચાલતાં બાલમંદિર કે પ્લે હાઉસમાં બેસાડતા હોય છે. કોરોના કાળ દરમ્યાન છેલ્લા બે વર્ષથી આ ટબૂકડા બાળ મિત્રો શાળાએ ગયા જ નથી. આવડા નાના બાળકોને પણ આ પ્લે હાઉસવાળા ‘ઓનલાઇન’ ભણાવીને કે વર્કશીટ આપીને પોતાની ફી લીધેલ છે. ધો.1માં પ્રવેશ પાત્ર બાળકની વયકક્ષા નક્કી છે પણ બાલમંદિરોની નક્કી નથી કે તેના કોઇ સરકારી નિયત નથી.
નવી શિક્ષણ નિતી-2020માં પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં 3 થી 6 વર્ષના બાળકોને પ્રારંભિક બાળશિક્ષા અભ્યાસક્રમમાં આવરી લઇને અને ધો.1-2 ને આવરી લેતા પ્રથમ પાંચ વર્ષનો તબક્કો પાયાના શિક્ષણ તો ગણાશે. જે અંતર્ગત હવે આગામી 2025 સુધીમાં આ વયના તમામ બાળકો વાંચન, ગણન, લેખનમાં નિપુણ થશે તેવો લક્ષ્યાંક રાખ્યો છે. પણ આ પ્રથા ક્યારે શરૂ થશે તે હજી નક્કી નથી. તેથી સૌ પ્લે હાઉસ સંચાલકો મા-બાપો અને સ્વનિર્ભર શાળા સંચાલકો વિચારી રહ્યા છે. અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન બાબતે નવી શિક્ષણ નિતીમાં જોગવાઇ રખાતા તેના શિક્ષકોને તાલિમબધ્ધ કરવાની વાત સાથે સૌ સંર્વાંગી વિકાસ બાબતે પણ ચિંતન કરી રહ્યા છે ત્યારે આ જોગવાઇના પગલે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પણ મોટી આશા સેવી રહ્યા છે.
આજની 21મી સદીમાં આજનો 3 થી 6 વર્ષનો બાળક ઘણું બધુ શીખવા લાગ્યો છે ત્યારે તેના માટે જ્ઞાન સાથે ગમ્મત કે તરંગ, ઉલ્લાસમય શિક્ષણ પધ્ધતિનો લાભ મળતા તેનો વિકાસ ઝડપી થશે તે વાત નક્કી છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તેનો નિયત અભ્યાસક્રમ બધે એક સરખો લાગુ કરવાથી શિક્ષણમાં અમુલ્ય પરિવર્તન આવશે એ નક્કી છે.
ખાનગી શાળાઓ માટે પ્લે હાઉસ તેની ધો.1ની સંખ્યા માટે અતિ મહત્વનું છે. નર્સરી બાદ લોઅર અને હાયર કેજીના ત્રણ વર્ષ શાળાનાં શાળાને વિદ્યાર્થીની અછત રહેતી નથી. ગુણવત્તાસભર શિક્ષણની વાત આવા અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમનો મહત્વનો ભાગ હોવાથી તેમાં બાળ માનસના અભ્યાસુને તાલિમબધ્ધ શિક્ષક હોવા જરૂરી છે. નાના બાળકોને તેની વય કક્ષાને ક્ષમતામાં રસ, રૂચી વલણો જાળવીને શિક્ષણ અપાય તો તેનો ધાર્યો ફાયદો કે વિકાસ થઇ શકે છે.
વિદેશોમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનને બહુ જ ભાર અપાય છે તેથી ત્યાંના છાત્રોને શિક્ષણ પ્રત્યે વિશેષ રસ, રૂચી જોવા મળી રહી છે. આપણાં દેશમાં મા-બાપો રસ દાખવી રહ્યા છે ત્યારે તાકીદે કે આવતાં 2022ના જૂનથી નવા સત્રે જ આ પ્રારંભિક બાળ શિક્ષા કાર્યક્રમ શરૂ કરી દેવો જોઇએ. તેમ શિક્ષણ શાસ્ત્રીઓ માની રહ્યા છે. આ સિસ્ટમને કાયદેસરતા મળી જતાં તેના પરિણામો બહુ જ સારા મળશે તેમાં કોઇ બેમત નથી કારણ કે ધો.1માં તેને બધુ શિખવાનો પ્રારંભ કરો તેના કરતાં 3 થી 6 પૂર્ણ થાય ત્યારે તે બધુ શીખીને જો ધો.1માં આવે તો તેની અસર વધુ પડશે. મનોવિજ્ઞાનીકો પણ કહે છે કે 3 થી 6 વર્ષની વયમાં બાળક સૌથી વધુ શીખે છે અને તેના મગજનો વિકાસ પણ આ ગાળામાં સૌથી વધુ ખીલે છે.
કક્કો, બારાક્ષરી, શબ્દો, વાક્યો, સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, હિન્દી કક્કો, એબીસીડી સાથે વાંચન, ગણન, લેખન સાથે ઘણી બધી વસ્તુઓ આજે ધો.1માં શીખે છે તે ત્રણ વર્ષ પહેલા શીખવાનું શરૂ થતાં તેનો સંર્વાંગી વિકાસ ઝડપી બને છે. આજે ધો.1-2 તો ઠીક પણ ધો.5-6નાં છાત્રો પણ કડકડાટ વાંચી નથી શકતા જે એટલું જ નગ્ન સત્ય છે. આ સિસ્ટમમાં તાલિમબધ્ધ શિક્ષકો હોવા અતિ જરૂરી આવશ્યક છે. જો અનક્વોલીફાઇડ સ્ટાફ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન સિસ્ટમમાં ચાલુ રહેશે તો બાળકોનો પાયો કાચો જ રહેશે. જેના પરિણામ સૌએ ભોગવવા પડશે.
ધો.1 થી 9 માં પી.ટી.સી. કોર્ષ કરેલા શિક્ષકો અને ધો.6 થી 8 માં બી.એડ.કરેલા શિક્ષકો જેમ હોય છે તેમ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનમાં પ્રી.પી.ટી.સી. કોર્ષ કરેલા અને બાળ માનસના અભ્યાસુને જ રાખવાનું ફરજીયાત કરવું જ પડશે. બુનિયાદી શિક્ષણ જ બાળકને તેના સંર્વાંગી વિકાસના શિખરો સર કરાવતું હોવાથી અહિં આપણે સૌએ તકેદારી રાખવી જ પડશે. નાના બાળકોને જેમ વાળશો તેમ વળી શકતા હોવાથી સારા પરિણામો મળી શકશે. બાલમંદિરો જ શ્રેષ્ઠત્તમ હોય તો જ તે ટબૂકડા બાળ મિત્રો માટે જ્ઞાન મંદિરો બની શકશે આ માટે આપણે તેના નિર્માણમાં ઘણી કાળજી લેવી પડશે. બાળકને ભણાવવો નથી પણ ભણતો કરવાનો છે તે વાત ભૂલવી ના જોઇએ.આજે સમાજમાં શેરી ગલ્લીઓમાં કે ગમે ત્યાં બાલમંદિરોને પ્લે હાઉસ ફૂટી નીકળ્યા છે. જેમાં શિક્ષણ સાથે કાંઇ લેવા-દેવા ન હોય તેવો તેને ભણાવી રહ્યા છે જે નુકશાન આપણે સૌએ સહન કરવું જ પડે છે કારણ કે આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. બાળકનું ઘડતર શ્રેષ્ઠ હશે તો જ તે શ્રેષ્ઠ નાગરિક બની શકશે.
બાલમંદિરોને હવે જ્ઞાન મંદિરો બનાવવા પડશે !!
નાના બાળકો કે જેની વય 3 થી 6 વર્ષ છે અને તે ધો.1 પહેલાનું પાયાનું શિક્ષણ મેળવવા પાત્ર છે તેના માટેનો સિલેબસ એવો તૈયાર કરવો પડે કે તેના રસ, રૂચિ, વલણો જળવાય રહે. બૂનિયાદી શિક્ષણ કે પાયાનું શિક્ષણ એટલે જ ‘અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન’ સિસ્ટમ આપણે હવે બાલમંદિરો કે પ્લે હાઉસને બાળમનોવિજ્ઞાન ઢબે જ્ઞાન મંદિરો બનાવવા જ પડશે. નિષ્ણાંત અને તાલિમબધ્ધ સાથે બાળ માનસના અભ્યાસું શિક્ષકો તેને પાયાનું શિક્ષણ આપે એ એટલું જ જરૂરી છે. આ સિસ્ટમમાં ગમે તે અનક્વોલીફાઇડ ભણાવે તે ચલાવી ન શકાય. વિદેશોમાં આ સિસ્ટમ ઉપર બહુ કામ થયું હોવાથી ત્યાંના બધા જ લોકો શિક્ષણની મહત્તા સમજે છે. આ વયના બાળકો માટે આનંદમય, ઉલ્લાસમય શિક્ષણ પધ્ધતિ જરૂરી છે. પાંચ વર્ષની એઇજ સુધીમાં બાળક વધુમાં વધુ શિખતો હોવાથી આપણે સૌથી વધુ કાળજી તેના માટે લેવી જરૂરી છે. નવી શિક્ષણ નિતી-2020માં એટલે જ આ પ્રારંભિક બાળ શિક્ષણ અભ્યાસક્રમને મહત્વ અપાયું છે. વાંચન, ગણન, લેખનની ક્ષમતા બધા જ બાળકો સિધ્ધ કરે તે સૌથી વધુ જરૂરી છે.