૨૦૦થી વધુ મકાન ધરાવતી ટાઉનશીપને પાણી, લાઈટ અને સફાઈની સુવિધા આપવાની માંગ સાથે ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું: મેયરને રજુઆત

મહાપાલિકાના શાસકો રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારો આજે પણ લાઈટ, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. શહેરના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં આવેલી આદર્શ સિટી સોસાયટીમાં પાણીની પાઈપલાઈન જ બિછાવવામાં આવી ન હોવાના કારણે લોકો ભારે હાડમારી વેઠવી રહ્યા છે. લાઈટ, પાણી અને સફાઈની સુવિધાની આપવાની માંગ સાથે ૫૦ થી વધુ લોકોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને ઉગ્ર રજુઆત કરી હતી.

શહેરના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં પુનિતનગર પાસે ૮૦ ફુટ રોડ નજીક ઉદગમ સ્કૂલ પાસે આવેલી આદર્શ સિટી સોસાયટીમાં ૨૦૦થી વધુ મકાનો આવેલા છે. અહીં કોર્પોરેશન દ્વારા પાણીની સુવિધા આપવા માટે આજ સુધી પાઈપલાઈન બિછાવવામાં આવી હતી. આ અંગે સ્થાનિકો દ્વારા અવાર-નવાર વેસ્ટ ઝોન કચેરી ખાતે રજુઆત કરવા આવી હોવા છતાં પ્રશ્ર્નનું નિરાકરણ ન આવતા ગઈકાલે સાંજે ૫૦ થી વધુ મકાનમાલિકો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યા હતા અને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પાણી ગમે ત્યારે આપો પરંતુ સોસાયટીમાં પાઈપલાઈન બિછાવવાનું કામ ઝડપથી શ‚ કરાય તેવું કંઈક કરો. આ સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટની પણ સુવિધાઓ આપવામાં આવી નથી. સ્થાનિકોએ પોતાના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરી છે તેનું વીજબીલ ખુબ જ તોતીંગ આવે છે. સોસાયટીમાં નિયમિત સફાઈ પણ થતી નથી. આ મતલબની ઉગ્ર રજુઆત મેયરને કરવામાં આવી હતી.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે સફાઈને લગતી સમસ્યાનો સ્થળ ઉપર જ નિકાલ કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, સોસાયટી તાત્કાલિક એઓપી બનાવી તેનું લીસ્ટ કોર્પોરેશનમાં આપે તો તંત્ર દ્વારા સોસાયટીની સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સોસાયટીમાં સ્ટ્રીટલાઈટની સુવિધા ઉભી કરવા માટે રોશની વિભાગના અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવી હતી.

જયારે પાણીની પાઈપલાઈન અંગેની રજુઆતમાં એવું જણાવ્યું હતું કે, પાઈપલાઈન બિછાવવા અંગે ટેન્ડર પ્રસિદ્ધ કરવા સહિતની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એટલે આ કામગીરીમાં થોડો સમય લાગશે. સોસાયટીના લતાવાસીઓએ એવું પણ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખરેખર શોભાના ગાંઠિયા સમાન છે. અહીં રજુઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ પરીણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.