દક્ષિણ ભારતના સુપ્રસિઘ્ધ ફિલ્મ સ્ટાર કમલ હાસન અને રજનીકાંત રાજનીતિમાં પ્રવેશવા તૈયાર: ભ્રષ્ટાચાર નાબુદ કરવાનો એકમાત્ર ધ્યેય
દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર કમલ હાસને સૌપ્રથમ વખત રાજનીતિમાં જોડાવાના સમયને લઈ સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે, આવનારા સો દિવસોમાં ચુંટણી થશે તો તેઓ રાજનીતિમાં આવશે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, હાલ તેઓને કોઈપણ રાજનીતિક પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
કમલ હાસને વધુમાં જણાવતા કહ્યું હતું કે, તેઓ બધી પાર્ટીઓને સહયોગ કરવા તૈયાર છે પરંતુ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેઓ કોઈ સાથે કામ નહીં કરે માત્ર એકલા જ આગળ વધશે. ઈઆઈડીએમના આંતરિક તકરાર પર પોતાની પ્રતિક્રિયા આપતા કમલ હાસને કહ્યું કે, આ બધુ જબરદસ્તીથી લગ્ન કરાવવા જેવું છે અને આમાંથી દુલ્હનની સમાન તમિલનાડુની જનતા આ લગ્નમાંથી બહાર આવવા ઈચ્છે છે. જો સો દિવસમાં ચુંટણી થશે તો હું રાજનીતિમાં પ્રવેશ કરીશ તેમ કમલ હાસને જણાવ્યું હતું.
હાસને કહ્યું કે, હું ચાર-પાંચ અઠવાડિયા અગાઉ રજનીકાંતને મળ્યો હતો. તેણે પણ રાજનીતિમાં પ્રવેશવાની ઈચ્છા વ્યકત કરી. અમારા બંનેનો ઉદેશ એજ છે કે સૌથી પહેલા ભ્રષ્ટાચારની સામે લડાઈ થાય અને નાબુદ કરીએ. દક્ષિણ ભારતના આ બંને સુપ્રસિઘ્ધ સુપર સ્ટાર્સના રાજનીતિમાં પ્રવેશથી એ જોવાનું રસપ્રદ રહેશે કે હવે, રાજનીતિ કઈ દિશા તરફ વળશે. કમલ હાસને આ અંગે કહ્યું કે, તે અને રજનીકાંત અન્ય પાર્ટીઓની સામે એક ઉદાહરણ રજુ કરવા તૈયાર છે.