સરપંચે ધોમધખતા તડકામાં પંચાયત ભરી નોંધાવ્યો નવત્તર વિરોધ
વિકાસની વાત જો આખા દેશમાં થતી હોય તો એ છે ગુજરાતના વિકાસ મોડેલની અને આ ગુજરાતના વિકાસ મોડેલને અનુસરીને દેશના અન્ય રાજ્યો પણ વિકાસની હરણફાળ ભરી રહેલા છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાનું વસાઈ ગામ જ્યાં હાલમાં પંચાયત પાસે નથી પોતાનું પંચાયત ઘર અને પંચાયતની તમામ કામગીરી એક ભાડાના મકાનમાં હાલ તો થઈ રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે વસાઈ ગ્રામ પંચાયત પાસે પોતાનું મકાન તો હતું પરંતુ તે જર્જરિત થઈ ગયું હતું અને તેનો ઉપયોગ કરી શકાય તેમ ન હતું ત્યારે તંત્રએ વર્ષ 2017 માં આ મકાન નોન યુઝ કરીને તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર પછી પંચાયતની તમામ કામગીરી એક ભાડાના મકાનમાંથી છેલ્લા 6 વર્ષથી કરવામાં આવી રહી છે
જ્યારે તંત્ર દ્વારા પંચાયત ઘર નવું બનાવી આપવા માટે નીચેથી લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું જેને લઈને પંચાયતના સરપંચ નરેશ દેસાઈએ પંચાયત કક્ષાની કામગીરી પૂર્ણ કરી સરકારમાં પત્રો લખવાના શરૂ કર્યા હતા ત્યારે સરપંચ દ્વારા સમયાંતરે આ પ્રકારના પત્ર વ્યવહારો કર્યા બાદ તંત્ર દ્વારા વર્ષ 2020 માં નવા મકાનની મંજૂરી મળી હતી પરંતુ મંજૂરી મળી ગયા બાદ પણ છેલ્લા ત્રણ વર્ષથી પોતાનું પંચાયત ઘર ક્યારે બનશે તેની રાહ જોઈને પંચાયત બોડી અને ગ્રામજનો બેસી રહ્યા છે ત્યારે આ મામલે અધિકારીઓ નવીન પંચાયત ઘર બનાવવાની ફાઈલને ગોળ ગોળ ફેરવી રહ્યા હોય તેવું હાલતો દેખાઈ રહ્યું છે જેને લઈને ગ્રામજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે
ત્યારે આખરે તંત્રના આ પ્રકારના વલણને કારણે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ તંત્ર અને સરકાર સામે અનોખો વિરોધ દર્શાવવા માટે આવી કાળજાળ ગરમીમાં એક આખો દિવસ માટે ખુલ્લામાં પંચાયતની કામગીરી કરીને અરજદારોના કામ કર્યા હતા જ્યારે પંચાયત દ્વારા આ પ્રકારના અનોખા વિરોધને લઈ ગ્રામજનો પણ સમર્થનમાં આવી ગયા હતા જો પંચાયતનું નવીન મકાન બનાવવાનું કામ ઝડપી નહિ થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો પંચાયતની બોડી સાથે સમર્થનમાં રહીને ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
એક મહિના પહેલા મુહુર્ત થયું હજુ કામ શરૂ નથી થયું: સરપંચ
આ મામલે વસાઈ ગ્રામ પંચાયતના સરપંચ નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારી અને કોન્ટ્રાક્ટર ના કહેવાથી એક મહિના પહેલા ખાતમુરત કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી પંચાયતનું કામ શરૂ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર કામ શરૂ કરવાનું કહેવા છતાં પણ કામને ટલ્લે ચડાવી રાખ્યું છે આ મામલે ટી.ડી.ઓનું ધ્યાન વારંવાર દોરવા છતાં પણ ટી.ડી.ઓને પણ કોન્ટ્રાક્ટર ગાંઠતા ન હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે.