‘જે રાજા,સત્ય,પ્રેમ,કરુણા,ન્યાય,ત્યાગ,વિવેક,સંયમ,નમ્રતા અને ચતુરાઈ વડે રાજનો વહીવટ ચલાવે તે રાજ્ય રામ રાજ્ય બની શકે’
રામ રાજ્યને આદર્શ માનવામાં આવે છે.આ ધરતી ઉપર અત્યાર સુધીમાં જેટલા પણ શાસકો થયા તેમાં શ્રીરામની ગણના સર્વ શ્રેષ્ઠ રાજાઓમાં થાય છે.તેમના રાજ્યમાં સાચું લોકતંત્ર હતું.શ્રીરામ વેદોમાં બતાવેલી મર્યાદામાં લીન રહીને સુનીતિપૂર્વક શાસન કરતા હતા.તેમના માટે પ્રજા પોતાના બાળકો સમાન છે.અને તેઓ તેમના પાલક પિતા છે.આવું કલ્યાણકારી રાજ્ય હજુ સુધી કોઈ રાજાનું થયું નથી.
ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં સત્ય,પ્રેમ, કરુણા,ન્યાય અને ત્યાગ જેવા ગુણોને આત્મસાત કરીને પોતાનું રાજ ચલાવ્યું હતું.જે રાજા વિવેક,સંયમ,નમ્રતા અને ચતુરાઈ વડે રાજનો વહીવટ ચલાવે તે રાજ્ય રામ રાજ્ય બની શકે. ભગવાન શ્રી રામના જીવનનાં અનેક પરિમાણો છે. જેમાં હજારો રંગ છે.તેઓ બધાને માન આપતા.તેઓ એક સારા શિષ્ય,પુત્ર,ભાઈ અને સાચા મિત્ર હતા. ધર્મના માર્ગે આગળ વધનારા શ્રી રામ સત્યવાદી અને પોતાનું વચન પાલન કરનારા હતા.દીર્ઘદ્રષ્ટિ,અહંકાર રહિત અને કૂટનીતિજ્ઞ હોવાની સાથે તેઓ સાચા સમાજવાદી પણ હતા.તેઓ બીજાના સારા ગુણોને ગ્રહણ કરનારા અને બીજાઓને તેમના કાર્ય માટે ખુલ્લા મનથી યશ આપનારા હતા.
રામનું સંપૂર્ણ ચરિત્ર અનુકરણીય છે.તેમના ચરિત્રના અનેક રૂપ આપણને જોવા મળે છે.તેમના દરેક રૂપ વિશિષ્ટ છે.સંપૂર્ણ જીવનનો પ્રબંધ તેમણે એટલી કુશળતાથી કર્યો કે આપણે તેમની પ્રશંસા કર્યા વગર રહી ના શકીએ.ગુરુજનો અને માતા-પિતાને સન્માન આપી,તેમની આજ્ઞાનું પાલન કરવું,ભાઈઓને સાચો પ્રેમ કરવો અને સંકટમાં આપણા મિત્રોને નિ:સ્વાર્થ સહાયતા કરવાના પાઠ ભગવાન શ્રી રામે પોતાનાં ચરિત્ર દ્વારા આપણને શીખવ્યાં છે.પોતાની પ્રતિજ્ઞા અને વચન પાલન માટે પોતાના પ્રાણની પરવા પણ નથી કરતા.શરણમાં આવનારને શરણ આપીને તેમની રક્ષાનો ભાર પોતાને શિરે લઈ લે છે.તે બધાને પ્રેમ કરે છે,વિનમ્ર સ્વભાવ ધરાવે છે,દૂરદર્શી અને ખૂબ સંવેદનશીલ છે.તે સત્ય અને ધર્મ પર દૃઢ રહીને નીતિનું પાલન કરનારા છે.
રામ રાજ્યને શા માટે શ્રેષ્ઠ રાજ્ય ગણવામાં આવે છે ? આવો જોઈએ,રામાયણને આધારે રામ રાજ્યની કેટલીક વિશેષતાઓ : “ચારિઅ ચરન ધરમ જગ માહીં,પૂરી રહા સપને હું અધ નાહીં;
રામ ભગતિરત નર અરુ નારી,સકલ પરમ ગતિ કે અધિકારી.”
અર્થાત્ ધર્મ તેના સત્ય,પવિત્રતા,દયા અને દાન જેવા ચાર ચરણોથી સંસારમાં પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે.સપનાંમાં પણ ક્યારેય પાપ નથી.પુરુષ અને સ્ત્રી બધાં જ ભક્તિમાં લીન છે અને સૌ કોઈ મોક્ષના અધિકારી છે.
વર્તમાન સમયમાં ધર્મ ઉપર સંકટ છવાયેલું છે. માનવી જૂઠાણાંનું હરતું ફરતું પૂતળું બની ગયો છે.એક જૂઠાણાંને છુપાવવા બીજા સો જૂઠાણાં બોલી નાખે છે.અંદરથી તો ઠીક બહારથી પણ તે અપવિત્ર બની ગયો છે.દયા બતાવવાની વાતો દૂર રહી પણ બીજા કોઈ કૃપા વરસાવાની મહેરબાની કરે તો તેઓની પણ મજાક ઉડાવે છે.ધર્મના ચારેય ચરણની ઉપેક્ષા કરીને અધાર્મિકતાની આંધળી ખાઈમાં સતત ગરકાવ થઈ રહ્યો છે.આજે દરેક સ્થળે પાપાચારનો પ્રસાર થઈ રહ્યો છે.માધ્યમોની હેડલાઈન્સ,લૂંટ,હત્યા,અપહરણ અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધો તેની સામે ઈશારો કરે છે. સંબંધો ગૌણ બની ગયા છે.ફક્ત સંપત્તિ જ મુખ્ય છે. પૈસા કમાઈ લેવાની આંધળી દોડમાં વ્યસ્ત છે.નાણાં માટે ગમે તે કરવા તૈયાર છે.આજે માણસને તેના ગુણોથી નહીં પણ તેના બેંક બેલેન્સથી જ ઓળખવામાં આવે છે.ભક્તિ સાધનાનો લોપ થઈ રહ્યો છે.કોઈ વ્યક્તિ ઈશ્વરના ચીંધ્યા માર્ગે ભક્તિ કરતો હશે તો તેને ઢોંગી અને પાખંડી કહેવામાં આવે છે.
“દૈહિક,દૈવિક,ભૌતિક,તાપા,રામરાજ નહીં કાહુહિં વ્યાપા;
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.”
અર્થાત્ રામ રાજ્યમાં દૈહિક, દૈવિક અને ભૌતિક સમસ્યાથી કોઈ જ પીડાતું નથી.બધા મનુષ્યો એકમેકને પ્રેમ કરતા હતા.વેદોમાં બતાવેલી મર્યાદાઓમાં રહીને પોતપોતાના ધર્મનું પાલન કરતાં હતાં.
આજકાલ રામ રાજ્યથી વિપરીત માણસ દૈહિક દૈવિક અને ભૌતિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.તે રોગોનું ઘર બની ગયો છે.તેની દિનચર્યા અને ખાવા પીવાની આદતોમાં ફેરફાર થવાને કારણે તે વિવિધ બીમારીઓનો શિકાર બની રહ્યો છે.જે બીમારીઓનું નામ પહેલા કોઈએ કદીયે સાંભળ્યું નહોતું એવી ડાયાબિટીસ,બ્લડપ્રેશર,હૃદય રોગ,કેન્સર અને કોરોના જેવી વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યો છે.હાલના ફાસ્ટફૂડના જમાનામાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણોનું આ પરિણામ છે.તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે.તેને દૈવિક અને ભૌતિક તાપ પણ સતાવી રહ્યો છે.પહેલા મનુષ્યનું જીવન પવિત્ર હતું.હવે તેનું મન કલુષિત થઈ ગયું છે.સંસારની ભૌતિકતામાં તે એવી રીતે ભરાઈ ગયો છે કે,તેના જીવનમાંથી આધ્યાત્મિકતાનો લોપ થઈ ગયો છે.દયા, સહાનુભૂતિ,મમતા,પરોપકાર, ત્યાગ,તપ જેવી દૈવીય ગુણોને ભૌતિકતાએ ડંખી લીધોછે.તેની અંદર પ્રેમનો શ્રોત સૂકાઈ રહ્યો છે.તે માત્ર પોતાની જાતને જ પ્રેમ કરે છે.જો તે કોઈને પ્રેમ કરે પણ છે,તો તે માટેનો કોઈ સ્વાર્થ હોય છે.વેદોમાં બતાવવામાં આવેલી મર્યાદાઓનું તે જાણી જોઈને ઉલંઘન કરે છે.
રામના રાજાભિષેકની ઘોષણા થઈ જાય છે.પરંપરા મુજબ રાજકુળના સૌથી મોટા પુત્રને જ સિંહાસનનો હવાલો સોંપવામાં આવે છે.રાજકાજ સંબંધિત જ્ઞાન આપવા માટે તેમજ રાજ્યાભિષેકની ખબર આપવા માટે રાજા દશરથ ગુરુ વશિષ્ઠને રામની પાસે મોકલે છે.આ સૂચના મળ્યા પછી રામ તેમના મનમાં વિચારે છે: